લગ્નેતર સંબંધોના કારણે બે બે વખત પ્રથમ પતિએ છૂટાછેડા આપ્યા બાદ બીજા પતિને પણ પ્રેમ સંબધની જાણ થઈ જતાં ગાંધીનગરની મહિલા વકીલનો ઘરસંસાર ફરીવાર તૂટતાં સાંપ્રત સમાજમાં આંખ ઉઘાડનાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગરની મહિલા વકીલ પ્રેમ સંબંધનો અંત લાવવા મોડાસા પહોંચતાં પ્રેમીએ તેણી સાથે દુકાનમાં કુકર્મ આચર્યાની ફરિયાદ અરવલ્લી જિલ્લાનાં મોડાસા રૂરલ પોલીસ મથકમાં નોંધાવવા પામી છે.
મોડાસા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગાંધીનગર જિલ્લા અદાલત ખાતે વકીલાત કરતી 33 વર્ષીય મહિલા ના લગ્ન વર્ષ 2000 ગાંધીનગરના યુવાન સાથે થયાં હતાં. આ લગ્નજીવન દરમિયાન દંપતીને સંતાનસુખ પ્રાપ્ત ન થતા વર્ષ 2013માં છુટાછેડા થઇ ગયા હતા. બાદમાં વર્ષ 2014માં મહિલા વકીલ અમદાવાદના વાડજ ખાતે યોજાયેલ સમાજના લગ્ન સંમેલનમાં ગઈ હતી તે વખતે લગ્ન સંમેલનના મેળાવડાની બુકમાં જીગર રમેશભાઈ ભાવસાર (રહે સાકરીયા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી) અપરણિત તેમજ સમાજમાં મોટો વેપારી હોવાનો ઉલ્લેખ કરેલો હતો. જેના પગલે મહિલા વકીલ સાથે જીગર ભાવસારની ઓળખાણ થતાં બન્ને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો. બાદમાં આ ઓળખાણ પ્રેમ સંબંધમાં પરિણમી હતી.
જોકે આ પ્રેમસંબંધમાં મહિલા વકીલ તેના પહેલા પતિ સાથે સમાધાન થઈ ગયું હતું અને તે પોતાના પતિ સાથે ગાંધીનગરમાં રહેવા લાગી હતી. જેથી જીગર ભાવસાર મહિલા વકીલને તેના પતિની હાજરીમાં અવારનવાર ફોન કરતો હતો. રાતના સમયે પતિ ઘરે હોય ત્યારે પણ પ્રેમી ફોન કરતો હોવાથી તેણીના પતિએ ફરીવાર વર્ષ 2014માં છૂટાછેડા લઇ લીધા હતા.
લગ્નેતર સંબંધો ના કારણો પહેલાં પતિએ બબ્બે વખત છૂટાછેડા આપ્યાં બાદ મહિલા વકીલના જીવનમાં વર્ષ 2016 મા બીજા પતિની એન્ટ્રી થઈ હતી. આ લગ્નજીવનથી મહિલા વકીલે પુત્રને જન્મ આપ્યો હતો. આ વખતે પણ પ્રેમી જીગરે તેણીના પતિ તેમજ સાસરીમાં ખોટાં ફોન તેમજ મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું જેના કારણે બીજા પતિને પણ પ્રેમ સંબંધની જાણ થતા મહિલા વકીલને કાઢી મુકી હતી.
પોતાના લગ્નેતર સંબંધોની બીજા પતિને પણ જાણ થઈ જતા સંસાર તૂટે નહીં તે માટે મહિલા વકીલ જીગર ભાવસારને સમજાવવા માટે 9મી જાન્યુઆરીના રોજ સાકરીયા ગામે ગઈ હતી. જીગર ની દુકાનની બહાર બેસી પોતાનો ઘરસંસાર ન બગડે તે માટે હવે પછી પતિ કે સાસરી પક્ષમાં કોઈને ફોન નહીં કરવા બાબતે મહિલા વકીલ જીગરને સમજાવતી હતી. તે દરમિયાન જીગર તેણીને તેની દુકાનમાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ કુકર્મ આચર્યું હતું. બાદમાં જીગર ભાવસારે ધમકી આપી હતી કે હવે પછી મોડાસા બાજુ આવતી નહીં અને જો આવીશ તો તને પતાવી દઈશ તેમ કઈ બિભત્સ ગાળો ભાંડી હતી. આથી મોડી રાત્રે ગભરાઈ ગયેલી મહિલા વકીલ મોડાસા થી ગાંધીનગર પરત આવી હતી અને માનસિક શારીરિક રીતે સ્વસ્થ થયાં પછી 17મી માર્ચે જીગર ભાવસાર વિરુદ્ધ ફરિયાદ આપી હતી. મોડાસા રૂરલ પોલીસે મહિલા વકીલની ફરિયાદના આધારે જીગર ભાવસાર આઇપીસી એક્ટ 376(1),504,506(2) અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.