સ્વાસ્થ્ય રક્ષા અને પોષણ માટે ફળ અને શાકભાજીના મહત્ત્વને જાણીને લોકો વધુને વધુ તેનો ઉપયોગ કરતા થાય તે માટે લોકજાગૃતિ કેળવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતેથી ફળઝાડ સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર અભિયાનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં શુભારંભ કર્યો હતો.
રાજ્યપાલે રાજભવન ખાતે આમળાના વૃક્ષનું જ્યારે મુખ્યમંત્રી રૂપાણીએ કેસર આંબાનું વાવેતર કર્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને વાવેતર કર્યું હતું. આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી અને મુખ્યમંત્રીનાં પત્ની અંજલીબહેન પણ વાવેતર કર્યું હતું.
બાદમાં રાજ્યપાલે પગપાળા ફરીને નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓના નિવાસસ્થાને વાવેતર કર્યું હતું. તેમણે ફળઝાડ અને શાકભાજી સહિત બાગાયતી વૃક્ષોના વાવેતર પ્રત્યે લોક જાગૃતિ કેળવવા મંત્રીઓને અનુરોધ પણ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા વર્ષ 2021ને ફળ અને શાકભાજી વર્ષ તરીકે જાહેર કરાયું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ફળ અને શાકભાજીના વપરાશથી સ્વાસ્થ્યરક્ષા અને પોષણ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે.
અભિયાન અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા લીંબુ, આમળા, જામફળ અને સરગવાના 400 રોપા, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ચીકુ અને કેળાના 200 રોપા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેસર આંબાના 100 રોપા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સીતાફળના 100 રોપા, ગોધરા કેન્દ્ર દ્વારા બીલી અને જાંબુના 200 રોપા મળી કુલ 1000 રોપાનું વાવેતર કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.