ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસની 'રેવડી' વાનમાં 'વહેંચાશે':કોંગ્રેસે 91 LED વાનની ખરીદી કરી, બૂથ મેનેજમેન્ટ માટે એપ્લિકેશન ખરીદી; ઓક્ટોબરમાં ચૂંટણીઢંઢેરો જાહેર કરશે

ગાંધીનગર20 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ વખતે યોજાનારી ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયાની ભૂમિકા સૌથી મહત્ત્વની રહેશે. સોશિયલ મીડિયાનો સહારો તમામ રાજકીય પાર્ટીઓ લઈ રહી છે, ત્યારે કોંગ્રેસે રાજ્યનાં 52 હજાર બૂથનું મેનેજમેન્ટ ડિજિટલી કરવાની શરૂઆત કરી છે, જેના માટે એક એપ્લિકેશનની ખરીદી પણ કરવામાં આવી છે.

આમ તો પક્ષ દ્વારા બૂથ લેવલ પર ઓફલાઈન કરવાની તમામ કામગીરી પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. ઓફલાઇન કામગીરી બાદ હવે ડિજિટલ કામગીરીની શરૂઆત કોંગ્રેસે કરી દીધી છે. જોકે કોંગ્રેસે સૌપ્રથમવાર ઓફલાઈન કામગીરી કરવાની શરૂઆત પહેલા કરીને પ્રચાર માટે ઊલટી ગણતરી શરૂ કરી છે.

91 એલઇડી વાન ખરીદી છે, ફેઝ પ્રમાણે પ્રચાર કરાશે - જગદીશ ઠાકોર
આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રચાર-પ્રસાર માટે 182 વિધાનસભા માટે હોર્ડિંગ તેમજ બોર્ડ લગાવવા માટેની એજન્સી નક્કી થઈ છે. પ્રચારના તમામ ફેઝ નક્કી થયા છે. સોશિયલ મીડિયા તથા મીડિયામાં કયા કયા મુદ્દાને લઈને કેવી વાત કરવી? એ નક્કી કરાયું છે તેમજ 91 એલઇડી વાન ખરીદાઈ છે, જેમાં 2 વિધાનસભા વચ્ચે એક એલઈડી વાનમાં ફેઝ પ્રમાણે લોકોને માહિતગાર કરી પ્રચાર કરવામાં આવશે.

ઓક્ટોબર માસમાં કોંગ્રેસ ચૂંટણીઢંઢેરો જાહેર કરશે
ચૂંટણી અગાઉ મેનિફેસ્ટો તૈયાર કરવા માટે કોંગ્રેસ મહેનત કરી રહી છે. ચૂંટણી મેનિફેસ્ટોમાં કયા મુદ્દાને લઈને આગળ વધવું એ માટે જિલ્લા સ્તરેથી સૂચનો મગાવાઈ રહ્યાં છે. આ ઉપરાંત વિધાનસભા પ્રમાણે ખેડૂત, કોન્ટ્રેક્ટ પર કામ કરતો સમૂહ, એનજીઓ, કર્મચારીઓ, પીડિત વર્ગ વગેરે સાથે રૂબરૂ મુલાકાત કરી તેમનાં સૂચનો મેળવાઈ રહ્યાં છે. ત્યારે આગામી ઓક્ટોબર માસમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીઢંઢેરો જાહેર કરવામાં આવે એવી સંભાવના છે.

બૂથ મેનેજમેન્ટ માટે એપ્લિકેશનની ખરીદી
ગુજરાતમાં 52 હજારથી વધુ બૂથ પર મતદાન થાય છે. ત્યારે રાજકીય પક્ષ દ્વારા આ તમામ બૂથ પર વધુમાં વધુ મતદારો મતદાન કરી શકે એ માટે બૂથ મેનેજમેન્ટ અત્યંત મહત્ત્વનું છે. કોંગ્રેસ દ્વારા આમ તો રાજ્યના આ તમામ બૂથ માટે ઓફલાઇન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ હવે એનું મેનેજમેન્ટ ડિજિટલી થાય એ માટે એક એપ્લિકેશનની ખરીદી કરવામાં આવી છે. કુલ 9 ફંક્શન ધરાવતી આ એપ્લિકેશનમાં એક વિકલ્પ બૂથ મેનેજમેન્ટ માટેનો છે એમ જગદીશ ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

બૂથ કમિટી બનાવી કોંગ્રેસતરફી વધુ મતદાન થાય એવો પ્રયાસ - વિપક્ષ નેતા
વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે જે-તે ગામ અને બૂથમાં કોણ કામ કરી શકે? કયા આગેવાનોને સાથે રાખવાથી કોંગ્રેસતરફી મતદાન થઈ શકે? કેટલા યુવાનોને જોતરવાથી મતદાન વધી શકે? એ અંગે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. ભૂતકાળમાં એવા અનુભવો થયા છે કે આખો પરિવાર મતદાન નથી કરતો. આવા સંજોગોમાં બૂથ કમિટી બનાવીને તેમાં યુવાનોને સાથે રાખી વધારે મતદાન કેવી રીતે થાય એવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ.

ગુજરાત કોંગ્રેસની પ્રચારધુરા પ્રિયંકા ગાંધી સંભાળશે
રાહુલ ગાંધી કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'માં વ્યસ્ત થયાં છે. ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વધારે સમય ફાળવી શકાશે નહિ. આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણીમાં પ્રચારધુરા સંભાળવા માટે પ્રિયંકા ગાંધીના નામનું સૂચન કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં જે રીતે પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો હતો એ જ પદ્ધતિથી ગુજરાતમાં પણ પ્રચાર કરવામાં આવે એ પ્રકારનું આયોજન કોંગ્રેસ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...