ભાસ્કર ઇન્સાઇડ સ્ટોરી:...મોડી રાત્રે મંત્રીઓને ખબર પડી કે તમામ પડતા મુકાશે; વિરોધ ભભૂકતાં દિલ્હીથી ફોન આવ્યો...'ને શપથ ટળી ગયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બધા મંત્રીઓને બંગલા ખાલી કરી દેવાના ફરમાનથી બળતામાં ઘી હોમાયું
  • શપથ ટળી જતાં અસંતુષ્ટોને લાગ્યું જીતી ગયા, પણ સાંજે પક્ષે સ્પષ્ટ કહ્યું કે શપથ કાલે થશે, તમામ ચહેરા નવા હશે

રૂપાણી સરકારના અમુક સિનિયર મંત્રીઓને ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં સ્થાન મળશે એવી વાત મંગળવારે સાંજ સુધી નક્કી હતી, પરંતુ કમલમ પર થયેલી બેઠકોને આધારે અચાનક જ મોડી સાંજે તેમને ખ્યાલ આવ્યો કે બુધવારે જ થનારા શપથગ્રહણમાં નવી સરકારમાં હાલના કે ભૂતકાળમાં રહી ચૂકેલા એકપણ મંત્રી રિપીટ થવાના નથી અને અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. બુધવારે સવારથી જ મુખ્યમંત્રી આવાસ કે જેના પર હજુ રૂપાણીનો કબજો છે ત્યાં તેમની સરકારના મંત્રી રહી ચૂકેલા તમામ નેતાઓ એક પછી એક ભેગા થવા માંડ્યા. આ સંજોગોમાં રૂપાણીએ સ્પષ્ટતા કરી દીધી કે તેઓ આ કિસ્સામાં કોઈ દરમિયાનગીરી કરી શકશે નહીં.

એની થોડી જ વારમાં રૂપાણીના બંગલે સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પહોંચ્યા અને ત્યાં તેમને ગાંધીનગરના સેક્ટર-19ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના બંગલા સહિતનાં સરકારી મકાનો ફાળવવા અંગેનો પરામર્શ શરૂ થયો અને રૂપાણીના માણસોએ એ બંગલા ચકાસી પણ લીધા. તેની બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના બંગલે પણ ધમધમાટ શરૂ થઇ ગયો. ભૂતપૂર્વ મંત્રીઓ 11 વાગ્યાની આસપાસ ગણપત વસાવા તથા ઇશ્વર પટેલ અને તેમની સાથે ચાર ધારાસભ્યો મોહન ઢોડિયા, ભરત પટેલ, મુકેશ પટેલ, વિનોદ મોરડિયા પહોંચ્યા હતા અને થોડીવારમાં ભૂતપૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ પાટીલ સાથે મુલાકાત કરી હતી.

આ પૈકી ગણપત વસાવાએ કહ્યું હતું કે કોઇ મંત્રી કે ધારાસભ્યોને નો રિપીટ થિયરી સામે વાંધો નથી અને પાર્ટી જે કામ આપશે એ કરીશું, જ્યારે બાકીના કોઇ ધારાસભ્ય કે મંત્રીઓએ પ્રતિક્રિયા આપવાનું ટાળી દીધું. તેની બીજી તરફ સરકારના પ્રોટોકોલ વિભાગ તરફથી વર્તમાન તમામ મંત્રીઓને તાત્કાલિક ધોરણે તેમની ઓફિસો અને સરકારી આવાસ ખાલી કરી દેવાનું ફરમાન આવ્યું અને બળતામાં ઘી હોમાયું અને વાત છેક 29 જેટલા મંત્રીઓ અને ધારાસભ્યોના સાગમટે રાજીનામાની ઑફર સુધી પહોંચી ગઇ. ઘણા મંત્રીઓએ સ્વમાનનો વિષય બનાવી બંગલો ખાલી ન કર્યો, પરંતુ ઓફિસમાંથી તેમનો તમામ સામાન બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ખાલી થઇ ગયો.

આ દરેકેદરેક ઘટનાક્રમની પળેપળની જાણકારી દિલ્હી પહોંચાડાઇ રહી હતી અને મોટી રાજકીય અસમંજસની સ્થિતિ ઊભી થતાં દિલ્હીથી આવેલા આદેશ મુજબ બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથવિધિ સમારોહ ગુરુવારે બપોરે દોઢ વાગ્યા પર મોકૂફ રહ્યાની જાહેરાત કરી. રાજભવનમાં ગોઠવાયેલા મંચ પર બુધવારે યોજાનારા શપથવિધિ સમારોહનાં બેનર પર કપડાં ઢાંકવામાં આવ્યા, પરંતુ નારાજ જૂથમાં વાત એવી રીતે પ્રસરી કે આમ કર્યા પછી ખાનગીમાં શપથવિધિ થઇ જશે, આખરે અહીં લગાવેલાં પોસ્ટરો ફાડીને દૂર કરાયાં, પરંતુ હજુય વૃક્ષાચ્છાદિત ગાંધીનગરમાં નારાજગીનો દવ શમ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...