તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં 2020ના છેલ્લા 10 દિવસ ગોઝારા:રાજ્યમાં અકસ્માતના 17 અને ગેસલાઈન બ્લાસ્ટનો એક બનાવ, 8 ઘટનામાં 3-3 મળી કુલ 35 લોકોએ જીવ ગુમાવ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજયનગરના આંતરસુબામાં બે બાઈકની ટક્કરમાં 3ના મોત થયા હતા - Divya Bhaskar
વિજયનગરના આંતરસુબામાં બે બાઈકની ટક્કરમાં 3ના મોત થયા હતા

2020ની વિદાયને હવે માત્ર એક જ દિવસ બચ્યો છે. ત્યારે છેલ્લા 10 દિવસ ગુજરાતમાં ગોઝારા રહ્યા છે. આજે 30મી ડિસેમ્બરે આણંદના ખંભોળજ નજીક આઈસરની ટક્કરે 3 યુવાનોના કચડાતા મોત થયા છે. તો વડોદરાના કરજણ તાલુકામાં કંડારી ગામે બાઈક પર જતાં 3 યુવાનોના અજાણ્યા વાહન નીચે કચડાતા મોત થયા છે. 2020ના છેલ્લા 10 દિવસ ગુજરાત માટે ગોઝારા રહ્યા હતા. 10 દિવસમાં 17 અકસ્માત અને એક ગેસલાઈન બ્લાસ્ટની ઘટનામાં 35 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમાં પણ 8 દુર્ઘટનામાં તો 3 કે તેથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

21 ડિસેમ્બર: વિજયનગરના આંતરસુબા પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં 3 યુવાનોના મોત
વિજયનગર તાલુકાના આંતરસુંબા ગામે ડેરી નજીક સોમવારે બપોરે બે બાઈકો ટકરાતાં ઘટનાસ્થળે ભાંભુડીના બે યુવકોના મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય રાજસ્થાની બે યુવકોને સારવાર અર્થે પ્રથમ ચોરીવાડ સીએચસી લઈ જતાં ત્યાં વધુ એકનું મોત થયું હતું. જ્યારે ચોથા યુવકને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડયો હતો. વિજયનગરના ભાંભુડીના છીંદાંભાઇ સોમાજી ગમાર (18) તથા લક્ષ્મણભાઈ શાંતિલાલ ડામોર (21) સોમવારે બપોરે બાઈક લઇ આશ્રમથી અભાપુર તરફ જતા હતા.

21 ડિસેમ્બર: મોડાસામાં ગર્ભવતીનું કન્ટેનર નીચે ચગડાતા મોત, એક્ટિવાચાલક પતિનો બચાવ
મોડાસા સહયોગ બાયપાસ ચોકડી પર એક્ટિવા પર પસાર થઇ રહેલા દંપતીને કન્ટેનરે અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. એક્ટિવા પાછળ બેઠેલી સર્ગભાના શરીર પર કન્ટેનરના ભારે ભરખમ ટાયર ફરતા મોત થયું હતું અને એક્ટિવાચાલક પતિનો આબાદ બચાવ થયો હતો. હાલ અકસ્માતના સીસીટીવી કેમેરા વિડિયો સોશ્યિલ મીડિયામાં વાઈરલ થયા છે.

21 ડિસેમ્બર: ધોરાજીની ભૂખી ચોકડી નજીક ઈકો કારે બાઈકને ટક્કર મારતા ખેત મજૂરનું મોત
ધોરાજીની ભૂખી ચોકડી નજીક નેશનલ હાઈવે પર ગત રાત્રે ઈકો કારે બાઈકને ટક્કર મારતા ખેતમજૂર રાજુભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ખેતમજૂરના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

22 ડિસેમ્બર: જામનગરના મોરકંડા નજીક માલવાહક વાહને પદયાત્રીઓને અડફેટે લેતા 3ના મોત
જામનગર નજીક મોરકંડા ગામ નજીક માલવાહક વાહને રસ્તા પરથી પસાર થતાં પદયાત્રીઓને અડફેટે લેતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસને જાણ થતા જ દોડી આવી મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પદયાત્રીઓ મોરબી નજીક મચ્છુ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યાં હતા.

મહેસાણાના પાંચોટના તળાવમાં કાર ખાબકતા 3 શિક્ષકના મોત
મહેસાણાના પાંચોટના તળાવમાં કાર ખાબકતા 3 શિક્ષકના મોત

22 ડિસેમ્બર: પાંચોટમાં કૂતરાને બચાવતા કાર તળાવમાં ખાબકી, મહેસાણાથી નોકરીએ જતાં ત્રણ શિક્ષકનાં મોત
મહેસાણા તાલુકાના પાંચોટ ગામમાં સ્ટેટ હાઈવે પર એક કાર તળાવમાં ખાબકતાં નોકરીએ જતાં ત્રણ શિક્ષકનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ છે. કૂતરું વચ્ચે આવતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર તળાવમાં ખાબકી હતી.

22 ડિસેમ્બર: કલોલમાં ગેસ પાઈપલાઈનમાં બ્લાસ્ટ થતાં ગાર્ડન સિટી સોસાયટીમાં બે મકાન ધરાશાયી, પતિ-પત્ની સહિત 3ના મોત
ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થતાં કલોલના સઈજ ખાતેની ગાર્ડન સિટી સોસાયટીમાં બંધ રહેલાં બે મકાન ધરાશાયી થયાં હતા. સોસાયટીના બંધ મકાનમાં મંગળવારની વહેલી સવારે ભેદી ધડાકો થયો હતો, જેને કારણે તે મકાન સહિત બાજુનું મકાન પણ ધરાશાયી થયું હતું, જેમાં બાજુના મકાનમાં રહેતાં યુવાનનું ઘટનાસ્થળે અને તેની પત્ની અને માતાનું સારવાર દરમિયાન મોત થયું હતું

22 ડિસેમ્બર: સાવરકુંડલાના મહુવા રોડ પરના રેલવે ફાટક પર છકડા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત
અમરેલી-સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલા રેલવે ફાટક પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. છકડો રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા છકડાચાલકનું મોત નીપજ્યું છે. ટ્રક રોંગ સાઇડમાં આવતો હતો ત્યારે તેણે છકડાને અડફેટે લીધો હતો. જેમાં ભીખાભાઈ બચુભાઈ ગોહિલનું મોત નીપજ્યું છે. જ્યારે છકડામાં સવાર તેમના પત્ની અને પૂત્રવધુ ઇજાગ્રસ્ત થયા છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

23 ડિસેમ્બર: ઠાસરા તાલુકાના વણોતી પાટિયા નજીક આઇસર ટ્રકનો અકસ્માત થતાં ક્લિનરનું મોત
ઠાસરા તાલુકાના વણોતી પાટિયા નજીક વટાણા ભરેલી આઇસર ટ્રક કોઈ અજાણ્યા ટ્રક પાછળ ઘૂસતાં ક્લિનરનું મોત થયું હતું. અકસ્માત સર્જાયા બાદ ત્યાં પસાર થતાં કોઈ વ્યક્તિએ 108ને કોલ કરતા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં આઇસર ટ્રકની અંદર ડ્રાઇવર અને ક્લિનર બંને ફસાઈ ગયા હતા. મહામહેનત બંનેને બહાર કાઢી તાત્કાલિક સારવાર આપી હતી જો કે ઘટનાસ્થળે જ ક્લિનરનું મોત થયું હતું. જ્યારે ડ્રાઈવરને વધુ સારવારાર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.

23 ડિસેમ્બર: ભરૂચ-જંબુસર રોડ પર કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, 7 વર્ષીય બાળકનું મોત
ભરૂચ-જંબુસર રોડ પર આવેલા દેરોલ અને દયાદરા ગામ વચ્ચે કન્ટેનર અને ઇકો કારધડાકાભેર સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલા 7 વર્ષના બાળકનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રાજસ્થાનના ઝાલોરમાં ડીસાના જીવદયાપ્રેમીની કારને અકસ્માત નડતાં 3ના મોત
રાજસ્થાનના ઝાલોરમાં ડીસાના જીવદયાપ્રેમીની કારને અકસ્માત નડતાં 3ના મોત

26 ડિસેમ્બર: ડીસાના જીવદયાપ્રેમીની પજેરોનો કૂતરાને બચાવવા જતાં રાજસ્થાનમાં અકસ્માત, 3ના મોત
કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારીનું અકસ્માતમાં મોત થયું છે. રાજસ્થાન ઝાલોર-બાબરા હાઈવે પર ભાગલી પાઉં નજીક ભયાનક અકસ્માત થતાં જૈન સમાજના ત્રણ અગ્રણી એવા ભરત કોઠારી(ડીસા), રાકેશ ધારીવાલ(જોધપુર, રાજસ્થાન), વિમલ બોથરા(બાડમેર, રાજસ્થાન)ના ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

27 ડિસેમ્બર: ઉત્તરાયણ પહેલાં જ દોરીના કારણે રાજકોટમાં બાઇકચાલકનું ગળામાં દોરી ફસાઈ જતાં મોત
ઉત્તરાયણના તહેવાર પહેલાં જ પતંગની દોરી એક યુવક માટે જીવલેણ બની હતી. રાજકોટમાં નાનામવા રોડ પર ગળામાં દોરી ફસાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક્ટિવાચાલક યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. રવિવારે સાંજના સમયે એક્ટિવા પર જઈ રહેલા 39 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

27 ડિસેમ્બર: ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 4નાં મોત
ભાભરના ખારા ગામ પાસે રવિવારે રાત્રે કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક 100 ફૂટ દૂર ફંગોળાઈ ગયું હતું. જેમાં ત્રણ બાઈક સવાર યુવાનો તેમજ કાર ચાલકનું મોત નીપજ્યું હતુ. રવિવારની રાત્રે ખારા ગામ પાસે કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટર સાયકલ પર સવાર ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના અને કારચાલક સહિત ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બાઇક સવાર અન્ય યુવાનને ગંભીર હાલતમાં ભાભર રેફરલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યાં હતો તેનું પણ મોત થતાં કુલ 4 મોત થયા હતાં.

ભાભરના ખારા ગામ પાસે બાઈક અને કારના અકસ્માતમાં ત્રણ બાઈક સવાર યુવાન અને કાર ચાલકનું મોત
ભાભરના ખારા ગામ પાસે બાઈક અને કારના અકસ્માતમાં ત્રણ બાઈક સવાર યુવાન અને કાર ચાલકનું મોત

27 ડિસેમ્બર: ગોંડલના ચોરડી ગામે અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા રાજકોટના યુવાનનું મોત
રવિવારે રાજકોટના યોગેશ ચુનીભાઇ ચોટલીયા (ઉં.વ. 33) નામનો યુવાન ગોંડલ નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે બાઈક પર પસાર થતો હતો. ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતાં ફંગોળાયને રોડ પર પડ્યો હતો. ગંભીર ઈજા પહોંચતા તેને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. યોગેશ આઠ વર્ષથી પરિવારથી અલગ રહેતો હતો.

28 ડિસેમ્બર: જાફરાબાદના બાલાનીવાવમાં ટ્રકચાલકે બાઈકચાલકને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ મોત
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આવેલા જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક સોમવારે સવારે અકસ્માત થયો હતો. ટ્રકચાલકે બાઈકચાલકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એકને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

28 ડિસેમ્બર:જામનગરના બેરાજા ગામમાં અકસ્માતે માતા સાત માસની પુત્રી સાથે કૂવામાં પડી જતાં બંનેના મોત
જામનગરના જોડિયા તાલુકાના બેરાજા ગામની સીમમાં અકસ્માતે માતા-પુત્રી કૂવામાં પડી જતાં બંને મોત થયા હતા. છગનભાઈ ચીકાણીની વાડીમાં ખેતમજૂર તરીકે કામ કરતા આદિવાસી પરિવારના જમનાબેન નાનકાભાઈ ભુરીયા અને તેની સાત માસની પુત્રી લક્ષ્મી ભુરીયા વાડીમાં કપાસ વીણવા નીકળ્યા બાદ સોમવારે સવારના સાડા છ વાગ્યા આસપાસ અંધારાના કારણે અકસ્માતે કૂવામાં પડતાં ડૂબ્યા હતા. જેમાં માતા અને સાત માસની પુત્રીનું મોત થયું હતું.

આણંદના ખંભોળજ પાસે આઈસર ટેમ્પોએ બાઈકસવાર 3 યુવકને કચડતા મોત
આણંદના ખંભોળજ પાસે આઈસર ટેમ્પોએ બાઈકસવાર 3 યુવકને કચડતા મોત

30 ડિસેમ્બર :આઇસર ટેમ્પોએ બાઇકને ટક્કર મારી ઢસડીને ખેતર ઘૂસી, ત્રણ યુવકના મોત
આણંદના ખંભોળજ પાસેના કણભઈપુરા ગામે સવારે આઈસર ટેમ્પોએ બાઇકચાલકને ટક્કર મારી હતી. ત્રણેયને ઢસડીને ટેમ્પો પાસેના ખેતરમાં અટક્યો હતો. આઈસર ટેમ્પોએ સાવલી નોકરીએ જતાં બાઈકસવાર ત્રણ યુવકને ખતરનાક ટક્કર મારતાં ત્રણેયનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. સવારે 6.30ની આસપાસ બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની પ્રસરી ગઈ હતી. અકસ્માત બાદ આઈસરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ખંભોળજ પોલીસે અકસ્માતના ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

30 ડિસેમ્બર: વડોદરા નજીક નેશનલ હાઈવે પર બાઈક પરથી પટકાતા 3 યુવાનના મોત
વડોદરાના કરજણ તાલુકાના કંડારી ગામ પાસે નેશનલ હાઇવે પર બાઈક પરથી નીચે પટકાતા 3 યુવાનના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો પાદરા તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી જઇ કાર્યવાહી હાથ ધરી છે.

30 ડિસેમ્બર: સુરતના ગોડાદરામાં ટ્રેલરના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત
સુરત ગોડાદરા વિસ્તારમાં એક ટ્રેલરમાં આગ લાગાવવામાં આવતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ થતા જ ટ્રેલરનો ચાલક જીવ બચાવી ટ્રેલર રોડ બાજુએ ઉભું રાખી નીચે ઉતરી ભાગી ગયો હતો. ભર બપોરે ટ્રેલરના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા લોકોએ ટ્રેલરમાં આગ લગાડી હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો