કરાઇ ગામમા આવેલી ખેડૂતની પોણા બે વીઘા જમીનને બારોબાર વેચી મારવા 8 ભૂમાફિયાઓ દ્વારા બનાવટી દસ્તાવેજ બનાવવામા આવ્યા હતા. તે ઉપરાંત નોટરીની મદદથી બનાવટી વેચાણ દસ્તાવેજ પણ બનાવી દીધો હતો. આ બાબત ખેડૂતના ધ્યાનમા આવતા કરોડો રુપિયાની જમીન વેચાણ થતી બચી ગઇ હતી. તમામ ભૂમાફિયાઓ સામે ડભોડા પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ કરાઇ ગામમા રહેતા અને ખેતી કરતા 70 વર્ષીય વૃદ્ધ જલાજી જેણાજી ચૌહાણ દ્વારા ડભોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામા આવી હતી. જેમા જણાવ્યુ હતંુ કે, કરાઇ ગામની સીમમા તેમના ભાગની આશરે પોણા બે વીઘા જમીન આવેલી છે અને તેમા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેમને જાણવા મળ્યુ હતુ કે, ભૂમાફિયાઓ દ્વારા તેમની જમીન વેચી મારવામ માટેનો કારસો રચવામા આવ્યો છે.
જેમા મિલન ચંદ્રકાંત પટેલ (રહે, મોટેરા, અમદાવાદ), દિલીપ રામન્નાભાઇ કાનડે (રહે, પ્લોટ નંબર 669/2, સેક્ટર 3સી), મનોજ નટવરભાઇ દંતાણી (રહે, ચમનપુરા, અમદાવાદ), હિતેશ મોહનભાઇ વ્યાસ (રહે, 12 અંબિકાનગર સોસાયટી, મેઘાણીનગર), તેજેન્દ્ર રતીલાલ પટેલ (રહે, દોલપુર, સાઠંબા), અજય બહાદુરભાઇ ધાધલ (રહે, ઇન્દીરાનગર, છાપરા, સેક્ટર 24), અમિત કિશોરભાઇ જાદવ (રહે, 73/7, સેક્ટર 21) અને નોટરી ભાલચંદ્ર બી. ગાંધી (રહે, અમદાવાદ) દ્વારા કારસો રચવામા આવ્યો હતો. દિલીપ કાનડેએ ખેડૂતના નામનો બનાવટી પાવર અને દસ્તાવેજ બનાવવામા આવ્યો હતો. જ્યારે સ્ટેમ્પ મીલન વતી પ્રવિણ મોટેરાએ લીધો હતો. જેમા સાક્ષી તરીકે મનોજ દંતાણી અને હિતેશ વ્યાસ હાજર રહ્યા હતા.
ખેડૂતે ભૂમાફિયાઓ સાથે ક્યારેય બેઠક કરી નથી. જ્યારે કોઇ દિવસ વાતચીત પણ થઇ નથી. અમદાવાદના નોટરી પાસે પણ ક્યારેય સહિ કરવા ગયા નથી. જ્યારે કોઇ દિવસ ટી શર્ટ પહેરી નથી, છતા ટી શર્ટ વાળા ફોટા પાવરમા લગાવવામાં આવ્યા છે. ચૂંટણીકાર્ડમા ખોટો ફોટો લગાવી બનાવટી બનાવવામા આવ્યું છે. જ્યારે જે નોટરી પાસે કામગીરી કરાવી છે, તે નોટરીનુ વર્ષ 2010મા અવસાન થયંુ છે. જેથી જમીન બારોબાર વેચવા માટે બનાવટી દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરવામા આવતા ડભોડા પોલીસ મથકમા ગુનો નોંધવામા આવ્યો છે, જેની તપાસ પીએસઆઇ એ.એ.વછેટા કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.