તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગ:ગાંધીનગરમાં રીઢા ગુનેગાર વિજય ટાંકે તત્કાલીન રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનરનો બંગલો પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેટવર્ક ન્યૂઝના ઓથાર હેઠળ અનેક લોકો નું ફુલેકું ફેરવનાર વિજય ટાંકે સેકટર - 8નો બંગલો પચાવી લીધો
  • છ મહિના સુધી રૂ. 55 હજાર ભાડું ચૂકવ્યા પછી ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો

નેટવર્ક ન્યૂઝ ચેનલના ઓથાર હેઠળ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી કરોડોનું ફુલેકું ફેરવનાર વિજયસિંહ હરિસિંહ ટાંકે તત્કાલીન રેવન્યુ ઇન્સ્પેકશન કમિશ્નરનો ગાંધીનગરના સેકટર 8 માં આવેલો 330 વારનો બંગલો પણ પચાવી પાડ્યો હોવાનું પ્રકાશમાં આવતા સેકટર 7 પોલીસ મથકમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાવવા પામ્યો છે.

અમદાવાદના ઇન્દુ બંગ્લોઝ હાસોલ મુકામે રહેતા 80 વર્ષીય પ્રકાશ ગોપીચંદ રામલખીયાણી વર્ષ 2002માં રેવન્યુ ઇન્સ્પેકશન કમિશનર તરીકે નિવૃત્ત થયા છે. જેમને સરકાર તરફથી 330 વારનો ગાંધીનગરના સેક્ટર નંબર 8 માં પ્લોટ નંબર 158 રાહત દરે મળ્યો હતો. જેનાં પર તેમણે બંગલો બનાવ્યો છે.

આ બંગલો વર્ષ 2016 માં પ્રકાશભાઈએ દલાલ બુટાસિંઘ મારફતે આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને ભાડે આપ્યો હતો. જેમણે છ એક મહિના પછી બંગલો ખાલી કરી દેતા બુટાસિંઘ થકી વિજય હરિભાઈ ટાંકને મહિને રૂ. 55 હજારના ભાડાથી રહેવા આપ્યો હતો. જે અંગે તેમણે વર્ષ 2017 સુધી ભાડા કરાર પણ કર્યો હતો.

છ મહિના સુધી વિજય ટાંકે રાબેતા મુજબ ભાડું આપ્યું હતું. બાદમાં GST નું બહાનું બતાવીને ભાડું આપવાનું અનિયમિત કરી દીધું હતું. ઘણીવાર વિજય ટાંક ભાડું પણ આપતો ન હતો. આ દરમિયાન તેણે બંગલો ખરીદી લીધાની વાતો વહેતી કરી હતી. જેથી કરીને પ્રકાશભાઈએ બંગલો ખાલી કરવાનું કહેતા તેણે પોતાની દીકરીને અભ્યાસ ચાલુ હોવાનું કહી સમય લંબાવ્યો હતો.

નક્કી કરેલો સમય પણ વીતી જતા વિજય ટાંકે બંગલો ખાલી કર્યો ન હતો. જેથી પ્રકાશભાઈ તેમજ તેમના પત્ની અને જમાઈ બંગલા પર ગયા હતા. જ્યાં વિજય ટાંક અને તેની પત્ની વીણાએ ગાળાગાળી કરીને માથાકૂટ કરી હતી. આ અંગે જે તે સમયે અત્રેના પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરાયો હતો. અને પ્રકાશભાઈએ કલેકટર તંત્રમાં પણ ફરિયાદ કરી હતી. જે સંદર્ભે વિજય ટાંક અને તેની પત્ની વીણા વિરુદ્ધ સેકટર 7 પોલીસ મથકમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાવવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...