'મળીશું હવે આવતા જન્મમાં, કોઈ એવા સમય સંજોગે':પત્નીએ કહ્યું- તારે જે કરવું હોય એ કર, અંતિમ વીડિયો બનાવી બે સંતાનો સાથે યુવાન કેનાલમાં કૂદી ગયો

ગાંધીનગર17 દિવસ પહેલા

મળીશું હવે આવતા જન્મમાં, કોઈ એવા સમય સંજોગે આ શબ્દો બોલી બે પુત્રો સાથે યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવી લીધું હતું. યુવકે આત્મહત્યા કરતા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે, મારા છોકરાની મમ્મીને દિલ નથી અને એણે મને કીધું કે તારે જે કરવું હોય એ કર હું મજાથી જીવું છું. એણે મને છેલ્લો જવાબ આપ્યો કે, તું મરે તોય મારે શું. ત્યારે કેનાલમાંથી યુવક તેમજ તેના પુત્રોની લાશ મળી આવી છે. જેને લઈ તેનાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

ગાંધીનગરના રાયપુર સાયફન પાસેની નર્મદા કેનાલમાં પરઢોલ ગામના શ્રમજીવી યુવાને લગ્નજીવનથી હારી થાકીને ચાર અને છ વર્ષનાં બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી. જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ત્યારે બે સંતાનો સાથે આત્મહત્યા કરવા પહોંચેલા શ્રમજીવી યુવાને કેનાલ પર ઊભા રહીને મરતા પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો હાલમાં ખૂબ વાયરલ થયો છે. ગઈકાલે નાના પુત્ર આરવની લાશ મળી આવ્યા બાદ આજે બીજા પુત્ર ઋષભ અને પિતાની લાશ પણ મળી આવી છે.
'કોઈ મારો નિર્ણય ન લઈ શક્યું. એટલે મે જાતે જ નિર્ણય લીધો'
યુવક વીડિયોમાં જણાવી રહ્યો છે કે, મારી ત્રણેય બેન આ બધા વચ્ચે ભાઈ ફસાઈ ગયો હતો. એટલે દરેકથી કંઈ પણ થાય એવું નહોતું. આમાં બધી નસીબની વસ્તુ છે. વિધાતા તો આવી રીતે મરવાનું કાંઈ લખતા નથી. પણ દુનિયા જેને દિલ જ ન હોય, મારા છોકરાની મમ્મીને દિલ નથી અને એણે મને કીધું કે તારે જે કરવું હોય એ કર હું મજાથી જીવું છું. એણે મને છેલ્લો જવાબ આપ્યો કે, તું મરે તોય મારે શું. પછી સાંજે ફોન કર્યો તો પાછી હસવા લાગી અને કીધું કે મારે તમને મારી નહીં નાખવાના મારે તમને રાખવાના છે. પણ જો રહેવું હોય તો રે બાકી નાટક ન કર. જે કોઈ કારણ હોય તો છૂટું થાય અથવા અહીં આવે. આ નિર્ણયમાંથી કોઈ મારો નિર્ણય ન લઈ શક્યું. એટલે મેં જાતે જ મારો નિર્ણય લઈ લીધો.

'બહેનને તો ખબર જ નહીં હોય કે ભાઈ છેલ્લી વખત ફોન કરી રહ્યો છે'
યુવક વધુમાં જણાવી રહ્યો છે કે, દરેકને અલવિદા... મારી દક્ષાબહેનને તો સવારે ફોન કર્યો, પણ બહેનને તો ખબર જ નહીં હોય કે ભાઈ છેલ્લી વખત ફોન કરી રહ્યો છે. મરવાનું હોય એટલે માણસને બધું પહેલેથી સૂઝે. જોકે, ભગવાને તો દવા કે કેનાલથી મરવાનું નથી લખ્યું. ભગવાન તો હકીકતમાં કોઈને મારતો જ નથી. કેમ કે આપણો આત્મા અમર છે. કદાચ હું અને મારાં બે છોકરા મરી જાય તો અમે ત્રણેય જણા ભટકીશું. એટલે કાંઈ વાંધો નહી.

મેં મારા સાસરીવાળા બધાને સમજાવ્યા પણ કોઈ સમજવા તૈયાર નથી. મારા કૂટુંબમાંથી તો કોઈ સાથે આવે એમ નહોતા. હું બે-ત્રણ જણાં આગળ કરગર્યો પણ કોઈએ મારું સાંભળ્યું નહી ને ઊલટાનું કીધું કે જો પૈસા હોય તો છૂટું કરી લે, પણ દેવ છૂટું નહીં કરે, તો કાંઈ વાંધો નહીં કેમ કે દેવને નિમિત્ત ન બનાવાય.
'મારી માને યાદ કરીને મને રોવું આવે છે'
હું મારાં મમ્મી અને પપ્પાને છેલ્લી ઘડી સુધી યાદ કરું છું. મારી માને તો એકલો તરછોડીને જતો રહ્યો. એમને યાદ કરીને હાલ પણ મને રોવું આવે છે. પણ રોઈનો કોઈ મતલબ નહીં. મારે સવારમાં મારી મમ્મીને જોવી હતી પણ સરખી રીતે ન જોઈ શક્યો. પણ કાંઈ વાંધો નહીં. આ બે છાકરાને અહીંયા મૂકીને જાઉં તો દુનિયા ન જીવવા દે અને ટોણા મારી મારીને મારી નાખે. કેમ કે, મને એરિયાનો અનુભવ હતો. બધો જ અનુભવ હતો. આ તો બધા સમય સંજોગો છે અને કોઈને કાંઈ કહેવા જેવું પણ નથી. મળીશું હવે આવતા જનમમાં કોઈ એવા સમય સંજોગે.

લગ્નજીવનથી થાકીને યુવકે અંતિમ વીડિયો બનાવી પરિવારને મોકલ્યો
શ્રમજીવી યુવાન વિનોદ ઠાકોર તેના બે પુત્ર આરવ (ઉ.વ. 4) અને રીષભ (ઉ.વ.6) સાથે કેનાલ ઉપર બપોરના સમયે પહોંચ્યો હતો. જ્યાં પિતા કયા ઈરાદાથી કેનાલ પર લઈને આવ્યા છે તેનાથી સાવ અજાણ બંને પુત્રો નિર્દોષ ભાવે કેનાલ પર રમત કરતા હતા. આ દરમિયાન વિનોદ આપઘાત કરતાં પહેલાં પરિવારને સંબોધીને વીડિયો બનાવવા લાગ્યો હતો. વચ્ચે વચ્ચે બને સંતાનો બાળસહજ તેના પિતા વિનોદને પણ પૂછતાં હોય છે. લગ્નજીવનથી હારી થાકીને વિનોદે અંતિમ વીડિયો બનાવી પરિવારને પણ મોકલી આપ્યો હતો.

નાના પુત્રની લાશ ગઈકાલે મળી આવી હતી
બાદમાં વિનોદે ચાર વર્ષના પુત્ર આરવને કેનાલમાં ફેંકી દીધો હતો. પછીથી મોટા પુત્ર ઋષભને લઇને કેનાલમાં કુદી પડ્યો હતો. આ બનાવની જાણ થતાં ગ્રામજનો સહિતનાં પરિવારજનો કેનાલ તરફ દોડી આવ્યાં હતાં. કેનાલમાં ત્રણેયની શોધખોળ કરાવી હતી. ત્યારે ગઈકાલે બાલીસણા તરફ આવેલી કેનાલમાંથી નાના પુત્ર આરવની લાશ મળી આવી છે.
પિતાની લાશ શાંતિગ્રામ અડાલજ વિસ્તારની કેનાલમાંથી મળી આવી
ઉલ્લેખનીય છે કે, બહિયલના કાલુભાઇ તરવૈયાની ટીમ દ્વારા રાયપુરથી છેક કરાઇ કેનાલ સુધીના પટ્ટામાં બે બાળકો તથા યુવાનની શોધખોળ કરવામાં આવી હતી. તેમજ સાયફનના ગેટમાં ઊતરીને પણ તરવૈયાઓએ સર્ચ કર્યુ હતું. શરૂઆતમાં ત્રણેયમાંથી કોઈનો પત્તો લાગ્યો નહોતો. ત્યારે ગઈકાલે બાલીસણા તરફની નર્મદા કેનાલમાંથી આરવની લાશ મળી આવી હતી. આજે પણ કેનાલમાં શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આ દરમિયાન પિતાની લાશ શાંતિગ્રામ અડાલજ વિસ્તારની કેનાલમાંથી મળી આવી હતી. જ્યારે બીજા પુત્ર ઋષભની લાશ કડીના પીરોજપુર કેનાલથી મળી આવી હતી. આ અંગે ડભોડા પોલીસ મથકના પીએસઆઇ અનિલ વછેટાએ જણાવ્યું હતું કે, બાળકની લાશ કડીના બાવલું પોલીસ મથકની હદમાંથી મળી આવી છે. જેથી ત્યાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આઈશાએ સાબરમતીમાં ઝંપલાવીને મોત વહાલું કર્યું હતું
25 ફેબ્રુઆરી 2021ના રોજ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાના દિલની વાત કરી અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસને કારણે મોત વહાલું કરતાં પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. અમદાવાદના આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી હતી.
એવી જ ઘટના ફરી એકવાર બની હતી, જેમાં વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે અમદાવાદના શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો, તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાર બાદ નફીસા વડોદરા પરત આવી ગઇ હતી અને 20 જૂન 2022ના રોજ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...