ભેદ ઉકેલાયો:મોજ શોખ ખાતર વાહન ચોરીના રવાડે ચઢેલો લબરમુછીયો ગાંધીનગરમાંથી ઝડપાયો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 વર્ષનાં ટેણીયાએ બે બુલેટ ચોરીને પોલીસની ઉંઘ હરામ કરી દીધી હતી

ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ મથકની હદમાંથી બે બુલેટની ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. મોજશોખ ખાતર વાહન ચોરીના રવાડે ચઢી 17 વર્ષના ટેણીયાએ બે બુલેટ ચોરીને પોલીસની ઉંઘ હરામ કરી દેતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને સેકટર - 11 રામકથા મેદાનથી આબાદ રીતે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લાં ઘણાં દિવસથી વાહન ચોરીના બનાવોએ માઝા મૂકી
ગાંધીનગરના સેકટર - 7 પોલીસ મથકની હદમાં હમણાં છેલ્લાં ઘણાં દિવસથી વાહન ચોરીના બનાવોએ માઝા મૂકી દેતા પોલીસની ઉંઘ હરામ થઇ ગઈ છે. દર બે ત્રણ દિવસે વાહન ચોરીની બૂમરાણ આવતાં પીઆઈ પરાગ ચૌહાણની ટીમે પેટ્રોલીંગ વધારી દઈ ટેકનિકલ સર્વેલન્સ થકી તપાસ શરૂ કરી હતી.

ચોરીનું વાહન લઈને સેકટર - 11 રામ થા મેદાન વિસ્તારમાં ફરતો હતો
પોલીસ ટીમને બાતમી મળી હતી કે, એક ઈસમ ચોરીનું વાહન લઈને સેકટર - 11 રામકથા મેદાન વિસ્તારમાં ફરી રહ્યો છે. જેનાં પગલે પોલીસે વોચ ગોઠવીને એક બુલેટ સાથે ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછતાંછમાં ઈસમ માત્ર 17 વર્ષનો હોવાની હકીકત બહાર આવી હતી. જેની પાસેના બુલેટની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરી હતી કે થોડા દિવસો અગાઉ તેણે બુલેટની ચોરી કરી હતી.

17 વર્ષના સગીરની યુક્તિ પૂર્વક પૂછતાંછ કરવામાં આવી
આથી 17 વર્ષના સગીરની યુક્તિ પૂર્વક પૂછતાંછ શરૂ કરતાં તેણે વધુ એક બુલેટ પણ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે મોજશોખ પૂરા કરવા માટે વાહન ચોરીના રવાડે ચઢેલા ટેણીયાએ પોલીસની ઉંઘ હરામ કરી નાખી હતી. જો કે આ સિવાય પણ તેણે અન્ય ગુના આચર્યા છે કે નહીં તે અંગેની પણ પોલીસ ધ્વારા ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...