ઓનલાઈન સટ્ટો:ગાંધીનગરમાં શ્રીલંકા - વેસ્ટ ઇન્ડિઝ મેચ પર જુગાર રમી રહેલો કોબા ગામનો સટોડિયો રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા કોબાનાં સર્વિસ રોડ પર આવેલ ચાની કીટલી પાસે મોબાઇલથી સટ્ટો રમતો હતો
  • ઈન્ફોસિટી પોલીસે સટ્ટો રમવાની એપ્લિકેશન જોતા ત્રણ લાખનું બેલેન્સ હતું

ગાંધીનગરનાં નવા કોબાનાં સર્વિસ રોડ પર આવેલ ચાની કીટલી પાસે બેસીને મોબાઇલ ફોનમાં 11 સ્ટાર નામની સાઈટ થકી શ્રીલંકા - વેસ્ટ ઇન્ડિઝ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતાં કોબાનાં સટોડિયાને રંગેહાથ ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસે સટોડિયાના ઓનલાઇન આઈડીની ચકાસણી કરતા ત્રણ લાખનું બેલેન્સ પણ જોવા મળ્યું હતું.

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકનાં પીઆઈ પી પી વાઘેલાની સૂચનાથી ડી સ્ટાફ નાં માણસો હાલમાં ચાલી રહેલી આઈપીએલ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતાં ઈસમોને ઝડપી લેવાની દિશામાં સક્રિય થઈ બાતમીદારોને કામે લગાડયા હતા. જે અન્વયે ડી સ્ટાફના જમાદાર શેતાનસિંહ દશરથસિંહને મળેલી બાતમીના આધારે નવા કોબા પાટીયાનાં સર્વિસ રોડ પર સ્ટાફના માણસો સાથે રેડ કરવામાં આવી હતી.

બાદમાં ચાની કીટલી પાસે મોબાઈલમાં સટ્ટો રમતાં મિતુલ રાજેન્દ્રભાઈ પટેલ (રહે. સંત વિહાર સોસાયટી, રાહેજા રોડ, કોબા) ને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. ડી સ્ટાફ દ્વારા મિતુલના મોબાઇલની ચકાસણી કરવામાં આવતા તે 11 સ્ટાર નામની સાઈટ પર પોતાના આઈડી થકી શ્રીલંકા - વેસ્ટ ઇન્ડિઝ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો હોવાનું જાણવા મળ્યું હતું.

આથી તેના આઈડીની બારીકાઈથી તપાસ કરાતાં ત્રણ લાખનું બેલેન્સ તેમજ સટ્ટા બેટિંગના અલગ અલગ ભાવોનું પત્રક પણ જોવા મળ્યું હતું. જેનાં પગલે ઈન્ફોસિટી પોલીસે સટોડિયા મિતુલ પટેલની ધરપકડ કરી લઈ 15 હજારનો મોબાઇલ ફોન જપ્ત કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...