દળામણની સમસ્યાથી છુટકારો:દાળ કરતાં દળામણ મોંઘું પડે એવી સ્થિતિ વચ્ચે દહેગામના બાવળાની મુવાડીમાં ફલોરમીલનો શુભારંભ, ધાન્ય દળાવવા ગ્રામજનોએ 20 કિમી દુર જવુ પડતું હતું

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્ઘાટન દરમિયાન પાણીની સમસ્યા જાણી જિલ્લા કલેકટરે તુરંત 5 લાખ ફાળવ્યા
  • આસપાસના 10 જેટલા ગામના ગ્રામજનોને અડોશપડોશમાંથી બે-ચાર વાટકી લોટ માંગવાની સમસ્યાથી છુટકારો

દહેગામ તાલુકાના બાવળાની મુવાડી ગામના રહીશોની ઘાટ કરતા ઘડામણ મોંઘું પડે તેમ ‘દાળ કરતા દળામણ મોંઘું પડે’ તેવી હાલત હતી. આજથી આ ગામમાં દાળ કરતા દળામણ સસ્તું થાય તેવી શરૂઆત થઈ છે. ગામની મહિલાઓના આઘશક્તિ મિશન મંગલમ દ્વારા ફ્લૉરમીલ-ઘંટી શરુ કરવામાં આવી છે. આ ફ્લોર મીલનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા ગાંધીનગરના કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ અહીં પાણીની સમસ્યા જાણીને તાત્કાલિક પાંચ લાખની ફાળવવાની જાહેરાત પણ કરી હતી.

દહેગામ–મોડાસા માર્ગથી અંદાજે 12 કિલોમીટરના અંતરે બાવળાની મુવાડી ગામ આવેલું છે. આ મુવાડી મૂળ ડોડ ગ્રામ પંચાયતની હદમાં આવે છે. આ ગામ મેશ્વો નદીના કિનારે આવેલું છે. આ મુવાડી અંદાજે 100 ઘરની વસ્તી ઘરાવે છે. ગામના નાગરિકો નાની મોટી મંજૂરી અને ખેતી કામ કરીને જીવનની આજીવિકા મેળવી રહ્યા છે.

આ ગામમાં વીજળીની સુવિધા છે પણ ગામમાં કે નજીકમાં ક્યાંય દળામણની ઘંટી ન હતી. આ મુવાડીના રહીશોને મોટા ભાગની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે છે. પરંતુ દાળનું દળામણ મોંઘું પડતું હતું. એક કિલોથી 50 કિલોગ્રામ કોઇપણ ધાન્ય દળાવવા માટે ગ્રામજનોએ ગામથી 20 કિલોમીટર જેટલા અંતરે આવેલા રખિયાલ ગામે જવું પડતું હતું.

દળામણની વેદનાની કહેતાં ગામના આદ્યશક્તિ સખી મંડળના સભ્ય અને ગામમાં રહેતા આનંદીબેન નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગામમાં વીજળીની સુવિધા 24 કલાક સરકારે આપી છે. પણ ગામની તમામ મહિલાઓ માટે દળામણ માથાનો દુખાવો બની ગયું હતું, કારણ એટલું જ કે અમને વાહન ચલાવતા આવડે નહી, તેમજ ગામની બહાર જવા તુરંત વાહન મળે પણ નહી. દળામણ માટે જવું એટલે કે, જાણે મોટી ખરીદી કરવા જવાનું હોય તેટલું મોટું કામ તમામ ઘર માટે બની રહેતું હતું. કયારેક તો બે-ચાર વાટકી લોટ ઊછીનો લેવા નીકળવું પડતું હતું. ચોમાસામાં તો દળામણ માટે બહુ સજાગ રહેવું પડતું હતું.

આનંદીબેને તેમની વાતને આગળ વધારતાં કહ્યું હતું કે, કયારેક આ દળામણ તો ઘર કંકાસનું કારણ પણ બનતું હતું. દળામણમાં ઘાટ કરતા ઘડામણ મોંઘું પડે તેમ અમને દાળ કરતા દળામણ મોંઘું પડતું હતું. કારણ કે રખિયાલ સુધી જવા–આવવાનો ખર્ચે અંદાજે રુપિયા 60-70 થાય અને દળામણના રુપિયા અલગ એટલે દળામણ અમને 100 રૂપિયામાં પડતું હતું. કયારેક ઘંટીવાળાને ત્યાં લાઇટ ન હોય કે અન્ય ટેકનિકલ ખામી હોય તો તે દિવસે પરત આવવું પડે.

આ સમસ્યાનો હલ મારા જેવી મારી આધશક્તિ સખી મંડળની બહેનોએ શોધી કાઢ્યો. અમને પૂછવામાં આવ્યું કે, સખી મંડળ થકી શું કાર્ય કરવા માંગો છો, ત્યારે એક જ સુરે અમે સૌ બહેનો બોલી ઉઠી કે ગામમાં ઘંટી બનાવવી છે. તે પછી ખર્ચ, ગામમાં ઘંટી બનાવવાની જગ્યા, વીજળીનું કનેકશન જેવી સમસ્યા આવી. ખર્ચને કેવી રીતે ઉઠાવવો ? તે અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને નેશનલ રૂરલ લાઇવલી હૂડ મિશન સાથે ચર્ચા થઇ હતી. તેમણે આ વાતમાં અમને સહયોગ આપ્યો. એ.આર.સી. ફાઉન્ડેશન, ગાંધીનગરના ધર્મેન્દ્રસિંહે અમારા ગામની મુલાકાત લીધી. તેમણે તે જ દિવસે આ ઘંટી બનાવવા માટે નાણાનો સહયોગ કરવાની તૈયારી અમને બતાવી. બસ પછી તો યુ.જી.વી.સી.એલ. માંથી માત્ર એક જ માસના ટુંકાગાળામાં લાઇટ કનેકશન આવી ગયું. થોડાક જ દિવસમાં જાણીતી કંપનીની ઘંટી પણ આવી ગઇ.

આ ઘંટી બનતાં ડોડ, વડોદ, નાની માંછગ, મોટીમાંછગ, મિરજાપુર, બાસણ, નાની વ્યાસ અને અક્કલની મુવાડી જેવા ગ્રામજનોમાં પણ આનંદ ફેલાયો છે. અમારી સાથોસાથ તેઓની સમસ્યાનો પણ હલ આવી ગયો છે. અમે હાલમાં દળામણનો દર કિલોએ રૂપિયા 3 નક્કી કર્યો છે. જે આવક અમારી સખી મંડળની બહેનોની આજીવિકા બની રહેશે. તેમજ બહેનો પણ સન્માનભેર જીવન વીતાવી શકશે.

બીજી તરફ ફ્લોરમીલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ ગ્રામજનો સાથે સીધો જ સંવાદ કરી ગામની સમસ્યાઓ જણાવવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારે કલેક્ટરના ધ્યાનમાં આવ્યું હતું કે ગ્રામજનો પાણી સમસ્યાથી પરેશાન છે. જેનાં પગલે કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ તાત્કાલિક પોતાના ભંડોળમાંથી પાંચ લાખ આપવાની જાહેરાત કરી તાકીદે ગામના બોરની સમસ્યા હલ કરવા સૂચના પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...