નોટિસ:ખાત્રજ અને છત્રાલ તલાટીઓની ગેરવર્તણૂક બદલ નોટિસ ફટકારાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરાની વસૂલાત 35 ટકા જ થશે તેમ જણાવતા વિવાદ
  • વેરા વસૂલાત મામલે TDOએ સૂચના આપતા અશોભનિય વર્તન કર્યાની DDOને રજૂઆત

વેરાની વસુલાત વધારે કરવા કલોલ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા તલાટીઓને સૂચના આપી હતી. ત્યારે મીટિંગમાં ઉપસ્થિત ખાત્રજ અને છત્રાલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા અશોભનીય વર્તન કર્યું હતું. આથી આ તલાટીઓની બદલી કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. જેને પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કારણદર્શક નોટિસ ફટકારાશે.

ગામડાઓના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવીને ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. ત્યારે સામે પક્ષે ગામડાઓમાંથી વેરાની વસૂલાતના આધારે ગ્રાન્ટ ગ્રામ પંચાયતને આપવામાં આવે છે. જોકે જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વેરાની વસુલાત 35 ટકાથી ઓછી થવા પામી હતી. જેને લઇને જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમે તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓને નોટીસ ફટકારી હતી. ઉપરાંત વેરાની વસૂલાત સઘન કરવાની સૂચના આપી હતી. જેને પગલે જિલ્લાના કલોલ તાલુકાના ગામોમાં વેરાની વસુલાત 100 ટકા આગામી માર્ચ-2023 સુધીમાં કરવા માટે કલોલ તાલુકા વિકાસ અધિકારીએ તલાટીઓની મીટિંગ યોજીને સુચના આપી હતી. જેમાં નબળી વેરાની વસૂલાતવાળા ગામના તલાટીઓને વધારે તકેદારી રાખીને વેરાની વસૂલાત કરવા જણાવ્યું હતું.

ત્યારે મીટિંગમાં હાજર ખાત્રજ અને છત્રાજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ અશોભનીય વર્તન કરીને શું દર ગુરૂવારે મીટિંગ બોલાવો છો. વેરાની વસૂલાત આટલી જ થશે તેવો જવાબ આપ્યો હતો. આથી અધિકારી અને કર્મચારીઓની ગરિમાનો ભંગ કરવા બદલ તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી હતી. જેમાં મીટિંગમાં હાજર તલાટીઓના રોજકામ સાથેનો પત્ર પણ જોડાણ કર્યો હતો. આથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બન્ને ગામના તલાટીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવશે તેમ જિલ્લા પંચાયતના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

બદલી રોકવા રાજકીય દબાણ
વેરાની નબળી વસુલાત બદલ સૂચના આપતા ટીડીઓની સામે અશોભનીય વર્તન કરવા બદલ બદલી કરવા ડીડીઓને રજુઆત કરી છે. આથી તલાટીઓની બદલી રોકવા માટે રાજકીય દબાણ લાવવામાં આવી રહ્યું છે. જેને પરિણામે અધિકારીઓને વેરાની વસુલાત કરાવવી કે આવા તલાટીઓની સામે પગલાં લેવા તેવી અવઢવ સ્થિતિમાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...