શિવભક્તોનું ઘોડાપૂર:ગાંધીનગર-મહુડી રોડ પરના મિની અમરનાથ ધામમાં કાવડયાત્રા આવી પહોંચી, ચાર હજારથી વધુ શ્રદ્ધાળુ જોડાયા

ગાંધીનગર13 દિવસ પહેલા
  • હરિદ્વારથી મગાવેલા ગંગાજળ ભરેલા 5 હજાર કળશ સાથે યાત્રા આવી પહોંચી
  • ભગવાન અમરનાથની સામૂહિક 765 દીવાની આરતી કરવામાં આવી

શિવ આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના અવસરે વિશ્વ કલ્યાણ સંસ્થા-અમરનાથ ધામ તથા જય અંબે મિત્ર મંડળ દ્વારા ગઈકાલે અમદાવાદથી યોજવામાં આવેલી અમરનાથ જળાભિષેક કાવડ પદયાત્રા આજે સવારે 55 કિ.મી.નું અંતર કાપીને મહુડી હાઇવે રોડ પર આવેલા મિની અમરનાથ ધામ આવી પહોંચી હતી. આ યાત્રામાં અંદાજે 4 હજારથી પણ વધુ કાવડિયાઓ ગંગાજળ લઈને આ પદયાત્રામાં જોડાયા હતા.

બમ બમ ભોલેના નાદ ગુંજી ઊઠ્યા
અમદાવાદ અમરાઈવાડી ખાતેના નાગરવેલ હનુમાન મંદિરેથી આરંભ થયેલી આ પદયાત્રા એરપોર્ટ, હાંસોલ, ગાંધીનગર, પેથાપુર, ગ્રામભારતી થઈ 55 કિ.મી.ની પદયાત્રા પૂરી કરી અમરનાથ ધામ આવી પહોંચી છે. કાવડયાત્રા ગાંધીનગરથી પસાર થતા માર્ગો 'હર મહાદેવ, બોલ બમ કા નારા હૈ શિવ તૂ હી સહારા હૈ'ના નાદ સાથે ગુંજી ઊઠ્યા હતા અને શિવભક્તિનો અનેરો મહાલો માર્ગો પર જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે અંદાજે 55 કિ.મી.ની આ કાવડ પદયાત્રામાં જોડાયા હતા. આજે શ્રાવણિયા સોમવારે ગાંધીનગર-મહુડી હાઈવે સ્થિત અમરનાથ ધામમાં હૂબહૂ સ્વરૂપના અદ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર કાવડિયા દ્વારા જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જય અંબે મિત્રમંડળ દ્વારા ધજારોહણ. દેવોના દેવ ભગવાન અમરનાથની સામૂહિક 765 દીવાની આરતી કરવામાં આવી હતી. આ અદ્ભુત આરતીનો લહાવો લઈને શ્રદ્ધાળુ ભક્તિમાં તરબોળ થઈ ગયા હતા.

હરિદ્વારથી મગાવેલા ગંગાજળ ભરેલા 5 હજાર કળશ સાથે યાત્રા નીકળી
ભગવા વસ્ત્રોમાં શ્રદ્ધાળુઓ ગંગાજળ ભરેલા કળશ સાથે બમ ભોલેના નારા સાથે ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા. આ અંગે અમરનાથ ધામના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંબાજી અને ડાકોરની પદયાત્રાનું અનોખુ મહત્ત્વ છે. એ જ રીતે ગુજરાતમાં પ્રથમ વખત દેવાધિદેવ ભગવાન ભોલેનાથની પદયાત્રાનું આઠમી વખત આયોજન છે, શિવભક્ત કાવડિયાઓ સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિ સાથે કાવડયાત્રા કરે છે. તેમના દરેક કદમની સાથે અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. શિવભક્ત ભગવાન પરશુરામે કાવડ લઈ ગડમુક્તેશ્વરથી ગંગાજળ ભરીને શિવમંદિરમાં જળાભિષેક કર્યો હતો. ત્યાંથી આ કાવડયાત્રાની શરૂઆત થઈ છે. કાવડ પદયાત્રામાં દરેક શ્રદ્ધાળુઓ એકસરખા ભગવા વસ્ત્રો અંગિકાર કરીને હરિદ્વારથી મગાવેલા ગંગાજલ ભરેલા ચાર હજારથી પણ વધુ કળશ સાથે કાવડ પદયાત્રામાં જોડાયા છે.

ભગવાન શિવના શિવલિંગ ઉપર જળાભિષેક કરવાની પ્રથા
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન દ્વારા ઉત્પન્ન થયેલા વિષ જ્યારે બ્રહ્માંડને સળગાવા લાગ્યું ત્યારે દેવોના દેવ ભગવાન ભોલેનાથે એ વિષપાન કરી કંઠમાં રાખી લીધું હતું. ત્યારથી મહાદેવ નીલકંઠના નામથી ઓળખાવા લાગ્યા. વિષપાનનું અનિષ્ટ પ્રભાવ રોકવા માટે બ્રહ્માજીએ શિવની અગ્નિને પાણી દ્વારા શાન્ત કરવાની સલાહ આપી. ત્યારથી શ્રાવણ માસમાં કાવડિયાઓ પાણી લઈ ભગવાન શિવના શિવલિંગ ઉપર જળાભિષેક કરવાની પ્રથા છે. તેથી અમે દર શ્રાવણ માસમાં “શ્રી અમરનાથ જળાભિષેક કાવડ પદયાત્રાનું આયોજન કરીએ છીએ.

4 હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ કાવડયાત્રામાં જોડાયા
જય અંબે મિત્ર મંડળના રઘુવરપ્રસાદ જયસ્વાલ જણાવે છે, અમરનાથ જળાભિષેક કાવડ પદયાત્રાના અધ્યક્ષ તરીકે આઠમી વખત પદયાત્રાનો આરંભ કરતાં તથા મહાદેવની મહિમા પ્રાપ્ત કરવાનો અનોખો અવસર મને પ્રાપ્ત થયો છે. ગત કાવડ પદયાત્રામાં 2 હજાર શ્રદ્ધાળુ જોડાયા હતા અને આ વર્ષે 4 હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે. દરેક શ્રદ્ધાળુઓ એકસરખા ભગવા વસ્ત્રો અંગિકાર કરીને તથા હરિદ્વારથી મગાવેલા ગંગાજળ ભરેલા 5000થી વધુ કળશ સાથે કાવડ પદયાત્રામાં હતા. એકસાથે ગંગાજળ ભરેલા કળશને ધારણ કરીને કાવડ સાથે પદયાત્રિકોને નિહાળવાનો પણ એક અનોખો અવસર છે.

અન્ય સમાચારો પણ છે...