દહેગામના પૂર્વ MLAની રાજીનામા અંગે સ્પષ્ટતા:'મેં કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું, પાર્ટી મારી રજૂઆત નહીં સાંભળે તો હું નિષ્ક્રિય થઈ જઈશ': કામિનીબા રાઠોડ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • રાજીનામું આપવાનો કોઈ સવાલ જ નથી, મારી નિષ્ક્રિયતા જ મારું રાજીનામું છે: કામિનીબા રાઠોડ
  • દેહગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવાના અહેવાલો વહેતા થયા હતા

કોંગ્રેસના દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે પાર્ટીમાંથી રાજીનામું આપ્યાની અટકળો વહેતી થતાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે કામિનીબા રાઠોડે પોતાના રાજીનામા અંગે સ્પષ્ટતા કરી છે કે મેં હજી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. મારું સ્ટેન્ડ ક્લિયર છે. પાર્ટી મારી રજૂઆત નહીં સાંભળે તો હું પાર્ટીમાં નિષ્ક્રિય થઈ જઈશ.

કામિનીબાએ કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું
દહેગામ સંગઠન બાબતે નારાજગી વ્યકત કરીને કામિનીબા રાઠોડે નારાજગી વ્યકત કરીને કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. કામિનીબાએ કહ્યું હતું કે, જો રજૂઆતો પર પાર્ટી ધ્યાન નહીં આપવામાં આવે તો છેડો ફાડવાની તૈયારી છે. કામિનીબાએ કહ્યું કે, સાચા અર્થે કોંગ્રેસમાં કામ કરનારને સંગઠનમાં સ્થાન મળવું જોઈએ.

ટિકિટનો કોઈ મુદ્દો નથી પક્ષે મને ઘણું આપ્યું છે: કામિનીબા રાઠોડ
દહેગામ સંગઠનમાં ફેરફાર થવા જોઈએ. મારી માગણી પૂર્ણ નહીં થાય તો નિવૃત્તિ જાહેર કરીશ. આ સાથે કામિનીબાએ સ્પષ્ટતા કરી કે, ટિકિટ માટેનો કોઈ મુદ્દો નથી પક્ષે મને ઘણું આપ્યું છે. તેમણે કહ્યું કે, સંગઠનમાં થઈ રહેલી નિમણુંક બાબતે નારાજગી છે. જે લોકોને સંગઠનમાં સામેલ કરવામાં આવે છે, તે ક્યારેય પક્ષની મિટિંગમાં હાજર થયા નથી. સંગઠનમાં કોને સમાવવા તે વાતને પક્ષની સામે મૂકી છે. કામિનીબાએ બેઠકમાં સી.જે. ચાવડા સમક્ષ આ અંગે રજૂઆત મૂકી ત્યારે સી.જે. ચાવડાએ ઉપલા સ્તરે રજૂઆત પહોંચાડવા બાંહેધરી આપી. આ ઉપરાંત કામિનીબાની રજૂઆત અંગે જગદીશ ઠાકોર સાથે કોંગ્રેસના અગ્રણીઓ ચર્ચા કરી રહ્યા છે.

મારા કાર્યકરો સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરીશ: કામિનીબા રાઠોડ
મીડિયામાં અહેવાલો વહેતા થયા છે કે, પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગે પ્રતિક્રિયા આપતા દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી પોતાના રાજીનામા અંગે સ્પષ્ટતા કરી હતી કે, મેં હજુ સુધી રાજીનામું આપ્યું નથી. મારું સ્ટેન્ડ પહેલેથી જ ક્લિયર છે. પાર્ટીમાં મારી રજૂઆત સંભાળવામાં નહીં આવે તો હું નિષ્ક્રિય થઈ જઈશ. હાલ મે લેખિત રાજીનામું આપ્યું નથી. રાજીનામું આપવાનો કોઈ સવાલ જ નથી. મારી નિષ્ક્રિયતા જ મારું રાજીનામું છે. મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે, મારા કાર્યકરો સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરીશ.

અન્ય સમાચારો પણ છે...