ત્રાસ:કલોલની ગર્ભવતી પરીણિતાને જીવતી સળગાવી દેવાની ધમકી આપી સાસરિયાઓએ કાઢી મૂકી, જાહેરમાં માર મારતાં ફરિયાદ નોંધાઇ

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરૂઆતમાં પરીણિતાને સારૂ રાખ્યા બાદ દહેજ બાબતે અવાર નવાર ત્રાસ આપવાનું શરૂ કર્યું
  • સામાજિક પ્રસંગમાં પરીણિતા અને તેનો પતિ મળતાં પતિએ જાહેરમાં માર માર્યો

ગાંધીનગર જિલ્લાના બોરીસણા ખાતે ગર્ભવતી પરીણિતાને દહેજ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી જીવતી સળગાવી દેવાની ધમકી આપીને સાસરિયાઓએ કાઢી મુકતા કલોલ પોલીસે પતિ તેમજ સાસુ-સસરા વિરોધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર કલોલના પાંચ હાટડી બજાર પાસે નાઈ વાસમાં રહેતી યુવતીના લગ્ન બોરીસણાના જીતેન્દ્ર ચુનીલાલ નાના દીકરા રોનક સાથે થયા હતા. ત્યારબાદ પરીણિતા લગ્નજીવનના હકો ભોગવવા માટે તેની સાસરી બોરીસણા સિદ્ધનાથ હાઉસીંગ સોસાયટી ખાતે રહેવા ગઇ હતી.

શરૂઆતમાં પરીણિતાને તેના પતિ રોનક તેમજ સાસુ વર્ષાબેન અને સસરા જીતેન્દ્રભાઈ સારી રીતે રાખતા હતા. ત્યારબાદ થોડા સમય પછી સાસરીયા હોય પોત પ્રકાશ્યું હતું અને પરીણિતાને નાની-નાની બાબતે મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતના તબક્કામાં ભૂમિને સાસરિયાના મનસૂબાની ખબર પડી નથી પરંતુ ધીમે ધીમે પતિ રોનક તેમજ સાસુ વર્ષાબેન અને સસરા જીતેન્દ્રભાઈ એ દહેજ બાબતે માંગણી શરૂ કરી દીધી હતી.

ગત તારીખ 15મી એપ્રિલ 2020 ના રોજ રોનકે પરીણિતાને સાથે દહેજ બાબતે ઝઘડો કરી ને જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. જેના કારણે પરીણિતા ડરી જતા પોતાના પિયર રહેવા જતી રહી હતી. આ દરમિયાન તે ગર્ભવતી પણ હતી. ઘણો લાંબો સમય વીતી જવા છતાં સાસરિયાઓ તરફથી કોઈ સમાધાનકારી વલણ અપનાવ્યું ન હતું અને સમય જતાં પરીણિતાના પેટમાં નવ માસનો ગર્ભ ઊછરી રહ્યો હતો.

ત્યારે છઠ્ઠી ફેબ્રૂઆરી 2021ના રોજ પરીણિતા અને તેના પતિ તેમજ સાસુ-સસરા જાહેરમાં મળી ગયા હતા. ત્યારે પતિ પત્ની વચ્ચેની સામાન્ય વાતચીતના અંતે રોનક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને પરીણિતાને લાફો મારી દીધો હતો. તે દરમિયાન પણ સાસુ વર્ષાબેન તથા સસરા જીતેન્દ્રભાઈ કોઈ જાતની દરમિયાનગીરી કરી ન હતી.

રોનકે ભૂમિને ગળદા પાટુનો માર મારવાનું શરૂ કરતાં પરીણિતાએ બૂમાબૂમ કરી મૂકી હતી અને નજીકમાંથી તેના માતા-પિતા દોડી આવ્યા હતા અને તેને વધુ મારમાંથી છોડાવી હતી. અંતે પરીણિતાએ સ્થાનિક પોલીસ મથકે તેના પતિ સાસુ તેમજ સસરા વિરૂદ્ધ દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...