કલોલ તાલુકાના ધમાસણા ગામનાં ખેડૂતે વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈને ગૃહ ત્યાગ કરી સ્પીડ પોસ્ટથી ઘરે ચિઠ્ઠી મોકલી હતી. જેમાં પાંચ વ્યાજખોરોએ રચેલા ચક્રવ્યૂહમાં બરોબર ફસાઈ ગયો હોવાની આપવીતી વર્ણવતા ખેડૂતની પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે એસપી તરીકેનો ચાર્જ લેતાંની સાથે કલોલ વિસ્તારમાં વ્યાજખોરોનાં ચુંગલમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોની આપવીતી સાંભળવા લોક દરબાર યોજ્યો હતો. ત્યારે ધમાસણ ગામનો ખેડૂત વ્યાજખોરોનાં ચક્રવ્યૂહમાં ફસાઈને ગૃહ ત્યાગ કરી દેતા કલોલ તાલુકા પોલીસ મથકમાં પાંચ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ધમાસણ ગામના નીલમબેન પટેલની ફરિયાદ મુજબ 30 મી એપ્રિલના રોજ તેમના પતિ સમીરભાઈ પટેલ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. અગાઉ પણ ત્રણ ચાર વખત સમીરભાઈ ઘર છોડીને ગયા પછી પરત પાછા આવી જતાં આ વખતે પણ નીલમબેનને એમ કે તે પરત આવી જશે. પરંતુ ઘણી શોધખોળ કરવા છતાં સમીરભાઈ પરત ન ફરતા તા. 4 મેનાં રોજ પતિ ગુમ થયાની જાણવા જોગ અરજી પોલીસ ચોપડે નોંધાવી હતી.
બાદમાં સ્પીડ પોસ્ટથી પતિએ લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં સમીરભાઈએ ઉલ્લેખ કર્યો છે કે, 2019 ના 10 મહિનામાં જલૂંદનાં રાજુ ભિખાભાઈ રબારી પાસેથી 15 લાખ લીધા હતા. જેની સામે બે વીઘા જમીન દસ્તાવેજ કરી આપી હતી. છતાં 8 લાખ બાકી પેટે માંગવામાં આવી રહ્યા છે અને જલૂંદનાં જીવાભાઈ ભિખાભાઈ રબારીને પૈસા ચૂકવી દીધા હોવા છતાં 5 લાખનું ત્રણ મહિનાનું 18 લાખ વ્યાજ અને આ 18 લાખનું પણ 20 મહિનાનું 10 ટકા લેખે વ્યાજ માંગવામાં આવી રહ્યું છે.
આ સિવાય જેસંઘ ભિખાભાઈ રબારી પાસેથી 9 લાખ રાજુ રબારીએ ઓક્ટોબર 2020 માં વ્યાજે અપાવ્યા હતા. જે પૈસા પાછા તા. 2/2/2022 ના રોજ મકાન વેચી લાભૂકાકા, મમ્મી (વિમળા), અને રિન્કુ ત્રણેય ભેગા મળીને જેસંઘ રબારીને ચૂકવી દીધા હતા. આ પૈસા લેતી સમયે વ્યાજ સાથે દોઢ વીઘા જમીનનું લખાણ આપ્યું હતું. તે પણ પરત કરતા નથી. ઉક્ત લોકોનો હિસાબ ચૂકતે કર્યો હોવા છતાં બોર ઉપર આવી તારા કાકાની જમીન લઈ લઈશું તેની ધાક ધમકીઓ સતત આપવાના કારણે બોર પર ચાર મહિનાથી જવાતું નથી કે ઘરે પણ રહેવું મુશ્કેલ છે.
ઉપરાંત વર્ષ 2020 માં ચાણસ્મા સદાસપૂરનાં રાજુ દશરથભાઈ પટેલ 1 લાખ 25 હજાર અપાવેલા. જેની સામે દશરથભાઈ પટેલને 4 લાખ ચૂકવ્યા છતાં ચેક પાછા નહીં આપી ચેક ભરવાની ધમકીઓ આપે છે. જ્યારે સદાસપૂરનાં જલાભાઈ ભૂરાભાઈ દેસાઈને પણ પૈસા ચૂકવી દીધા હોવા છતાં વારંવાર ઉઘરાણી કરવામાં આવી રહી છે.
જેથી ઉક્ત વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી જઈને સમીરભાઈએ ગૃહ ત્યાગ કર્યો હોવાની આપવીતી ચિઠ્ઠીમાં વર્ણવી હોવાથી નીલમબેનની ફરીયાદના આધારે કલોલ તાલુકા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.