તસ્કરો બેફામ:કલોલના આમજાની સેવા સહકારી મંડળી અને દરજીની દુકાનના તાળા તૂટ્યા, મંડળીમાંથી 3.31 લાખની રોકડ અને દુકાનમાંથી 40 શર્ટની ચોરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલોલ તાલુકા પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઇ ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં

ગાંધીનગરના કલોલનાં આમજા સેવા સહકારી મંડળી અને દરજીની દુકાનના તાળા તોડીને તસ્કરો મંડળીમાંથી 3 લાખ 31 હજાર 617 રોકડા તેમજ દરજીની દુકાનમાંથી 20 હજારની કિંમતના 40 નંગ સીવેલા શર્ટ ચોરીને પલાયન થઈ જતાં કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આમજા સેવા સહકારી મંડળીનાં મંત્રી કાનજીભાઈ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંડળી મારફતે રાસાયણિક ખાતર ખાતર, અનાજ વિતરણ તેમજ પાક ધિરાણ યોજના લગતની લોન ખેડૂતોને આપવાની કામગીરી કરાય છે. 13 મી એપ્રિલના રોજ રાસાયણિક ખાતર વેચાણના 51 હજાર અને ખેડૂત પ્રહલાદભાઈ ચૌધરીની પાક ધિરાણની લોનના 2 લાખ 96 હજાર 617 આવ્યા હોવાથી તિજોરીમાં મૂકીને મંડળીને તાળું મારી ઘરે ગયા હતા.

આજે સવારે મંડળીના પ્રમુખે મંડળીમાં ચોરી થયાની જાણ કરતા તેઓ આમજા દોડી ગયા હતા. જ્યાં મંડળીના મકાનના શટરનું તાળું તૂટેલું હતું. અને અંદરની ઓફિસનો સર સામાન વેર વિખેર પડ્યો હતો. તેમજ તિજોરીનું પણ તાળું તૂટેલું જોવા મળ્યું હતું. જેમાં રાખેલી કુલ. 3 લાખ 31 હજાર 217 રોકડા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.

આ ઉપરાંત મંડળીની બાજુમાં આવેલ રુદ્ર ટેલર નામની દુકાનમાં પણ તસ્કરોએ હાથ ફેરો કરીને 20 હજારની કિંમતના 40 નંગ શર્ટ પણ તસ્કરો ચોરીને નાસી ગયાનું વધુમાં કાનજીભાઈને જાણવા મળ્યું હતું. આ અંગે કલોલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને કાનજીભાઈની ફરિયાદના આધારે કુલ 3 લાખ 51 હજાર 617 ની મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...