તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વેલન્સની કામગીરી:કલોલનો ચેપ ધોળાકૂવાને લાગ્યો : દૂષિત પાણીથી ઝાડા અને ઊલટીના 16 કેસ નોંધાયા

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘરે-ઘરે સર્વેલન્સની કામગીરી કરાઈ. - Divya Bhaskar
ઘરે-ઘરે સર્વેલન્સની કામગીરી કરાઈ.
  • મનપા આરોગ્ય શાખાની 10 ટીમે 300થી વધુ ઘરમાં સર્વેલન્સની કામગીરી કરી

તંત્રના વાંકે કલોલ પૂર્વ બાદ હવે ગાંધીનગર મનપામાં આવતા ધોળાકુવા ગામમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. ઉભરાતી ગટરો અને પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાનું ફરિયાદો કરવા છતાં તંત્રએ ધ્યાન ન દેતાં ધોળાકુવામાં ઘરે-ઘરે બિમારીના ખાટલા થઈ ગયા છે. બીમારીની ફરિયાદો ઉઠતાં કોર્પોરેશન તંત્ર દોડતું થયું હતું. અહીં ઠાકોરવાસ-દંતાણીવાસમાં પીવાના દુષિત પાણીના કારણે ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળ્યા છે.

જેને પગલે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા 10 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે મનપાના આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ કહ્યું હતું કે,‘ટીમો દ્વારા 300થી વધુ ઘરોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવેલ જેમાં ઝાડા-ઉલ્ટીના 16 કેસ, પેટમાં દુ:ખાવાના 5 કેસ મળ્યા હતા.

જેમને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. ગામમાં ઓઆરએસના 500 પેકેટ તેમજ ક્લોરીનની 5 હજાર ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું છે.’ આરોગ્યની ટીમો દ્વારા સરવે દરમિયાન તમામ લોકો ઉકાળેલું પાણી પીવે તેમજ ક્લોરીન ટેબલેટ પીવાના પાણીમાં ઉપયોગ કરે તેની સમજણ અપાઈ હતી. સરવે દરમિયાન ધોળાકુવાના ઠાકોરવાસ અને દંતાણીવાસમાં ગટર ઉભરાતી જોવા મળી હતી. જેને પગલે કાર્યપાલક ઈજનેરને આ અંગે જાણ કરવામાં આવી હતી. ગટર સફાઈ-રેપરીંગ તેમજ પાણીનું સુપરક્લોરીનેશન કરવા માટે તંત્રને કહેવાયું છે.

4 દિવસ પહેલાં જ પ્રદૂષિત પાણી મુદ્દે રજૂઆત કરાઈ હતી
ગાંધીનગર કોર્પોરેશનની રચના સમયથી ધોળાકુવાનો તેમા સમાવેશ થયેલો છે. વર્ષોથી કોર્પોરેશનમાં આવતા ધોળાકુવામાં હજુ પણ શહેર જેવી સુવિધાઓ જોવા મળતી નથી. સારા રસ્તા અને સફાઈ મુદ્દે આજે પણ ધોળાકુવાની ઉપેક્ષા થાય છે. ત્યારે છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરો અને પીવાના પાણીમાં ગટરનું પાણી ભટતું હોવાની અનેક મૌખિક રજૂઆત કરાઈ હતી. આમ છતાં તેનો ઉકેલ ન આવતા આ મુદ્દે પૂર્વ કોર્પોરેટર હસમુખ મકવાણાએ સોમવારે જ લેખિત રજૂઆત કરી લોકો બિમારીઓમાં સંપડાશે તેવી શંકા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...