પાટનગરમાં વસંતોત્સવ:કાલબેલિયા રાજસ્થાની નૃત્યએ પોતાની કલા થકી દર્શકોના મન મોહી લીધા, નૃત્યને યુનેસ્કો દ્વારા પણ માન્યતા અપાઈ છે

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરમતી નદીની કોતરો જે વર્ષ દરમિયાન એક ખામોશીથી ઘેરાયેલી રહે છે, તે વસંત ઉત્સવ દરમિયાન સંગીત, નૃત્ય અને લોકોની તાળીઓ તથા ચિચિયારીઓથી ખીલી ઉઠે છે. જાણે આ માટીની કોતરો વર્ષમાં એક વાર વસંત આવતા જીવંત બની ઊઠે છે, તેવો આભાસ થાય છે. ત્યારે અહીં રજૂ થતાં કાલબેલિયા રાજસ્થાની નૃત્યને યુનેસ્કો દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે.

પાટનગરમાં ચાલતા આ નૃત્ય પર્વમાં વિવિધ રાજ્યોના અનેક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું છે. ઉત્સવમાં સામેલ કાલબેલિયા રાજસ્થાની નૃત્યએ પણ પોતાની કલા થકી દર્શકોના મન મોહી લીધા છે.વસંતોત્સવમાં ભાગ લેનાર સુર્મનાથ કાલબેલિયા જણાવે છે કે, “કાલબેલિયા એ માત્ર એક નૃત્ય સ્વરૂપ નથી, પણ રાજસ્થાન અને સમગ્ર કાલબેલિયા સમુદાયના ગૌરવ અને સન્માન સાથે સંબંધિત છે.” કાલબેલિયા રાજસ્થાનમાં કલાનું અત્યંત પ્રતિષ્ઠિત અને પ્રિય સ્વરૂપ છે. આ નૃત્યને યુનેસ્કો દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે.

એટલુ જ નહીં તે ભારતમાં યુનેસ્કોના અમુર્ત સાંસ્કૃતિક વારસાનો પણ એક ભાગ છે. સુર્મનાથ કાલબેલિયા ગ્રુપ રાજસ્થાન જોધપુર નિવાસી છે. તેના તમામ સભ્યો કાલબેલિયા સમાજના છે. કાલબેલિયા નૃત્ય સમુહના કલાકારો જણાવે છે કે, પેઢી દર પેઢી બાપદાદાના વખતથી વ્યવસાય સ્વરૂપે ચાલ્યુ આવતુ કાલબેલિયા નૃત્ય લગ્ન પ્રસંગ જેવા શુભ પ્રસંગે તેમના સમાજમાં પ્રથમ શુકન માનવામાં આવે છે.
​​​​​​​કાલબેલિયા ગીતો અને નૃત્ય રાજસ્થાનનો અભિન્ન ભાગ
કાલબેલિયા લોકો વારંવાર સ્થળાંતર કરતા રહ્યા છે. જેમનો મૂળ વ્યવસાય સાપને પકડવાનો અને સાપના ખેલ બતાવવાનો હતો. કાલબેલિયા લોકોની મોટી સંખ્યા અજમેર, ચિત્તોડગઢ અને ઉદયપુર જિલ્લાની સાથે પાલી જિલ્લામાં પણ જોવા મળે છે. વાસ્તવમાં કાલબેલિયા ગીતો અને નૃત્ય રાજસ્થાનનો અભિન્ન ભાગ છે. ઉપરાંત તે રાજસ્થાની સ્ત્રીઓ અને પુરુષો મળી આ લોકનૃત્ય કરે છે. જેમાં સ્ત્રીઓ નૃત્ય કરે છે અને પુરુષો સંગીત વગાડવાનું કામ કરે છે.તેમના સંગીતના સાધનોમાં બિન(જેને તેઓ પુંગી કહે છે) ,મોરચંગ , ખુરાલીયો અને ઢોલકનો ઉપયોગ કરે છે.
દર વર્ષે વિદેશમાં પણ કલા પ્રદર્શન કરે છે
આ નૃત્યમાં સ્ત્રીઓ પરંરાગત કાળા રંગનો પોશાક પહેરે છે. કહેવાય છે કે તે સાપ સાથે સંબંધ ધરાવે છે. અન્ય સંગીત કરતા તેઓ પોતાનું મૂળ સંગીત કાલબેલિયાને ગાય વગાડી આ નૃત્ય કરવાનું વધુ પસંદ કરે છે.
વસંતોત્સવમાં કાલબેલિયા ગ્રુપ લગભગ છેલ્લા પાંચ-સાત વર્ષોથી પોતાની કલાનું પ્રદર્શન કરે છે. તેઓ દર વર્ષે વિદેશમાં પણ કલા પ્રદર્શન કરે છે. ઠંડીની ઋતુમાં તેઓ ભારત આવી જાય છે, અને અન્ય ઋતુમાં તેઓ દેશ- વિદેશમાં પોતાની કલાનો વ્યવસાય કરે છે.
​​​​​​​વધુમાં સુર્મનાથ જણાવે છે કે પહેલા આ કાલબેલિયા નૃત્ય માત્ર અમારા સમાજ અને સામાજિક પ્રસંગો પુરતુજ સીમિત હતું. મોટા ભાગે તેમના પુર્વજો રોજી મેળવવા અને પોતાના પરિવરનું ગુજરાન ચલાવવા આ કલાનો ઉપયોગ કરતા. ભાગ્યે જ કોઈ અન્ય જગ્યાએ કલાના સ્વરૂપે તેનો સ્વીકાર થયો હતો, પરંતુ જ્યારથી રાજસ્થાનમાં મરું મેળો શરૂ થયો ત્યારથી કાલબેલિયાને લોકકલા તરીકે આગવી ઓળખ મળી છે.
ઘૂમકર જાતિનું નામ તેમના વ્યવસાયથી જ પડ્યું ​​​​​​​
કાલબેલિયા ઘૂમકર જાતિના એટલેકે સપેરા વંશના લોકો છે.આ વિશે વસંતોત્સવમાં આવેલ કલાકારો જણાવે છે કે અમારી જાતિ, અટક બધું જ કાલબેલિયા છે. પણ અમે ઘૂમકર જાતિથી પણ ઓળખાઈએ છીએ. જે એક સપેરા વંશના લોકો માટે વપરાતો શબ્દ છે. ઘૂમકર જાતિનું નામ તેમના વ્યવસાયથી જ પડ્યું હોવાનું તેઓ જણાવે છે.
​​​​​​​તેઓ સાપના ખેલ બતાવવા જુદી-જુદી જગ્યાએ ફરતા રહેતા અને તેમનું કોઈ એક ઠેકાણું ન હોવાથી તેમને વિચરતી જાતી તરીકે ‘ઘૂમકર’ નામે પણ ઓળખવામાં આવે છે. સમય જતા સાપના ખેલ બંધ થઈ જતા તેઓ કાલબેલિયા નૃત્યથી પોતાની આજીવીકા રળતા થયા છે. આ કલાકારોને તેમની લોકનૃત્ય કલા કાલબેલિયા પર ખૂબ જ ગર્વ છે. અને આ નૃત્યને લોકો આજે ખૂબ જ માનભેર કલા તરીકે સ્વીકારે છે જે તેમના માટે સૌથી મોટી ગૌરવની વાત છે

અન્ય સમાચારો પણ છે...