કલા મહાકુંભ:જિલ્લાની 6થી 60 વર્ષની વ્યક્તિઓ માટે કલા મહાકુંભનું આયોજન કરાયું

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15થી 29 વર્ષના યુવાનો માટેના ઉત્સવમાં ભાગ લેવા 23મી સુધી અરજી કરી શકાશે

જિલ્લામાં 6થી 60 વર્ષની વ્યક્તિઓ માટે કલા મહાકુંભનું આયોજન કરાયું છે. તેમાં 6થી 14 વર્ષ, 15થી 20 વર્ષ, 21થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓનું વય જૂથમાં યોજાશે. તેમાં ભાગ લેવા 18મી ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે. જ્યારે જિલ્લાના 15થી 29 વર્ષના યુવાનો માટે આયોજીત ઉત્સવમાં ભાગ લેવા તારીખ 23મી, ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે.

જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગર દ્વારા કલા મહાકુંભ-2022-23નું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વક્તૃત્વ, નિબંધ, કાવ્યલેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલા વિભાગમાં ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, નૃત્ય વિભાગમાં લોક નૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચિપુડિ, ઓડિસી, મોહિની અટ્ટમ છે. જ્યારે વાદન વિભાગમાં હાર્મોનિયમ (હળવું), તબલા, ઓરગન, સ્કુલબેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખવાજ, વાયોલીન, મૃદંગમ, રાવણ હથ્થો, જોડીયા પાવાનો સમાવેશ કર્યો છે.

ઉપરાંત ગાયન વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત લગ્નગીત, સમુહગીત, લોકગીત, ભજનનો સમાવેેશ કર્યો છે. જ્યારે અભિનય વિભાગમાં એક પાત્રીય અભિનય, ભવાઇ સ્પર્ધા યોજાશે. આવી સ્પર્ધાઓ તાલુકાકક્ષા, જિલ્લા કક્ષા, રાજ્યકક્ષા, પ્રદેશકક્ષા યોજવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ તારીખ 18મી, ઓગસ્ટ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, છઠ્ઠો માળા, સી-વીંગ, સહયોગ સંકુલ, સેક્ટર-11, ગાંધીનગર ખાતે જમા કરાવવાના રહેશે.

ઉપરાંત જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા યુવા ઉત્સવનું આયોજન કરાયું છે. તેમાં પણ કલા ઉત્સવને લગતી અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. યુવા ઉત્સવ ત્રણ વિભાગમાં યોજવાનું આયોજન કરાયું છે. તેમાં 15થી 20 વર્ષી, 20થી 29 વર્ષી અને ત્રીજો વિભાગ 15 વર્ષથી 29 વર્ષમાં યોજાશે. યુવા ઉત્સવમાં ભાગ લેનારે તારીખ 23મી, ઓગસ્ટ સુધીમાં જિલ્લા રમત ગમતની કચેરી, સી વિંગ, છઠ્ઠો માળા, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે એન્ટ્રી ફોર્મ સ્વીકારવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...