તંત્રનો મેસેજ:જાહેરાત પહેલાં જ લોકોએ સ્માર્ટ સિટી માટે સૂચનો મોકલી દીધાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા પ્રોજેક્ટ શરૂ કરવા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની સૂચનો માગવાની હતી
  • મુખ્યમંત્રી બદલાતાં કોર્પોરેશન તંત્રે સૂચનો માટે જાહેરાત કરવાનું ટાળ્યું હતું, હવે 30મી સપ્ટેમ્બર સુધી સૂચનો મોકલી શકાશે

મહાનગરપાલિકાએ ગાંધીનગરમાં સુવિધા વધારવા માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નાગરિકો પાસે સૂચનો મગાવવાનું નક્કી કર્યું હતું અને આ માટે જાહેરાત પણ કરવાની હતી, પરંતુ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની જાહેરાત કરે તે પહેલાં જ મેસેજ ફરતો થઈ ગયો હતો અને 5 જેટલાં સૂચનો પણ કોર્પોરેશનને મળ્યાં હતાં. જોકે હવે 30 સપ્ટેમ્બર સુધીમાં સૂચનો મોકલવાની જાહેરાત કરવામાં આવશે.

મહાનગરપાલિકાએ ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. કંપની અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ હાથ ર્ધયા છે. આ માટે તંત્રે નાગરિકો પાસેથી કેવા પ્રોજેક્ટ કરી શકાય તેના અભિપ્રાયો માગ્યા છે અને આ માટે તંત્રે ‘સજેશન ફ્રોમ સિટીઝન’ અભિયાન શરૂ કર્યું છે, જેમાં બીજા કયા ક્ષેત્રમાં કેવા પ્રકારના પ્રોજેક્ટ થકી શહેરનો વિકાસ કરી શકાય તે અંગે નાગરિકોના વિચારો મગાવાયા છે. જેમાં ઓછા સમયગાળામાં ઝડપથી પૂર્ણ કરી શકાય તેવા અને શહેરના વિકાસમાં વધારો કરી શકાય અને પહેલાં ન થયા હોય તેવા અભિપ્રાયો આપવા માટે નાગરિકોને કહેવાયું છે.

નાગરિકોએ gscdlspv@gmail.com પર 30 સપ્ટેમ્બર સુધીમાં સૂચનો મોકલવાના રહેશે. મહત્ત્વનું છે કે તંત્ર અભિયાનની જાહેરાત કરે તે પહેલાં જ આ મેસેજ વાયરલ થઈ ગયો હતો. જેને પગલે 2 દિવસમાં 5 જેટલા મેલ પણ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કોર્પોરેશન તંત્રે 3 દિવસ પહેલાં જ અભિયાન જાહેર કરવાની તૈયારી કરી લીધી હતી પરંતુ નવા મુખ્યમંત્રીની જાહેરાત સહિતની ઘટનાઓમાં નાગરિકોનું ધ્યાન નહીં જાય તે માટે તંત્રે જાહેરાત કરી ન હતી પરંતુ આ બધા વચ્ચે તંત્રનો મેસેજ કોઈ રીતે ફરતો થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...