રિક્ષા ગેંગની તરકીબ નાકામિયાબ:અડાલજ ત્રિમંદિર નજીક દાગીના લૂંટનારી ગેંગ ઝડપાઈ, રૂ. 1.20 લાખ જેટલો મુદ્દામાલ ઝબ્બે, મહિલાની નજર ચૂકવી ઉઠાંતરી કરી હતી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણતરીના કલાકોમાં દાગીના ઓગાળી વેચવા માટે પણ નીકળી પડ્યા હતા
  • મહિલાની નજર ચૂકવી થેલામાંથી 1.77 લાખની મત્તા લઈને મહેસાણા જતાં રહ્યા હતા

ગાંધીનગરના અડાલજ ત્રિ-મંદિર સામે મહેસાણા હાઇવે રોડ પરથી મહિલાને રિક્ષામાં બેસાડી નજર ચુકવીને સોનાના દાગીના મળીને રૂ. 1.77 લાખની મત્તા લૂંટી લેનારી રીક્ષા ગેંગને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લઈ ગુન્હાનો ભેદ ઉકેલી દેવાયો છે. નોંધનીય છે કે 1.75 લાખના સોનાના દાગીના ગણતરીના કલાકોમાં જ મહેસાણાના સોન પાસે જઈ ઓગાળી દઈ 23.920 ગ્રામની સોનાની રણી બનાવી તેને વેચવા માટે પણ ગેંગ નીકળી પડી હતી.

મહિલા મહેસાણા પીકઅપ બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેઠી
હાલ વડોદરાની પ્રાગણ સોસાયટીમાં રહેતા મૂળ પાટણના મીનાક્ષીબેન પ્રજાપતિ ગત તા. 2 જુલાઈના રોજ બે બાળકો સાથે વડોદરાથી સવારના સમયે અડાલજમાં રહેતા ભાઈનાં ઘરે અષ્ટ મંગલ સોસાયટી જવા માટે અડાલજ ત્રી મંદિર સામે મહેસાણા પીકઅપ બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેઠા હતા.

એક ઈસમ થેલા જોડે ઉભા પગે બેસી ગયો
એ વખતે રિક્ષામાં પાછળની સીટમાં બે માણસો અને ડ્રાઈવર પાસે બીજો એક માણસ બેઠો હતો. બાદમાં રીક્ષા ચાલકે થોડેક આગળ જઈને રીક્ષા ત્રી મંદિર પાસે ઉભી રાખી દઈ બન્ને બાળકોને તેની પાસે બેસાડી દીધા હતા. જ્યારે આગળ બેઠેલો માણસ મીનાક્ષી બેનના પગ પાસે મૂકેલા થેલા જોડે ઉભા પગે બેસી ગયો હતો. ડ્રાઇવર પાસે બાળકો બેઠેલા હોવાથી મીનાક્ષીબેન તેમની સામે જ જોઈ રહ્યા હતા. થોડીવારમાં અષ્ટમંગલ સોસાયટી આવતાં થેલો લઈ મીનાક્ષીબેન બાળકો સાથે નીચે ઉતર્યા હતા. ત્યારે ભાડું લીધા વિના જ રીક્ષા ચાલકે રીક્ષા ભગાડી મુકી હતી. ભાઈના ઘરે જઈને મીનાક્ષીબેને થેલો ચેક કરતાં બોક્ષમાં મૂકેલા સોનાના દાગીના અને 2 હજાર રોકડાં ગાયબ હતા.

દાગીના ઓગાળી દઈ 23.920 ગ્રામની સોનાની રણી બનાવી વેચવા નીકળ્યા
જે અંગે ગુન્હો દાખલ થતાં જ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવની ટીમે અડાલજ વિસ્તારમાં રીક્ષા લઈને સોનાની રણી વેચવા માટે ફરી રહેલાં આસ મહમદ મણિયાર (નરોડા), અબ્દુલ ઉમરભાઈ અરબ (કલોલ) અને શહેઝાદ પઠાણને (બાપુનગર) ઉઠાવી લઈ કડકાઈથી પૂછતાંછ હાથ ધરી હતી. આ અંગે પીઆઈ સિંધવે જણાવ્યું હતું કે, ઉક્ત ત્રણ આરોપીઓની સાથે અન્ય એક આસીફ ઉર્ફે જાડીયો (કડી) પણ સંડોવાયેલ છે. ગુન્હાને અંજામ આપ્યા પછી આરોપીઓ સીધા મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં એક સોની પાસે દાગીના ઓગાળી દઈ 23.920 ગ્રામની સોનાની રણી બનાવી દીધી હતી. જે વેચવા માટે અડાલજ વિસ્તારમાં રીક્ષા લઈને ફરી રહ્યા હતા. અને એલસીબી ટીમે લીધા હતા. જેમની પાસેથી સીએનજી રીક્ષા, સોનાની રણી મળીને કુલ રૂ. 1.20 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...