સરાહનીય કામગીરી:ઘરકંકાસથી કંટાળી સુઘડ કેનાલમાં મોતની છલાંગ લગાવવા આવેલી પરિણીતાને 'જીવન આસ્થા'એ નવું જીવન આપ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ સાથેના વારંવારના ઝઘડાથી કંટાળીને કેનાલમાં આપઘાત કરવા ગઈ હતી

પતિ સાથે વારંવાર થતાં ઘરકંકાસના કારણે કંટાળીને સુઘડ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવવા માટે આવેલી પરિણીતાએ ક્ષણિક માટે જીવન આસ્થા હેલ્પ લાઈન સેન્ટરમાં ફોન કરતાં જ સ્થિતિ પારખી ગયેલી જીવન આસ્થાનાં કાઉન્સિલર દ્વારા સતત વાતચીતનો દોર ચાલુ રાખી તુરંત લોકેશન મેળવીને સ્થાનિક પોલીસને મોકલી આપી તેને નવું જીવન આપવામાં આવતાં જિલ્લા પોલીસ વડાએ પણ સરાહનીય કામગીરીને બિરદાવી છે.

ઘણીવાર પરિવારમાં થતાં નાના મોટા ઝઘડા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આવેશમાં આવીને ભરવામાં આવતું પગલું સમગ્ર પરિવાર માટે નુકસાનકારક સાબિત થતું હોય છે. પતિ પત્ની વચ્ચે થતાં ઝગડાઓ કોઈ વખત મોટું ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતા ઘણીવાર અઈચ્છનીય ઘટના ઘટી જતી હોય છે આવો જ એક બનાવ જીવન આસ્થા હેલ્પ લાઈન સમક્ષ આવ્યો છે.

વાત જાણે એમ છે કે કોરોના કાળ પછી ધંધામાં નુકશાની આવતા આ નુકશાનીને ભરપાઈ કરવાં માટે પતિ વધુ ને વધુ મહેનત કરવા લાગ્યો હતો. જેનાં કારણે તેને ઘરે આવવાનાં ઠેકાણા રહ્યા ન હતા. ત્યારે પત્ની સાત વર્ષની દીકરી તેમજ ઘરની જવાબદારી માં વ્યસ્ત રહેવા લાગી હતી.

ધીમે ધીમે પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં તું તું મેં મેં થવા લાગી હતી. તેમ છતાં પતિ પત્ની અને દીકરીને સમય આપતો ન હતો કે ઘરની કોઈ જવાબદારી પણ નિભાવતો હતો. જેથી દંપતી વચ્ચે દિવસે ને દિવસે ઝગડા વધવા લાગ્યા હતા. આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પત્નીએ મરી જવા સુધીનાં શબ્દો ઉચ્ચારી નાખતાં પતિએ પણ મરી જા એવું ચોખ્ખું સંભળાવી દીધું હતું.

બસ આ શબ્દ પત્નીના કાનમાં કણાની માફક સળવળાટ કરવા લાગતા પત્નીએ આપઘાત કરવા માટે સુઘડ નર્મદા કેનાલની વાટ પકડી લીધી હતી. કેનાલ પર આવ્યા પછી આવેશ થોડો શાંત થતાં તેણે ક્ષણિક માટે જીવન આસ્થા હેલ્પ લાઈનમાં ફોન કરી પોતાની કહાની વર્ણવી હતી. ત્યારે સ્થિતિ પારખી ગયેલ હેલ્પ લાઈનની કાઉન્સિલરે તેણી સાથે સતત વાતચીતનો દોર ચાલુ રાખી તુરંત તેનું લાઈવ લોકેશન મેળવી લીધું હતું.

બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરી પરિણીતા સાથે કાઉન્સિલિંગ ચાલુ રાખ્યું હતું. એવામાં અડાલજ પોલીસની પીસીઆર તાત્કાલિક કેનાલ પર પહોંચી ગઈ હતી. અને તેના પરિવારજનોને પણ કેનાલ પર બોલાવી લઈ દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આમ જીવન આસ્થા ના સતત પ્રયાસોના કારણે પરિણીતાને નવું જીવન મળ્યું હતું.

આ અંગે લાયઝન અધિકારી પ્રવીણ વાલેરા એ જણાવ્યું હતું કે, NCRB દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજયમાં દૈનિક 21 જેટલા લોકો આત્મહત્યા કરી રહ્યા છે. જે કુદરતી કે આકસ્મિક થતાં મૃત્યુ કરતા વધુ છે. જેથી જીવન આસ્થા હેલ્પ લાઈન દ્વારા અપીલ કરવામાં આવે છે માનસિક તાણ અનુભવતા કોઇપણ વ્યક્તિએ નિસંકોચ કોલ સેન્ટરનો સંપર્ક કરવો. અને અનુભવી કાઉન્સિલર દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...