માતાની નજરની સામે પુત્રનું મોત:કલોલના ધાનોટમાં કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર માતા રડતાં પુત્રને છાવો રાખવા ગઇ, ગાઢ નિંદ્રામાં સુતેલા બીજા દીકરા ઉપર જેસીબી ફરી વળ્યું

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેતીના ઢગલા પાસે ચાર વર્ષના દીકરાને સુવડાવી બીજા રડતાં પુત્ર પાસે ગઈ અને કરૂણ ઘટના ઘટી

કલોલ તાલુકાના ધાનોટ ગામની સીમમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર મજૂરી અર્થે આવેલા દાહોદનું દંપતી ચાર વર્ષના દીકરાને રેતીના ઢગલા પાસે સુવડાવીને બીજા રડતાં દીકરાને સૂવડાવવા માટે ગયું હતું. ત્યારે થોડીક જ વારમાં અહીં કામ કરતા જેસીબીના ચાલકે પોતાનું જેસીબી ગફલતભરી રીતે હંકારીને ચાર વર્ષના દીકરા ઉપર જેસીબી ચઢાવી દેતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

મૂળ દાહોદના વતની રાકેશભાઈ માનસિંગ પરમાર પોતાની પત્ની પાયલ અને પાંચ સંતાનો સંતાનોને લઈને કલોલ તાલુકાના ધાનોટ ગામની સીમમાં શુભ લક્ષ્મી એસ્ટેટ ટ્રેન્ડ પ્લાસ્ટ નામની નવી કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કડિયા કામ અર્થે આવ્યા છે. જેઓ અત્રેની નવી બનતી સાઈટ ઉપર શેડમાં રહે છે.

ગઈકાલે સવારના સમયે અન્ય મજૂરો સાથે રાકેશભાઈએ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ શરૂ કર્યું હતું. બાદમાં બપોરના સમયે જમીને તેઓ પરિવાર સાથે કંપનીના નવા બનતા શેડમાં બાળકો સાથે આરામ કરી રહ્યા હતા. તે વખતે અહીં રેતીના ઢગલાની સાઈડમાં તેમનો ચાર વર્ષીય પુત્ર રાજવીરને સુવડાવ્યો હતો. ત્યારે નાનો દીકરો એકદમ રડવા માંડતા રાકેશભાઈ અને તેમની પત્ની પાયલ રડતાં દીકરાને ખોળામાં સુવડાવવા માટે ગયા હતા.

આ દરમિયાન અહીં જેસીબીનું કામકાજ ચાલુ હતું. ત્યારે થોડીક જ વારમાં જેસીબીના ચાલકે પોતાનું જેસીબી ગફલતભરી રીતે હંકારી મુકતા આગળના ટાયર નીચે ચાર વર્ષીય રાજવીર ચગદાઈ ગયો હતો. જેનાં કારણે હોહા મચી જતાં દંપતી એકી શ્વાસે દોડી આવ્યું હતું અને ચાર વર્ષના દીકરાના ગળાનાં અને છાતીના ભાગે જેસીબીનું ટાયર ફરી વળી જોઈ પોક મૂકીને રડવા લાગ્યું હતું.

કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર ખાનગી વાહનમાં રાજવીરને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રાજ વીરને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે કલોલ તાલુકા પોલીસે જેસીબીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...