તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદાસ્પદ અધિકારી:હની ટ્રેપ કેસમાં સંડોવાયેલા તત્કાલીન પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટ ગાંધીનગર પોલીસમાં વહીવટદારની 'ભૂમિકા' નિભાવતા હતા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે-તે સમયે કોન્સ્ટેબલ જનક બ્રહ્મભટ્ટ શટલીયા જીપોનો વહીવટદાર બની દર મહિને ભરણ ઉઘરાવવાનું કામ કરતા હતા

હની ટ્રેપ માં કેસમાં ફસાવી પૈસા પડાવવાના કૌભાંડમાં પકડાયેલ અમદાવાદ મહિલા પોલીસ મથકના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેકટર જનક બ્રહ્મભટ્ટ વર્ષો પહેલાં ગાંધીનગર પોલીસ માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી કારકિર્દી ની શરૂઆત કરી હતી. શરૂઆતથી જ પોતાની વાક્ચાતુર્ય તેમજ અધિકારીઓને ખુશ રાખવાની આવડત ધરાવતા કોન્સ્ટેબલ જનક બ્રહ્મભટ્ટ ખૂબ ટૂંકા સમયમાં ગાંધીનગર પોલીસના અધિકારીઓ સાથે ઘરોબો કેળવી લીધો હતો. જેનાં કારણે કોન્સ્ટેબલ જનક બ્રહ્મભટ્ટ શટલીયા જીપોનો વહીવટદાર બની દર મહિને ભરણ ઉઘરાવવાનું કામ કરતા હતા.

ગાંધીનગર સેકટર 7 પોલીસ મથકનાં ડી સ્ટાફનું તે વખતે આગવું વર્ચસ્વ હતું. જેમાં જનક બ્રહ્મભટ્ટ પણ સામેલ હતા. ગાંધીનગરના ઈતિહાસ ભૂગોળથી વાકેફ જનક બ્રહ્મભટ્ટ કોન્સ્ટેબલમાંથી વહીવટદારની ભૂમિકા ભજવી રહ્યા હતા. તે સમયે ગાંધીનગરમાં શટલીયા જીપોનો કાફલો દોડતો હતો. માત્ર સેકટર 7 પોલીસ મથકની હદમાં જ દોઢસો થી વધુ જીપ દરરોજ ગાંધીનગર અમદાવાદની ટ્રીપો મારતી હતી. જેનું દર મહિને લાખો રૂપિયાનું ભરણ ઉઘરાવવાનું કામ જનક બ્રહ્મભટ્ટ બખૂબી નિભાવી રહ્યા હતા.

આ દરમિયાન જીપ ચાલકોને અન્ય પોલીસ દ્વારા કોઈ જાતની કનડગત થાય નહીં તે માટે જનક બ્રહ્મભટ્ટ મીડિયેટર બનીને પોતાની કામ કરવાની આગવી શૈલીમાં વાતનો નિવેડો લાવી દેવાની પણ કુનેહ ધરાવતા હતા. ગાંધીનગરનાં માર્ગો પર શટલીયા જીપોનો કાફલો ગેરકાયદેસર રીતે દોડવાનાં કારણે એસ ટી બસને મુસાફરો નહિવત મળી રહેતા એસ.ટી તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો પણ કરવામાં આવતી રહેતી હતી.

થોડા સમય માટે ગાંધીનગરમાં શટલીયા જીપો પર ધોંસ બોલાવી દેવામાં આવતી હતી. થોડા દિવસોમાં રાબેતા મુજબ શટલીયા જીપો દોડવા લાગતી હતી. વહીવટદાર તરીકે વર્ચસ્વ હોવાના કારણે જનક બ્રહ્મભટ્ટ દ્વારા ચિંલોંડા વિસ્તારમાં હોટલનો સાઈડ બિઝનેસ ધંધો પણ શરૂ કરવામાં આવ્યો હતો. તેમની હોટલ પર કોઈપણ પોલીસ કાર્યવાહી કરતા પણ અચકાતી હતી.

સમય જતાં જનક બ્રહ્મભટ્ટ દ્વારા અધિકારીઓ ને ખુશ રાખવાની સાથે પૈસા બનાવવાનું પણ શરૂ કરી દેવાયું હતું. એમાંય વળી ખાતાકીય પરીક્ષા આપીને પીએસઆઇ બનેલા જનક બ્રહ્મભટ્ટ હાલમાં વીઆઈપી સેકટર ગણાતા સેકટર 8માં વૈભવી બંગલો ધરાવે છે. તે સિવાય ઈન્ફોસિટી સંકુલમાં બાટાનો વિશાળ શો રૂમ સહિત અનેક જમીનોના આસામી જનક બ્રહ્મભટ્ટની લાઈફ સ્ટાઈલ પણ રંગીલી રહી છે. જેમને એક મહિલા વકીલ સાથે સુંવાળા સંબંધો હોવાની ચર્ચાઓ પોલીસ બેડામાં અવારનવાર ચાલતી રહે છે.

ગત ઓક્ટોબર મહિનામાં જ ઈન્ફોસિટી સંકુલમાં આવેલા તેમના બાટાનાં મોટા શો રૂમ આગળ કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં ઈન્ફોસિટીના વહીવટદાર સિદ્ધરાજસિંહ જોડે માથાકૂટ પણ થઈ હતી. જેનાં અહેવાલો અખબારમાં પ્રસિધ્ધ થયા બાદ પોલીસની છબી ખરડાઈ નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડી દીધો હતો.

વિવાદાસ્પદ કાર્યશૈલીના કારણે જનક બ્રહ્મભટ્ટની બદલી સરદાર નગર પોલીસ મથકમાંથી મહિલા પોલીસ મથકમાં કરી દેવામાં આવી હતી. અહીં પણ તેમણે મહિલા પી.આઈ ગીતા પઠાણ ને સાથે રાખી હની ટ્રેપ ગોઠવી લોકો પાસેથી પૈસા પડાવી લેવાનું કાવતરું રચ્યું હતું. પણ દર વખતે ઉચ્ચ અધિકારીઓની દરમિયાન ગીરી થી બચી જતાં PSI જનકની આ વખતે કોઈ અધિકારીએ મદદ કરી ન હતી. જેનાં કારણે તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...