ગાંધીનગર પોસ્ટ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ગાંધીનગરનાં યુવાનને એર ફોર્સ સિલેક્શન બોર્ડની પરીક્ષાનો કોલ લેટર બે મહિના પછી મળતા યુવાનની ઉજ્વળ કારકિર્દી પર બ્રેક લાગી જવા પામી છે. નવાઈની વાત એ છે કે ગાંધીનગરને ગાંધીનગરમાંથી પોસ્ટ કરવામાં આવેલા કોલ લેટર પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી મળી આવતા યુવાને પોસ્ટ વિભાગ સામે કાયદાકીય પગલાં ભરવાની તૈયારી કરી લીધી છે
.
ગાંધીનગરના પોસ્ટ વિભાગની અણઘડ કામગીરી સાથેની લાલીયાવાડીનાં કારણે ગાંધીનગરના યુવાનની ઉજ્વળ કારકિર્દી પર બ્રેક લાગી જવા પામી છે. ગાંધીનગરના સેકટર 25 ખાતેથી પોસ્ટ કરવામાં આવેલો કોલ લેટરને સરગાસણ પહોંચતા બે મહિના જેટલો સમય લાગ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ગાંધીનગર માહિતી ખાતામાં આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અને સરગાસણ ખાતે રહેતા કિરીટસિંહ વાઘેલાનાં પુત્ર નિકુલનું રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી કરાવવામાં આવી છે. ત્યારે એર ફોર્સ સિલેક્શન બોર્ડ સેકટર 25 જીઆઇડીસી ગાંધીનગરને રોજગાર કચેરી દ્વારા લાયકાત ધરાવતા નિકુલનું નામ મોકલી આપવામાં આવ્યું હતું. જે અન્વયે એરપોર્ટ સિલેક્શન બોર્ડ દ્વારા તા 24મી જુલાઈના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નિકુલ વાઘેલાને પણ બોલાવવામાં આવ્યો હતો. જેનાં માટે એરપોર્ટ સિલેક્શન બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા માટેનો કોલ લેટર ગત તારીખ 30 જૂનના રોજ ગાંધીનગર સેક્ટર 25 ખાતેથી પોસ્ટ કરવામાં આવ્યો હતો.
આ કોલ લેટર નિકુલને તા. 10મી ઓગસ્ટના બપોરે 2 કલાકે ડીલીવરી કરાયો હતો. ત્યારે તેને માલુમ પડેલું કે એર ફોર્સ સિલેક્શન બોર્ડ દ્વારા પરીક્ષા માટે જે કોલ લેટર મોકલાયો છે તેની પરીક્ષા તો અગાઉ જ પૂર્ણ થઈ ચૂકી છે. જેનાં કારણે તેની ઉજ્જવળ કારકિર્દી રોળાઈ જવા પામી છે.
આ અંગે નિકુલ વાઘેલાએ જણાવ્યું હતું કે, પોસ્ટ તંત્રની ગંભીર બેદરકારીના કારણે મારી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. એક કોલ લેટર ગાંધીનગરમાં ને ગાંધીનગરમાં ડીલીવર કરવામાં બે મહિના જેટલો સમય લાગ્યો છે. જે અંગે ગાંધીનગર પોસ્ટ વિભાગના સિનિયર સુપ્રિટેન્ડન્ટને લેખિતમાં યોગ્ય કારણ પૂછ્યું છે. જેમાં સંતોષ કારક જવાબ નહીં મળે તો પોસ્ટ વિભાગ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.