સંમેલન:રાસાયણિક કૃષિનાં દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી જરૂરી : રાજ્યપાલ

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં 2 લાખ ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
  • ​​​​​​​સોલનમાં ડૉ. વાય. એસ. પરમાર, યુનિ.માં રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંમેલન યોજાયું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના સોલન ખાતેની ડૉ. વાય. એસ. પરમાર હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી ખાતે યોજાયેલા 12મા દ્વિ-વાર્ષિક રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંમેલનના ઉદ્્ઘાટન સત્રમાં દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો-KVKના વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલે જણાવ્યું હતું કે, 60ના દશકમાં ખાદ્યાન્ન ક્ષેત્રે દેશને સ્વાવલંબી બનાવવા ક્ષેત્રે કૃષિ વૈજ્ઞાનિકોનું પ્રદાન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. હવે પ્રાકૃતિક કૃષિથી લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે, ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે વૈજ્ઞાનિકો સંકલ્પબદ્ધ બને.

તેમણે જણાવ્યુ હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્નની પૂર્તિ માટે રાસાયણિક કૃષિ દ્વારા હરિત ક્રાંતિ એ સમયની માંગ હતી. હવે આખું વિશ્વ રાસાયણિક કૃષિનાં દુષ્પરિણામોથી ત્રસ્ત છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24 ટકા હિસ્સો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થઈ રહ્યાં છે.

જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, દૂષિત ઉત્પાદનો આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે ત્યારે રાસાયણિક કૃષિનાં દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી, એ આજના સમયની માંગ છે. વૈજ્ઞાનિકોને વિશે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકો સંશોધનો-કૌશલ્યની મદદથી વર્તમાન પડકારોનો ઉકેલ મેળવી પ્રાકૃતિક કૃષિની મદદથી આપત્તિને અવસરમાં પરિવર્તિત કરે અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક તથ્યોથી માહિતગાર કરી દેશભરમાં ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ બને. તેમણે જણાવ્યું હતું કે, આજ આંધ્ર પ્રદેશમાં 6 લાખ, ગુજરાતમાં 2 લાખ અને હિમાચલ પ્રદેશમાં 1.70 લાખ ખેડૂત પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના બીજામૃત, જીવામૃત-ઘન જીવામૃત, મલ્ચિંગ, વાપ્સા અને મિશ્ર પાક જેવા મહત્ત્વના સિદ્ધાંતોની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...