વર્તમાન પરિસ્થિતિમાં ભૌતિક સુખ સુવિધાઓની લાલસા પાછળ માનવી સિમેન્ટ કોક્રિંટના જંગલો વચ્ચે ઘેરાઈ ગયો છે, તેવામાં ક્યાંક ગાંધીનગરની ઓળખ 'ગ્રીનસિટી'નું બિરુદ ખોવાઈ રહ્યું છે.આવા સમયે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અમરાપુર ગામની ગ્રામભારતી સંસ્થા પરિસરમાં માત્ર હજારો વૃક્ષોને સાંચવીને બેઠું છે એવુ નથી, પણ ગ્રામ્યકક્ષાના શુદ્ધ, સરળ જીવનને ધબકતું રાખવાનું માધ્યમ બની હજારો બાળકોમાં સાચા ભારતની ઓળખ એવી ખેતી, પશુપાલન અને વૃક્ષોની માવજતને શિક્ષા થકી સિંચી રહ્યું છે.
ગ્રામભારતી સંસ્થા અમરાપુર ગામની જ નહીં પણ સમગ્ર જિલ્લાની ઓળખ બની ચૂકી છે. સંસ્થાના સ્થાપક અને સ્વાતંત્ર સેનાની અને જેમનું હાલમાં જન્મ શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે, તેવા મોતીભાઈ ચૌધરીએ સેવાદળની પ્રવૃત્તિઓ શરૂ કરી તેમના જાહેર જીવન દરમિયાન અનેકવિધ રચનાત્મક કાર્યો કર્યા હતા. ગ્રામજનતાની ઉન્નતી માટે તેમણે અસાધારણ પરિશ્રમ ઉઠાવ્યો. રાજકીય જીવનમાં ધારાસભ્ય, મંત્રી અને સંસદ સભ્યપદ મેળવ્યા પછી પણ તેમણે તેમનું મુખ્ય લક્ષ્ય ગ્રામજનતાનો ઉત્કર્ષ જ રાખ્યું. અને તે માટે તેઓ જીવન પર્યંત ઝઝુમતા રહ્યા.
ગાંધી વિચારની જીવનશૈલીને વરી ચૂકેલા મોતીભાઈમાં ગાંધીજીવનના રચનાત્મક કાર્યનો સુભગ સમન્વય થયો હતો. મોતીભાઈ ચૌધરીનું ગ્રામ્યજનતા માટેનું સૌથી મોટું અર્પણ એટલે અમરાપુરની આ ગ્રામભારતી ગ્રામ વિદ્યાપીઠ છે. ગાંધીજીની નઈ તાલીમની કલ્પના સાકાર કરવા માટે અહીં તેમણે ભગીરથ પ્રયાસો કર્યા. ઉગતી પેઢીને ગાંધીજીવન દ્વારા નવી કેળવણી આપવાના તેમના પ્રયોગો ખૂબ જ નોંધપાત્ર અને પ્રશંસનીય રહ્યા. જેના કારણે ગ્રામભારતી સંસ્થા આ કેળવણીની પુનઃરચનાની એક દીવાદાંડી સ્વરૂપ બની રહી ગ્રામભારતી અમરાપુર સંસ્થા જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલ છે.
જેમાં પ્રાથમિક શાળા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, ગ્રામસેવા મહાવિદ્યાલય ડોક્ટર આંબેડકર ઓપન યુનિવર્સિટી અનુસ્નાતક કેન્દ્ર, ગાંધીબાપુ છાત્રાલય, સરદાર છાત્રાલય, કસ્તુરબા કન્યા છાત્રાલય, ગોકુળ ગૌશાળા, ખેતી, બાગાયત, વનીકરણ, ખાદી ભંડાર, ઔષધીય બાગ, જેવા વિભાગો સામેલ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની બે સંસ્થાઓ ‘એન.આઈ.એફ-ઇન્ડિયા’ અને ‘સૃષ્ટિ’ પણ ગ્રામભારતીના પરિસરમાંજ છે. જેથી આ બંને સંસ્થાની સગવડો સ્થાનિક વિદ્યાર્થીઓ મેળવી પોતાના ઇનોવેશન, આઈડિયા અને સ્કિલને સરળતાથી મંચ મળે છે.
વિદ્યાર્થી આશ્રમ ગ્રામભારતી છાત્રાલયની વિશેષતા છે કે ત્યાં દરેક વિદ્યાર્થી દિનચર્યા પ્રમાણે સ્વયંશિસ્ત જાળવતો જોવા મળે છે. તેમને સવારના 5:30 થી રાત્રિના 10 સુધીની દિનચર્યા આપવામાં આવી છે એ જ પ્રમાણે તેઓ કાર્ય કરે છે. મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ‘શ્રમકાર્ય’ યોગદાન ફરજિયાત છે. જેમાં તેમણે ખેતી, પશુપાલન, સંશોધનાત્મક ફિલ્ડ વર્ક કરી 250 કલાક વર્ષ દરમિયાન કાર્ય કર્યું હોવું જરૂરી છે.ઉલ્લેખનિય છેકે મહાવિધાલય ગુજરાત યુનિવર્સિટિ સાથે સંલગ્ન છે અને બી.આર.એસ તથા એમ.આર.એસ નો અભ્યાસ વિધાર્થીઓ આ સંસ્થામાં કરી શકે છે. અહીં ગ્રામસેવા મહાવિદ્યાલય, ગ્રામ ભારતી ગ્રંથાલય નામે મોટી લાઇબ્રેરી પણ આવેલી છે, જેમાં 16,000 થી વધુ પુસ્તકો છે, અને નિયમિત પણે 51 સામયિકો પણ આવે છે. જેથી વિદ્યાર્થીઓ માટે વાંચનની સગવડ ઉત્તમ બની રહે છે.
ઉપરાંત ગ્રામ ભારતી સંકુલના પરીસર માટે એમ કહી શકાય કે, સંસ્થા પોતાનામાં આજથી 60 થી 70 વર્ષ જૂનું ભારતનું રળિયામણું ગામડું સમાવીને બેઠી છે. પ્રાંગણમાં પગ મુકતાની સાથે જ પક્ષીઓના કલરવ, વૃક્ષોની લીલીછમ છાયડી, અને ચોખ્ખી હોવાથી મન પ્રફુલિત થાય છે. પરિસરમાં 260 થી વધુ જાતિના 38,000 થી વધુ વૃક્ષો છે. જેમાં 100 થી વધુ તો જાણે પોતાનામાં આખો ઇતિહાસ સમાવીને ઉભા હોય તેવા જૂના અને મહાકાય વૃક્ષો છે. સંસ્થાની એક બીજી ખાસિયત છે કે અહીં પ્લાસ્ટિકનો સુંદર રીતે રિયુઝ કરવામાં આવે છે. પાણીની ખાલી બોટલોને કાપી અંદર સુંદર મજાના નાના છોડ વાવી પરિસરમાં આવેલ દરેક મકાનની આસપાસ લગાવવામાં આવ્યા છે. જેનાથી ત્યાંની શોભા તો વધી જ છે, પણ સાથોસાથ પ્લાસ્ટિકના વેસ્ટેજથી થતું નુકસાન પણ અટક્યું છે. વિશેષ વાત એ છે કે આ બોટલોમાં રોપવામાં આવેલા એક પણ છોડ સુકાય નહીં તેનું ધ્યાન પણ સંસ્થાના વિદ્યાર્થીઓ જ રાખે છે. છોડને પાણી પાવાના કામથી લઈ રસોડા અને ખેતર તથા સાફ-સફાઈના કામ પણ વિદ્યાર્થીઓ જાતે જ કરે છે. તેના માટે તેમને વારાફરતી જુદી જુદી નિમણૂક કરવામાં આવે છે જેમાં મહામંત્રી, સફાઈ મંત્રી, સ્વાધ્યાય મંત્રી, પાણી પ્રકાશ મંત્રી, રસોડા મંત્રી, કૃષ્ણપાત્ર મંત્રી, પ્રાર્થના મંત્રી, જેવા પદભાર આપી ભણતર સાથે તેમના જીવન ઘડતરનું પણ ઉત્તમ કાર્ય કરવામાં આવે છે.
સ્વચ્છતાના પગલે કચરાને ખાતરમાં બદલી પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ
સફાઈની વાત આવે તો સંસ્થાના પ્રાંગણમાં આટલી વિશાળ સંખ્યામાં વૃક્ષો હોવાથી સ્વાભાવિક પણે વૃક્ષોના પાંદડાનો કચરો થાયજ. પણ સંસ્થાએ એના ઉપાય સ્વરૂપે સરસ મજાનો રસ્તો શોધી કાઢ્યો છે. વૃક્ષોના થડ પર બાસ્કેટ બાંધી દેવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓજ નહીં પણ આવતા જતા દરેક શિક્ષક ઝાડના પાંદડાનો કચરો જોવા મળે તો ઉપાડીને બાસ્કેટમાં નાખી દે છે. આ બાસ્કેટ ભરાય એ પછી તેને એક જગ્યાએ ઠાલવી દેવામાં આવે છે. સંસ્થામાં રહેતા 300 થી વધુ વિદ્યાર્થીઓ માટે રસોડામાં વપરાતા શાકભાજીનો વેસ્ટેજ પણ અહીં જ નાખીને તેમાંથી પ્રાકૃતિક ખાતર તથા ઘન જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ કામમાં પણ વિદ્યાર્થીઓ સહભાગી બને છે. ઘન જીવામૃત ઉપરાંત કન્યાશાળામાં વર્મી કમ્પોસ્ટ ખાતર પણ તૈયાર કરવામાં આવે છે, અને અળસિયા ની ખેતી કરવામાં આવે છે. સંસ્થાના કૃષિ શિક્ષણના ભાગરૂપે આ પ્રક્રિયા વિદ્યાર્થીઓને શીખવવામાં પણ આવે છે.
સંસ્થાના જ ખેતરમાં આ બધું વાપરી વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલો નૈસર્ગિક પાક લેવામાં આવે છે. જેમાં ઘઉં, શાકભાજી, ડુંગળી, બટાકા વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક ખોરાકથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. કૃષિશાળા હોવાથી સંસ્થાના ખેતરોમાં પાક રોપણીથી લઈને નિંદામણ વગેરે જેવા કાર્યો પણ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય છે.
ગ્રામભારતી વિધાલયની સુવિધા,વિશેષતા અને વ્યવસ્થા
ગ્રામભારતી સંસ્થામાં માત્ર ગાંધીનગર કે તેની આસપાસ નહીં પરંતુ સુરેન્દ્રનગર, કચ્છ, ડાંગ, જેવા છેવાડાના 23 જેટલા જુદા જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવે છે. સંસ્થામાં પરિસરમાં હોમિયોપેથી દવાખાનું પણ છે. જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને વધુ સંભાળ રાખી શકાય અને તાત્કાલિક પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર મળી રહે.. અહીં નિશુલ્ક પણે દવાઓ આપવામાં આવે છે. જેનો લાભ અમરાપુરના ગ્રામજનો પણ લઈ રહ્યા છે. અહીં નાનું ઔષધીય વન વિકસાવવામાં આવ્યું છે. 250 થી વધુ ઔષધીય છોડો હોવાની સાથે સાથે તેનો ઉપયોગ પણ દર્શાવાયો છે. જેમાં દમવેલી, કદંબ,અસ્થિ જોડ, સિંદૂર, અરીઠા, મરોડફુલ, પર્ણ કુટ્ટી જેવા છોડ છે. જેનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. 10 થી વધુ કંદમૂળ પણ અહીં જોવા મળે છે જેમાં રતાળુ, સુરણ, ચાર પ્રકારની હળદર, પિંડી, શક્કરિયા, ટેપ્ટીકો એટલે કે સાબુદાણાનો છોડ, અડવી, બટાકા વગેરે જેવા કંદમૂળને અહીં ઉછેરવામાં આવ્યા છે,અને તેનો અભ્યાસ પણ કરાવાય છે.
આ ઉપરાંત ગ્રામભારતી સંસ્થા દ્વારા ત્રણ વીઘા જમીન માત્ર લુપ્ત થતા વૃક્ષો, વેલા, છોડ વગેરેનું જતન કરી બચાવવા માટે ફાળવવામાં આવી છે. જેમાં હાલમાં લુપ્તતાના આરે એવા 25 જાતિના છોડ અને વૃક્ષ ની માવજત થઈ રહ્યા છે. આ સિવાય સંસ્થામાં ફેબ્રિકેશન લેબ પણ છે. જેનાથી વિદ્યાર્થીઓ અથવા ગ્રામ્ય ખેડૂતો કોઈ ઇનોવેશન ને તુરંત આકાર આપી શકે છે.
ગ્રામભારતી વિધાલયના વર્તમાન સંચાલકો
ગ્રામ ભારતી સંસ્થાના હાલના અધ્યક્ષ રઘુવીર ચૌધરી છે. જ્યારે ટ્રસ્ટી પદે માધવ રામાનુજ તથા અમૃત પટેલ ફરજ બજાવે છે. ગ્રામભારતી ગ્રામશાળા ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં કુ. નિલેશ ચૌધરી તથા કન્યા ગ્રામ શાળામાં કુ. અંજના ચૌધરી આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે, અને મહાસાળામાં ઇન્ચાર્જ તરીકે હાલમાં આચાર્ય હર્ષદ પટેલ કાર્યરત છે. સંસ્થામાં લગભગ 30 થી વધુ શિક્ષકો અને ત્રણ ગૃહપતિ અને એક ગૃહ માતા તથા અન્ય સ્ટાફ મળી આ સંસ્થા નો વારસો જાળવી રાખવામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે.
ગ્રામભારતી ગ્રામ શાળાના વિદ્યાર્થીનીઓ વિશેષ ઉપલબ્ધિ
ગ્રામભારતી ગ્રામ શાળાના વિદ્યાર્થીનીઓ વિશેષ ઉપલબ્ધિ એટલે ‘માનક ઇન્સ્પાયર એવોર્ડ’ જેમાં ગ્રામ્ય શાળાના ધોરણ 10, 11 ના બાળકો દ્વારા કરવામાં આવેલા ઇનોવેશન ને માનક ઇન્સ્પાયર એવોર્ડ મળી ચૂક્યા છે.કિશન ઠાકોર નામના વિદ્યાર્થીએ પ્રાથમિક સારવાર કિટ મૂકી શકાય તેવું દાતરડું બનાવ્યું, જેનાથી ખેતરમાં કામ કરતા ખેડૂતને વાગે તો સમયસર તે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે 2018માં ‘માનક ઇન્સ્પાયર એવોર્ડ’આપવામાં આવ્યો. 2022 માં મોહિત વનાડીયા એ કારમાં એક્સિડન્ટથી બચવા ફ્રન્ટ ભાગમાં પણ કેમેરા લગાડવાનું વિચાર આવતા તેમને પણ માનક ઇન્સ્પાયર એવોર્ડ આપવામાં આવેલ છે, 2022 માંજ સાહિલ દેસાઈએ પશુના છાણ ઉપાડવા માટેની ખાસ ડિવાઇસ શોધી છે જેથી પશુપાલકોનું કામ સરળ બની રહ્યું.તેને પણ આ અવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યો. હાલમાંજ કાંતિ મેર નામના વિધાર્થીએ સીસી કેમેરામાં એવી ચિપ્સ શોધી છે કે પાવર કટ થાય છતાં પણ સીસી કેમેરા વર્ક કરતા રહે, જેના માટે હાલમાંજ 2023માં તેને અવોર્ડ અપાયો છે.
દર વર્ષે આ એવોર્ડ રાષ્ટ્રપતિ અથવા પૂર્વ રાષ્ટ્રપતિ ના હસ્તે આપવામાં આવે છે ભારતના માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ , પ્રણવ મુખરજી તથા રામનાથ કોવિંદ જેવા મહાનુભાવો લઈ આ સંસ્થાની મુલાકત લઈ ચૂક્યા છે.પાટનગરના પટાંગણમાં એક સુંદર મજાની સંસ્થા ગ્રામભારતી ભારતના પરંપરાગત ગ્રામ્ય જીવન અને સંસ્કૃતિને જીવંત રાખી એક સુંદર કાર્ય કરી રહી છે. જે આપણા સૌ માટે અને ગાંધીનગર માટે ખૂબ જ ગૌરવની વાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.