ઘર કા ભેદી લંકા ઢાયે:ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ સાઈટ પરથી લોખંડના સળિયા ચોરીનું નેટવર્ક ઝડપાયું, કંપનીના ડ્રાઇવર અને હેલ્પર જ ચોરીને અંજામ આપતાં હતા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની સાઈટ પરથી લોખંડના સળિયા ચોરીને બારોબાર વેચી મારવાનો વેપલો સિક્યુરિટી સુપરવાઈઝરે ચ - 0 સર્કલ નજીકથી પકડેલા ભંગારીયાની પૂછતાંછમાં બહાર આવ્યો છે. ત્યારે આ ચોરીને કંપનીના ડ્રાઇવર - હેલ્પરે અંજામ આપતાં હોવાનું બહાર આવતાં "વાડ જ ચીભડા ગળતી" જેવો ઘાટ ઘડાયો છે. આ મામલે સેકટર - 7 પોલીસ મથકમાં ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.

30 કિલો વજનના લોખંડના સળિયા ચોરાઈ ગયા
અમદાવાદની ખાનગી સિક્યુરિટી એજન્સીનો મેટ્રો પ્રોજેક્ટમાં આર.બી.એલ. કંપનીમાં કોન્ટ્રાક્ટ ચાલુ છે. આ સીક્યુરીટીના પોઇન્ટ ગાંધીનગરમાં યશ પ્લાઝા રાયસણથી લઇ સેક્ટર - 3, ચ - 2 સર્કલ સુધી ચાલે છે. ત્યારે ફરજ પર હાજર સિક્યુરિટી સુપરવાઇઝર અતુલ ચાવડાને માલુમ પડયું હતું કે ચ - 2 સર્કલ પાસે સેકટર - 1 ના કટ સામેની ખુલ્લી જગ્યામાં મુકેલ 32 MM ની જાડાઈનાં 30 કિલો વજનના લોખંડના સળિયા ચોરાઈ ગયા છે. જે અંગે કંપનીના માણસોની પૂછતાંછ કરવાં છતાં ક્યાંય પત્તો લાગ્યો ન હતો.

પેડલ રિક્ષામાં સળિયા ભરીને જતો ભંગારીયાને ઝડપી લેવાયો
ત્યારે ગઈકાલે સવારે સાડા છ વાગ્યાના અરસામાં એક ઈસમ પેડલ રિક્ષામાં કોબા તરફથી ચ- 0 તરફ સળીયા ભરીને આવી રહ્યો છે. જેને સેકટર - 1 માં જવાના કટ પાસેથી ઝડપી લઈ પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ જગદીશ દેવીલાલ તેલી (રહે-ધોળાકુવા) અને લોખંડના સળિયા નારણજીએ તેના ટ્રેલરમાથી ઉતારી રૂ. 1600 માં વેચ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી સુપરવાઇઝર સળિયા લઈને કંપનીમાં તપાસ કરતાં ચોરી પાછળ કંપનીનાં ડ્રાઇવર બાબુલાલ મગીલાલ ડામોર (રહે-આંતરી ગામ તા, જી-ડુંગરપુર) નો હાથ હોવાની હકીકત બહાર આવી હતી.

સેકટર - 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
બાદમાં ડ્રાઇવરની પણ કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે કબુલાત કરી હતી કે રાતના સમયે સેકટર - 1 માંથી હેલ્પર નારાયણ ડામોરની મદદગારીથી લોખંડના સળિયા ચોરીને વેચી માર્યા હતા. આમ વાડ જ ચીભડા ગળતી હોવાનું બહાર આવતા સિક્યુરિટી સુપરવાઇઝર અતુલ ચાવડાએ ઉક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ સેકટર - 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...