તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારાસભ્યના ઘરમાં ચોરીનો મામલો:કલોલમાં બળદેવજી ઠાકોરના ઘરમાં થયેલી ચોરી પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામા આવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલોલમાં સતત ચોરીની ઘટનાઓ બનતા પોલીસ વડાએ સ્થાનિક પોલીસ પાસેથી તપાસ આંચકી લીધી

ગાંધીનગર જિલ્લાના કલોલ ના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનાં બંગલામાં થયેલી રૂ. 8.51 લાખની ઘરફોડ ચોરી પ્રકરણ ની ગંભીર નોંધ લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ - 2 ને તપાસ સોપવામાં આવતા જ ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તસ્કરોનું પગેરૂ શોધી કાઢવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો એ માઝા મુકતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે સામાન્ય પ્રજાની સાથે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનાં બંધ બંગલામાં તસ્કરો પાછળના ભાગથી પ્રવેશી અને મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર ઘૂસ્યા હતા. બાદમાં તસ્કરો એ ઠંડા કલેજે સ્થાનિક પોલીસની ગાઢ નિદ્રાનો લાભ ઉઠાવી બંગલાનો સામાન ફેંદી નાંખી રૂ. 2 લાખ રોકડા, બે રાડો ની ઘડિયાળ, સોનાના દાગીના, ત્રણ એલ ઈ ડી ટીવી, ડીવીઆર, રાઉટર મળી કુલ રૂ. 8.51 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા.

જેનાં પગલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા એ પણ બંગલાની મુલાકત લીધી હતી. ઉપરાંત ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ - 2 નાં ઈન્સ્પેક્ટર હરદીપસિંહ ઝાલા પણ પોતાના કાફલા સાથે સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે ડોગ સ્કવોડ તેમજ એફએસએલની ટીમને બોલાવી તપાસ શરૂ કરી હતી. ત્યારે ખાસ તાલીમ પામેલ ડોગ બંગલાથી ચોરનું પગેરૂ શોધતો બોરીસણા કેનાલ સુધી ગયો હતો જ્યાંથી તે બંગલાની સામે આવેલ અમૂલ પાર્લર આવીને અટકી ગયો હતો. જેનાં પગલે તસ્કરોએ બંગલામાં ચોરીની ઘટના ને અંજામ આપતા પહેલા બે કલાક સુધી આ વિસ્તારની રેકી કરી હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું.

આ દરમિયાન પોલીસને કોઈ વાહનના ટાયરના નિશાન પણ મળી આવ્યા હતા. ત્યારે તસ્કરોએ નીચેના માળેથી ચોરી કર્યા બાદ ઉપરના માળે રાખવામાં આવેલા સેફ લોકરને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેનું તાળું તસ્કરો થી તૂટયું ન હતું. જો લોકર તૂટયું હોત તો ઘરફોડ ચોરીનો આંકડો મોટો આવી શકતો હતો. કેમ કે લોકર માં ધારાસભ્ય ના પુત્રના સાળાનાં કીમતી દાગીના રાખવામાં આવ્યા હતા. થોડા વખત અગાઉ પણ આજ એમ ઓ થી કલોલના પંચવટી વિસ્તારમાં રહેતા જાણીતા તબીબ નો પરિવાર ગાઢ નિદ્રામાં હતો.

તે વખતે તસ્કરો તેમના મકાનમાં પાછળના ભાગથી ઘૂસીને દરવાજાનું તાળુ તોડી અંદરથી રોકડ રકમ સહિત દાગીના ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે કલોલ પોલીસની નિષ્ક્રિય કામગીરીની નોંધ લઈ સ્થાનિક પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ જિલ્લા પોલીસ વડાએ ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ નાં ઈન્સ્પેક્ટર હરદીપસિંહ ઝાલાને તપાસ સોંપી દેવામાં આવી છે. ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસી ટીવી ફુટેજ સહિત ટેકનિકલ સર્વેલન્સ થકી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...