તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Intelligence Bureau, Which Is Playing An Active Role In The Run up To The Elections, Unaware Of The Religious Gathering, Has Started Rumbling In The Police Force.

બેદરકારી:ચૂંટણી ટાણે સક્રિય ભૂમિકા ભજવતી ઈન્ટેલિજન્સ બ્યૂરો ધાર્મિક મેળાવડાથી અજાણ, પોલીસ બેડામાં ગણગણાટ શરૂ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક સરઘસોથી સ્થાનિક પોલીસની સાથે ઈન્ટેલિજન્સ એજન્સી પણ અંધારામાં રહી

ગાંધીનગરમાં ચૂંટણી સમયે રાતદિવસ ખડેપગે સક્રિય ભૂમિકા અદા કરી સરકારને પળે પળની અપડેટ આપતી રહેતી ઈન્ટેલિજન્સ બ્યૂરોની ટીમ સમગ્ર જીલ્લા માં એક્ટિવ છે. છતાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ ગામોમાં નીકળી રહેલા ધાર્મિક સરઘસોથી અજાણ રહેતા પોલીસ બેડામાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે.

જાગૃતિ લાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણી ચડાવવાની ધાર્મિક વિધિઓ માટે ધાર્મિક મેળાવડા યોજાઈ રહ્યાં છે. તેમ છતાં પોલીસને તેની ગંધ સુદ્ધાં આવતી નથી. બાદમાં ધાર્મિક સરઘસનાં વીડિયો વાયરલ થયા પછી સ્થાનિક પોલીસ દોડતી થઇ જતી હોય છે. અત્યાર સુધીમાં ગાંધીનગરના રાયપુર, બિલાસણાં ગામમાં ધાર્મિક મેળાવડો યોજાઈ ચૂક્યો હતો. જેના પગલે ગાંધીનગર પોલીસ દ્વારા અગમચેતી પગલાંનાં ભાગરૂપે ઘણાં દિવસથી જીલ્લાનાં તમામ ગામના સરપંચો તેમજ સ્થાનિક આગેવાનો સાથે મિટિંગ યોજી જાગૃતિ લાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા ગામના સરપંચોનું વોટ્સઅપ ગ્રુપ બનાવી જરૂરી સલાહ સૂચનો પણ આપવામાં આવ્યા હતા. તે સિવાય પણ ગામમાં એક ટાઇમ સ્થાનિક પોલીસ દ્વારા પણ રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે.

ઈન્ટેલિજન્સ એજન્સી પણ અંધારામાં રહી

તેમ છતાં કલોલના પલોડીયાં ગામમાં ધાર્મિક વિધિ માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા અને ગરબાના તાલે ઝૂમીને પાણી ચડાવવાની વિધિ પણ સંપન્ન કરી દીધી હતી. જેનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે 35 લોકો સામે ગુનો પણ નોંધી દીધો છે. ત્યારે સ્થાનિક પોલીસની સાથે ઈન્ટેલિજન્સ એજન્સી પણ અંધારામાં રહી હોવાની પોલીસ બેડામાં ચર્ચાઓએ જોર પકડયું છે.

ધાર્મિક મેળાવડા પર ચોક્કસથી અંકુશ મેળવી શકાય

ગાંધીનગર વિધાનસભા સભા તેમજ સ્થાનિક ઉપરાંત કોર્પોરેશનની ચુંટણીમાં સક્રિય રીતે ભૂમિકા અદા કરતી ઈન્ટેલિજન્સ એજન્સી પણ કોઈ કારણોસર ઊંઘતી ઝડપાઈ છે. સરકાર વિરોધી હલચલની પળે પળની અપડેટ મેળવી સરકાર સુધી પહોંચતી કરતી ઈન્ટેલિજન્સ એજન્સીની ટીમ ગાંધીનગરનાં ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયેલ ધાર્મિક કાર્યક્રમોથી અજાણ રહેતા પોલીસ બેડામાં પણ હવે તેની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જો ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા સરકારને પળ પળની રાજકીય અપડેટ પૂરી પાડવામાં આવતી હોય તે રીતે ગામોની પણ અપડેટ જિલ્લા વડા સુધી પહોંચતી કરાય તો આવા ધાર્મિક મેળાવડા પર ચોક્કસથી અંકુશ મેળવી શકાય તેમ છે.

ઘરે રહીને પણ વિધિ કરી શકાય છે

આ અંગે કલોલ ડીવીઝન ડીવાયએસપી વી.એન.સોલંકીએ જણાવ્યું હતું કે, ચૈત્ર મહિના દરમિયાન ધાર્મિક પૂજન વિધિ થતી રહેતી હોય છે. ઘણા ગામમાં પોલીસ દ્વારા સરપંચો સાથે મિટિંગ કરીને આવા ધાર્મિક મેળવડા અટકાવી દેવામાં પણ આવ્યા હતા. જ્યારે નાયબ પોલીસ અધિક્ષક એમ.કે.રાણાએ કહેલ કે ગ્રામ્ય વિસ્તારમાં માઇક દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં અજ્ઞાનતાનાં કારણે ગામમાં પાણી ચડાવવાની વિધિ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. અને પછી એ જ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. ઘણીવાર સરપંચો પણ આવા ધાર્મિક કાર્યક્રમ ની જાણ પોલીસને કરતા નથી. હાલ ચાલતા કોરોના કાળમાં ધાર્મિક વિધિ સમૂહમાં ભેગા થઈ કરવાનો કોઈ મતલબ નથી. ઘરે રહીને પણ વિધિ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...