સાસરિયા સામે ફરિયાદ:પત્ની બીમાર પડતાં સારવારનાં બદલે પતિ - સસરા કંકુવાળું પાણી આપી તાંત્રિક વિધિ કરતાં, કાકી સાસુએ સંમતિ વિના જ પરિણીતાનું ગર્ભાશયનું ઓપરેશન કરાવી દીધું

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીનગરની યુવતીને દાહોદના યુવક સાથે લગ્ન કરવા ભારે પડ્યા, પાંચ સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધાયો

ગાંધીનગરની યુવતીને સારવાર કરાવવાની જગ્યાએ દાહોદમાં પતિ - સસરાએ કંકુવાળું પાણી પીવડાવી તાંત્રિક વિધિ કરવાની સાથે તેણીની સંમતિ વિના જ કાકી સાસુએ ગર્ભાશયનું ઓપરેશન કરાવી દઈ દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ આપતાં ગાંધીનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આજના આધુનિક યુગમાં પણ મેડિકલ સુવિધાની અજ્ઞાનતાનાં કારણે રાજયના અંતરિયાળ ગામડામાં આજે પણ દવા કરવાનાં બહાને તાંત્રિક વિધિને પ્રાધાન્ય આપવામાં આવતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાહોદમાં રહેતાં સંજલી ખાતે આંકડા મદદનીશ તરીકે ફરજ બજાવતા સસરા અને હાલોલ તાલુકા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે નોકરી કરતા પતિએ ગાંધીનગરની યુવતીને દહેજ માટે એટલી હદે ત્રાસ આપ્યો હતો કે નાછૂટકે તેને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવાનો વખત આવ્યો છે.

ગાંધીનગરના પોર ગામે રહેતી સુમિત્રાના લગ્ન 29 ઓગસ્ટ 2013 માં દાહોદના ફતેપુરા તાલુકાનાં સરસવા ગામનાં શંકરભાઈ બારીયાનાં દીકરા સંજય સાથે સામાજિક રીતે થયા હતા. જો કે એક વર્ષ સારું રાખ્યા પછી સાસરિયાઓનાં રંગઢંગ બદલાવા લાગ્યા હતા. તો સુમિત્રા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હોવાથી પિયર રહેવા આવી ગઈ હતી. જેની સાથે તેનો પતિ સંજય પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસ કરવા સાસરીમાં ઘર જમાઈ થઈને રહેવાં આવી ગયો હતો. જે એક વર્ષ સુધી ગાંધીનગરમાં સાસરીમાં રહ્યા પછી પરત દાહોદ જતો રહ્યો હતો. પરંતુ સુમિત્રાને તેડી જવાની દરકાર કરતો ન હતો.

આખરે સુમિત્રા સામે ચાલીને પતિ સાથે રહેવા માટે સાસરીમાં ગઈ હતી. પરંતુ સાસુ લીલાબેન નાની નાની બાબતોમાં વાંધા વચકા કાઢી ગાળો ભાંડતા રહેતા હતા. ચાર વર્ષ સુધી સુમિત્રાને બાળક ન થતાં કાકી સાસુ નીરૂબેન મહેણાં ટોણાં મારતા રહેતા હતા. અને તેણીની સંમતિ વિના જ કાકી સાસુએ સુમિત્રાનું ગર્ભાશયની ચરબીની ગાંઠનું ઓપરેશન પણ કરાવી દીધું હતું. જ્યારે નણંદ રીના પણ ત્રાસ આપવાની કોઈ કસર બાકી રાખતી ન હતી. તે જમવા બાબતે ખામીઓ કાઢી જમવાનું જ ફેંકી દેતી હતી.

આ બધી તકલીફો વચ્ચે સુમિત્રાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ રાખી હતી. જેનાં ફલસ્વરૂપ વર્ષ - 2017 માં છોટા ઉદેપુરમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં કલાર્ક તરીકે સુમિત્રાને નોકરી મળી ગઈ હતી. એટલે પોતાના પગારમાંથી બચત પેટેનાં પૈસા તેણે આપવાની શરૂઆત કરી હતી. પરંતુ સસરાને તે ઓછા પડતાં હતાં. અને સાસરિયાંની ચઢવણીથી પ્રેરાઈને સંજય દહેજ માટે સુમિત્રા સાથે મારઝૂડ કરી જાન થી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. આ દરમ્યાન સંજયને કોરોના થતાં તેની સારવારનો ખર્ચ પણ સુમિત્રાએ ઉઠાવ્યો હતો. એટલે સુધી કે સસરા શંકરભાઈને જમીન ખરીદવી હોય એના પૈસા પણ સુમિત્રા પાસે પતિ - સસરા માંગતા હતા.

પરંતુ પતિની સારવારમાં રૂપિયા ખર્ચ થઈ જતાં સુમિત્રાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. એવામાં સુમિત્રા બીમારીમાં સપડાઈ હતી. ત્યારે તેને દવાખાને લઈ જવાની જગ્યાએ પતિ - સસરાએ કંકુવાળું પાણી પીવડાવી તાંત્રિક વિધિ શરૂ કરી દીધી હતી. આટલું ઓછું હોય તેમ એક દિવસ પતિના અવૈધ સંબંધોની જાણ થતાં સુમિત્રા ના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેનાં કારણે પણ ઘરમાં ઝગડા થવા લાગ્યા હતા. બાદમાં કાકા સસરાની અંતિમ વિધિ પૂર્ણ કરી સુમિત્રા નોકરી પર હાજર થઈ ગઈ હતી.

પરંતુ પતિ સંજય ના તો તેને ફોન કરતો કે ના તો તેની સાથે કોઇ જાતના સંબંધો સુમિત્રા સાથે રાખતો. આ બાબતે સામાજિક રાહે પણ સમાધાન કરવાની પ્રયાસો નિષ્ફળ નિવડતા આખરે હારી થાકીને સુમિત્રાએ સાસરિયા વિરુદ્ધ ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...