આડેધડ પાર્કિંગથી હવે મુક્તિ મળશે:મનપા દ્વારા પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગનો માસ્ટર પ્લાન બનાવવાની શરૂઆત

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલો નિર્ણય, માસ્ટર પ્લાન તૈયાર કરવા કામગીરી સોંપાઇ

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં હાલ આડેધડ પાર્કિંગ અને દબાણની સમસ્યાઓ છે. ત્યારે મનપા દ્વારા બંને સમસ્યાઓનું સમાધાન મળે તે દિશામાં પ્રયત્નો શરૂ કરાયા છે. સ્થાયી સમિતિ ચેરમેન જશવંત પટેલની અધ્યક્ષતામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે. જેમાં શહેર માટે પાર્કિંગ તથા સ્ટ્રીટ વેન્ડિંગ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કામગીરી સોંપાઈ છે.

અમદાવાદ સ્થિત અર્બન મેનેજમેન્ટ કન્સલટન્ટને કામગીરી સોંપાઈ
શહેરની ટ્રાફિકની સમસ્યા તેમજ ગેરકાયદેસર લારી-ગલ્લાનાં દબાણોના પ્રશ્નોના નિવારણ થાય તે માટે અમદાવાદ સ્થિત અર્બન મેનેજમેન્ટ કન્સલટન્ટને કામગીરી સોંપાઈ છે. એજન્સી દ્વારા 4 મહિનામાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડરનો માસ્ટર પ્લાન તૈયાર કરીને આપશે. જે કામ માટે મનપા એજન્સીને 23.20 લાખ રૂપિયા ચુકવી આપશે.

માટે સરવે કરીને નાગરિકોનો પ્રતિભાવો પણ લેવાશે
​​​​​​​​​​​​​​
એજન્સી દ્વારા શહેરમાં ક્યાં કેટલો ટ્રાફિક રહે છે, ક્યાં પાર્કિંગની વધુ જરૂરિયાત છે, ક્યાં પેઈડ પાર્કિગ અને ક્યાં ફ્રી પાર્કિંગ ઉભા કરી શકાય તે અંગે રિપોર્ટ તૈયાર કરાશે. આ માટે સરવે કરીને નાગરિકોનો પ્રતિભાવો પણ લેવાશે. નાગરિકોના વાંધાસૂચનો મેળવી જરૂરિયાત મુજબના ફેરફાર કરીને મનપા દ્વારા સરકારમાં આખરી મંજૂરી માટે મોકલાશે.

લારી-ગલ્લા ધારકો માટે જગ્યા નક્કી કરાશે
કેન્દ્ર સરકાર સાથે રાષ્ટ્રીય આજીવિકા મિશનમાં સંકળાયેલ સંસ્થા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગનો પ્લાન પણ તૈયાર કરશે. જેમાં ફેરિયાઓના થયેલા સરવે મુજબ શહેરમાં તેઓને ફાળવવાની જગ્યાઓનો માસ્ટર પ્લાન તૈયાર કરાશે. જે લાગતા વળગતા વેપારીઓના પરામર્શમાં રહીને તૈયાર કરાશે. બંને માસ્ટર પ્લાન તૈયાર થયા બાદ તેના અમલથી પાટનગરમાં પાર્કિંગ અને દબાણોની સમસ્યાનું નિવારણ થાય તે હેતુ મનપાનો છે. શહેરના વિકાસ તથા શહેરીજનોની જરૂરિયાત ધ્યાન ે લઇ ફેરીયાઓને આજીવિકાના સ્થળ નક્કી કરીને જે હયાત માર્કેટોને દબાણમુક્ત કરવાનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે.

મનપાની પાર્કિંગ પોલિસીમાં સૂચિત દરખાસ્તો
શહેરનો પાર્કિંગ માસ્ટરપ્લાન

શહેરને વિવિધ ઝોનમાં વિભાજીત કરી ઝોન વાઈઝ લોકલ એરિયા લેવલ પર કરેલી આકારણી દ્વારા ડેટેલ્ડ પાર્કિંગ માસ્ટર પ્લાન તૈયાર કરાશે.

હયાત પાર્કિંગનું અમલીકરણ
જે તે મકાનોમાં બાંધકામ પરવાનગી વખતે મંજૂર કરવામાં આવેલી પાર્કિંગની જગ્યાઓમાં જ પાર્કિંગનો અમલ થાય તેવા પગલાં લેવાશે તેમજ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી થશે.

પાર્કિંગ ફી લેવાશે
વિસ્તારોને આધારે પાર્કિંગ માટે વપરાતી જમીનોની કિંમત તથા અન્ય બાબતો ધ્યાને લઇ પાર્કિંગના દર નક્કી થશે. આ દરો દર અઢી વર્ષે કોર્પોરેશન દ્વારા રિવાઇઝ કરવામાં આવશે.

ઓનસ્ટ્રીટ પાર્કિંગ પર નિયંત્રણ
ઓનસ્ટ્રીટ પાર્કિંગની ફેસિલિટી અહીં અપાય, જ્યાં તે અપાય ત્યાં ટ્રાફિક અને જાહેર પરિવહનની પ્રાધાન્ય અપાશે.

ઓફસ્ટ્રીટ પાર્કિંગને પ્રોત્સાહન
જે સ્થળે પાર્કિંગ આપવાની જરૂર જણાય ત્યાં ઓફસ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા અપાશે.

આડેધડ અને ગેરકાયદે પાર્કિંગ પર રોક
પાર્કિંગ ગેરશિસ્તને નાબૂદ કરવા નો પાર્કિંગમાં પાર્ક થયેલા વાહનોને જપ્ત કરવા, દંડ વસૂલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...