નાટ્યાત્મક અપહરણ:ઈન્ફોસિટીનાં વેપારીનું 3.55 કરોડની ઉઘરાણીમાં નવ શખ્સોએ અપહરણ કર્યું, ફિલ્મી સ્ટાઈલમાં ખાટલાએ બાંધી સિગારેટના ડામ આપી છોડી દીધો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટીલના સળિયાના હોલસેલ વેપારી અને તેના મિત્રને આખે પાટા બાંધી અજાણ્યા ફાર્મ હાઉસમાં ગોંધી રાખી માર માર્યો
  • અપહરણ કરનાર વેપારીઓ પૈકી એક શખ્સ પાછો ઈન્ફોસિટી પણ મૂકી ગયો

ગાંધીનગરના ઈન્ફોસિટી સુપર મોલમાં સ્ટીલ લોખંડનાં સળિયાનો હોલસેલ વેપાર કરતાં વેપારી અને તેના મિત્રને રૂ. 3 કરોડ 55 લાખની બાકી ઉઘરાણી માટે નવ વેપારીઓએ અપહરણ કરી આંખે પાટા બાંધી અજાણ્યા ફાર્મ હાઉસમાં લઈ જઈ ફિલ્મી ઢબે ખાટલા સાથે બાંધી દઈ સિગારેટનાં ડામ આપી ગડદાપાટુનો માર મારી ગોંધી રાખી નાટયાત્મક રીતે છોડી દેવાયા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધંધા પેટે રૂ. 3 કરોડ 55 લાખ આપવાના હતા
ગાંધીનગરના ઈન્ફોસિટી સુપર મોલ - 1માં સ્ટીલ લોખંડના સળિયાનો હોલસેલ વેપાર કરતાં 32 વર્ષીય નિકેતન જાદવે નોંધાવેલી ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેને અમદાવાદના સિંધુ ભવન ખાતે યલો મેપલ બિલ્ડિંગમાં રહેતા રામઈસ્પાક કંપનીના અનુજ લક્ષ્મીકાંત શરાફને ધંધા પેટે રૂ. 3 કરોડ 55 લાખ આપવાના નીકળે છે. જેથી અનુજ પૈસાની ઉઘરાણી કર્યા કરતો હતો. જેનાં પગલે 10 મી જુલાઈના રોજ પ્રોપર્ટી મોર્ગેજ કરવા માટે જમીનના પેપર લઈને અડાલજના વૈશ્વદેવી સર્કલ પાસેના શંભુ કેફે માં અનુજને મળવા માટે ગયો હતો. ત્યારે તેની સાથે તેનો મિત્ર અમિત પણ હતો.

અનુજે નિકેતનને લાફો મારી ગાડીને સેન્ટ્રલ લોક કરી દીધી
જ્યાં અનુજના પિતા લક્ષ્મીકાંત પણ આવ્યા હતા. જેમણે પ્રોપર્ટીના કાગળો બતાવવા માટે રાકેશ પટેલની ઓફિસે જવાની વાત કરી હતી. જેથી બંને મિત્રો નિકેતન અને અમિત અનુજની ગાડીમાં બેસી ગયા હતા. અને આગળ જઈને અનુજે ગાડી કે.ડી હોસ્પિટલ તરફ વાળી દીધી હતી. જે અંગે પૂછતાં જ અનુજે નિકેતનને લાફો મારી ગાડીને સેન્ટ્રલ લોક કરી ધમકી આપીને ગાડી સાઉથ બોપલ સહજાનંદ ટ્રેડલિંકનાં રશ્મિનભાઈનાં ગોડાઉનમાં લઈ ગયો હતો. જ્યાં બધાને ઉતારી લક્ષ્મીકાંત એકલા રવાના થઈ ગયા હતા.

મોબાઇલ, પર્સ, કાંડા ઘડિયાળ અને ગાડીની ચાવી લઈ લીધી
બાદમાં ગોડાઉનની ઓફિસમાં રાકેશ પટેલ અને મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ વાળા યાજ્ઞિકભાઈ,બ્રિસકોન કંપનીનાં જે કે અગ્રવાલ,ગણેશ ટ્રેડલિંકનાં કનુકાકા,જ્યોતિ ટ્રેડલિંકનાં આસિફભાઈ વગેરે હાજર હતા. જેઓએ પ્રોપર્ટીના કાગળો ફેંકી દઈ બંનેના મોબાઇલ, પર્સ, કાંડા ઘડિયાળ અને ગાડીની ચાવી લઈ ગાળાગાળી કરવા લાગ્યા હતા.જ્યારે રાકેશ પટેલે ખેલ ખત્મ કરવાની વાત કરી અમિતને તું પ્રવેજ છે અમિત નહીં એમ કહી માથાકૂટ કરવા લાગ્યા હતા.

આંખે પાટા બાંધી ચારેક માણસો અજાણ્યા ફાર્મ હાઉસમાં લઈ ગયા
એ સમયે એમ એસ ટ્રેડિંગ વાળા સુનીલભાઈ પણ આવી ગયા હતા. જેમને પણ નિકેતને રૂ. 2 લાખ 80 હજાર આપવાના બાકી છે. આથી સુનીલભાઈએ પણ પૈસાની ઉઘરાણી કરી હતી. આમ ને આમ રાત પડી જતાં બન્ને મિત્રોને અલગ અલગ કેબીનમાં રાખી ખુરશીમાં હાથ પગ બાંધી બધાએ વારા ફરતી માર માર્યો હતો. અને બીજા દિવસે આંખે પાટા બાંધી ઘસડીને ઈકો કારમાં નાખીને ચારેક માણસો કોઈ ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા.

નિકેતનને ખાટલા સાથે તેમજ અમિતને ખુરશી સાથે બાંધી દીધા હોવાનો દાવો
અહીં નિકેતન અને અમિતને માર માર્યો હતો. તો નિકેતનને ખાટલા સાથે તેમજ અમિતને ખુરશી સાથે બાંધી દીધા હતા. અને કોઈ ઈસમે અમિતને શરીરે સિગારેટના ડામ દીધા હતા. બીજા દિવસે સુનીલભાઈ આવ્યા હતા અને તેમણે નિકેતનને કહ્યું હતું કે મારાથી તારી આવી હાલત જોવાતી નથી કહીને શર્ટ બદલાવી આંખે પાટા બાંધીને ગાડીમાં બોપલ લઈ ગયા હતા. અહીં નિકેતનને તેની ગાડી આપીને સુનીલભાઈ ઈન્ફોસિટીએ મૂકવા પણ આવ્યા હતા. તેમજ પર્સ, ઘડિયાળ, મોબાઈલ પણ પરત કર્યો હતો.

ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પણ ચાંદખેડા પોલીસ મથકે દાખલ થઈ
વધુમાં નિકેતને દાવો કર્યો છે કે, આ વખતે અનુજ પણ ઈન્ફોસિટી આવ્યો હતો. જેણે આ વાત કોઇને નહીં કરવાની ધમકી પણ આપી હતી. જો કે ઈન્ફોસિટી પહોંચીને નિકેતને તેના ભાઈ મહેશને લોકેશન મોકલી આપ્યું હોવાથી તે પણ આવી ગયો હતો. તો તેના ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પણ ચાંદખેડા પોલીસ મથકે દાખલ કરાઈ હતી. જેનાં પગલે પોલીસ મથકે જઈને સારવાર કરાવવા માટે સોલા અને અસારવા હોસ્પિટલમાં ગયા હતા. આમ નાટયાત્મક રીતે નિકેતન અને તેના મિત્ર અમિતનો છુટકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...