ભાસ્કર એક્સક્લુઝિવ:કોરોનાથી ગભરાવાની નહીં, સાવચેતીની જરૂર, ગાંધીનગર સિવિલના સંક્રમિત થયેલા તબીબોએ ‘ભાસ્કર’ના માધ્યમથી લોકોને અપીલ કરી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના 5 તબીબ કોરોનાથી સંક્રમિત થયા છે. આ તમામ તબીબો ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે. માઇક્રોબાયોલૉજી વિભાગના વડા ડૉ. ગૌરીશંકર શ્રીમાળી અને મેડિસીન વિભાગના વડા ડૉ. દિનકર ગોસ્વામી તથા તેમનાં તબીબપત્ની ડૉ. નીશાબહેને ‘દિવ્ય ભાસ્કર’ના માધ્યમથી લોકોને કોરોનાથી ગભરાવાની નહીં, પરંતુ સાવચેત રહેવા અંગે અપીલ કરી હતી.

ઘરમાં અને બહાર જતી વખતે N-95 માસ્ક પહેરવું જોઈએ, 3 દિવસમાં લક્ષણો દૂર થઈ જાય છે
ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના માઇક્રોબાયોલૉજી વિભાગના એચઓડી ડૉ. ગૌરીશંકર શ્રીમાળી સંક્રમિત થતાં ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે. જોકે ઘરેથી પણ કર્મચારીઓને ફોન ઉપર માહિતી આપી રહ્યા છે. તેમના મતે ઘરમાં અને બહાર જતી વખતે એન-95 માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ. પૌષ્ટિક અને ગરમ આહાર લેવો જોઈએ. ગરમ પાણીના કોગળા કરવા જોઈએ, હળવી કસરત કરવી જોઈએ. કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે ત્યારે સામાજિક અંતર રાખવું અને માસ્ક પહેરવો જોઈએ. લીંબું પાણી અને ફળ ખાવા જોઈએ. ત્રણેક દિવસમાં લક્ષણો દૂર થઈ જાય છે પરંતુ સરકારી ગાઇડલાઇન મુજબ 7 દિવસ ક્વૉરન્ટાઇન રહેવું જોઈએ.

હળવું ગરમ ભોજન, પુષ્કળ પાણી ને 3 વાર ઉકાળો પીવો, 6 મિનિટચાલીને ઑક્સિજન તપાસો
સિવિલના મેડિસીન વિભાગના એચઓડી ડૉ. દિનકર ગોસ્વામી અને તેમનાં પત્ની ડૉ. નિશાબહેન, બંને સંક્રમિત થયાં છે. તેઓના મતે હળવું ગરમ ભોજન લેવું, ભૂખ્યા ન રહેવું અને હળવી કસરત કરવી જોઈએ. સમયસર નાસ લેવો, લીંબુ પાણી તેમજ હળદર, અજમો, લવિંગ, આદું, તુલસીનો ઉકાળો દિવસમાં 3 વાર પીવો જોઈએ. ડાયાબિટીસ, બીપીના દર્દીઓ સંક્રમિત થાય તો વિશેષ કાળજી લેવી જોઈએ. સતત 3 દિવસ સુધી તાવ અને શરદી કે ખાંસી મટે નહીં તો તબીબની સલાહ મુજબ દવા લેવી. 6 મિનિટ ચાલીને ઑક્સિમીટરથી ઑક્સિજન લેવલ ચેક કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...