ગાંધીનગરનાં સર્કલો, કોમર્શિયલ બિલ્ડીંગો સહિતના સ્થળોએ આડેધડ વાહન પાર્કિંગની સમસ્યા તેમજ નિયમો નેવે મૂકીને ઘેટાં બકરાંની સ્કૂલના બાળકોને ભરીને દોડતી સ્કૂલ વાન અને રીક્ષાઓ દોડતી હોવા છતાં ટ્રાફિક મેનેજમેન્ટ ખોરવાઈ જતાં આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવા માટે ગાંધીનગર શહેર વસાહત મહા સંઘ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગરનાં વિકાસની સાથોસાથ વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એકતરફ મેટ્રો રેલ, ઘરે ઘરે પાણીની પાઈપ લાઈનો બિછાવવા સહિતની કામગીરી ચાલી રહી હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો રોજના થઈ ગયા છે. એમાંય વળી ગાંધીનગરના કોમર્શિયલ બિલ્ડીંગોમાં ભોંયરામાં અલાયદી પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં આડેધડ વાહનો પાર્ક થતાં રસ્તાઓ સાંકડા બની ગયા છે.
આ અંગે શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના સેકટર - 6 અપના બજાર, સેકટર - 21 શાક માર્કેટ, સેકટર - 24 માર્કેટ સહિતના વિસ્તારમાં કોર્પોરેશન તંત્ર ધ્વારા અલાયદી પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ અહીં દબાણકારોએ અડીંગો જમાવી દીધો હોવાથી આડેધડ વાહન પાર્કિંગની સમસ્યા એની એજ સ્થિતિમાં રહી છે. બીજી તરફ શહેરના સર્કલો પાસે જ શટલીયા રીક્ષાઓ, ઈકો કાર સહિતના વાહનોનો ખડકલો રહેતો હોવાથી ટ્રાફિક તેમજ નાનાં મોટાં અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. છતાં સંબંધિત તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે જે પ્રકારે ચ - 6 સર્કલે સ્કૂલ વાન અને બસનો અકસ્માત સર્જાયો તે ગંભીર બાબત છે. શહેરમાં શાળા કોલેજો,પ્રાથમિક માધ્યમિક શાળાઓ વગેરે હોવાથી માર્ગો પર વાહનોથી ટ્રાફિક ધમધમતો હોય છે. તેમ છતાં ટ્રાફિકનું નિયમન કરાવવામાં આવતું નથી. સ્કૂલ વાહનોની અંદર ધેટા બકરાંની માફક સ્કુલના વિધાર્થીઓ બેસાડવામાં આવે છે. જેથી નિયમ મુજબ જ બાળકોને બેસાડવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય છે. તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે સ્કુલ વાહનો તથા શટલીયા જીપના માલિકો પાસેથી દર મહિને પોલીસને હપ્તા બાધવામાં આવેલા હોય છે. જેનાં કારણે કોઈ કાર્યવાહી કરાતી નથી. આથી ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન કરાવવા માટે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.