રાજય સરકાર દ્વારા રજૂ કરાયેલા નાણાંકીય વર્ષ 2022-23ના બજેટમાં નાણા મંત્રીએ ખેડૂતોને રૂ. 3 લાખની મળતી લોનનું કદ વધારવાની જાહેરાત કરી હતી. ખેડૂતોને પાકની વાવણી સહિતના કૃષિલક્ષી ખર્ચ માટે અત્યાર સુધી માત્ર શિયાળુ એટલે કે ખરીફ પાક માટે રૂ. 3 લાખની લોન વગર વ્યાજે આપવામાં આવતી હતી. આ લોનનું કદ વધારીને હવે ખેડૂતોને આ લોન ઉનાળું અને રવી પાક માટે પણ આપવાની જાહેરાત બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રીએ કરી હતી.
બજેટમાં નાણા મંત્રી કનુ દેસાઇએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રે હાલ ખરીફ પાક માટે ટૂંકી મુદતના ધિરાણો ઉપર વ્યાજ સહાયની યોજના અમલી છે, જે હવે ઉનાળુ અને રવી પાક માટે પણ મળશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, બજેટમાં રૂ. 1250 કરોડની જોગવાઇ કરી છે. આ યોજનામાં ખેડૂતોને રૂ. 3 લાખનું વગર વ્યાજની લોન આપવામાં આવે છે. આ લોન પર 7 ટકા વ્યાજ ચૂકવવાનું હોય છે,પણ તે ખેડૂતને બદલે સરકાર ચુકવે છે. ખેડૂત વતી લોન પરના 7 ટકા વ્યાજમાં 4 ટકા વ્યાજ રાજય સરકાર ચૂકવે છે અને 3 ટકા કેન્દ્ર સરકાર ચૂકવતી હોવાથી ખેડૂતોને લોન વ્યાજ વગરની મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.