પીએમ અને સીએમના કાર્યક્રમમાં લોકોને લાવવા અને લઇ જવા માટે કુલ-77 બસો દોડાવવામાં આવી હતી. આથી નગરના ડેપોને રૂપિયા 28.26 લાખની કાગળ પર આવક થઇ છે. આ ભાડુ આઇસીડીએસ, ગ્રામ વિકાસ, રમત ગમત અને જેટકો પાસેથી વસુલવામાં આવશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં વિવિધ જગ્યાએ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમો યોજાયા હતા. તેમાં લોકોને લાવવા અને લઇ જવા એસ ટી બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નિગમના તમામ ડેપોમાંથી બસોને દોડાવવાઈ હતી. તેમાં ગાંધીનગર ડેપોની બસોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીનો નવસારી ખાતે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં ડેપોમાંથી 31 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી ડેપોને રૂપિયા 14.08 લાખની આવક થઇ છે. તેજ રીતે વડોદરા ખાતે આઇસીડીએસના યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં નગરના ડેપોની 32 બસોને દોડાવી હતી.
આથી ડેપોને રૂપિયા 12 લાખની આવક થઇ છે. આથી નવસારી ખાતેના કાર્યક્રમમાં દોડાવવામાં આવેલી બસોના ભાડાની રકમ ગ્રામ વિકાસ વિભાગ પાસેથી લેવામાં આવશે. તેજ રીતે વડોદરા ખાતેના કાર્યક્રમનું ભાડુ રૂપિયા 12 લાખ આઇસીડીએસ પાસેથી વસુલાશે.
ઉપરાંત વિશ્વ યોગા દિવસ નિમિત્તે ડેપોની પાંચ બસોમાંથી ચાર નવાવાડજ અને એક સોલા ખાતે મોકલી હતી. આથી તેના ભાડાની 46640ની રકમ રમત ગમત વિભાગ પાસેથી લેવામાં આવશે. પાટડી ખાતેના સીએમના કાર્યક્રમમાં 9 બસોને મોકલતા તેનું ભાડુ રૂપિયા 2.16 લાખ જેટકો પાસેથી વસુલવામાં આવશે તેમ એસ ટી ડેપોના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે હવે એસટી નિગમને આવી રકમ ક્યારે મળશે તે જોવાનું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.