તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2નું કામ શરૂ:મોટેરાથી મહાત્મા મંદિરના સુધીના 5.42 કિમી રૂટનું કામ ચાલુ, PDPUનો સમાવેશ કર્યો

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટમાં સુઘડ, ગિફ્ટસિટી, ધોળાકુવા પાસે, પીડીપીયુ રોડ પર હાલ પીલ્લર્સ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. - Divya Bhaskar
ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટમાં સુઘડ, ગિફ્ટસિટી, ધોળાકુવા પાસે, પીડીપીયુ રોડ પર હાલ પીલ્લર્સ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે.
  • મોટેરાથી મહાત્મા મંદિર સુધી અંદાજિત રૂ. 5384 કરોડના ખર્ચે ફેઝ-2નું કામ માર્ચ, 2024 સુધીમાં પૂરું થશે
  • સુઘડ, ગીફ્ટ સિટી, પીડીપીયુ, ધોળાકૂવા પાસે પીલર ઊભા કરાયા 5 જેટલાં સ્થળે પીલર સહિત 10 જેટલાં સ્થળે કામગીરીનો ધમધમાટ
  • ફેબ્રુઆરીમાં મંજૂરી, જૂન-2019માં ગાંધીનગરમાં રોડ નં-5 સહિતના સ્થળોએ મેટ્રો પ્રોજેક્ટને લઈને સોઈલ ટેસ્ટિંગની કામગીરી કરાઈ હતી
  • 22.84 કિલોમીટર એલિવેડેટ કોરિડોર અને 20 એલિવેટેડ સ્ટેશન બનાવાશે

મોટેરાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ કોબા સર્કલથી લઈને ગાંધીનગર સુધીના રસ્તાઓ પર અનેક જગ્યાએ મેટ્રોની કામગીરીનાં પાટિયાં જોવા મળે છે, જેમાં સુઘડ, ગિફ્ટ સિટી, ધોળાકૂવા પાસે, પીડીપીયુ રોડ પર હાલ પીલર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2માં આ કામગીરી થઈ રહી છે. જેમાં મેટ્રોના ફેઝ-1માં એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધીના નોર્થ-સાઉથ કોરિડોરને લંબાવીને ફેઝ-2માં મહાત્મા મંદિર સુધી લઈ જવામાં આવશે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.84 કિલોમીટર એલિવેડેટ કોરિડોર અને 20 એલિવેટેડ સ્ટેશન બનાવાશે. સાથેસાથે જીએનએલયુથી પીડીપીયુ થઈ ગિફ્ટ સિટી સુધીના 5.42 કિલોમીટર રૂટ અને 2 એલિવેટેડ સ્ટેશનની કામગીરી થશે. મેટ્રોના ફેઝ-2ની આ કામગીરી માર્ચ, 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે જાન્યુઆરીમાં જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ-2નું ભૂમિપૂજન કર્યું હતું. ફેઝ -2નાં કામમાં રૂપિયા 5,384 કરોડનો ખર્ચનો અંદાજ છે. મેટ્રો ફેઝ-2ને કેન્દ્રિય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી-2019માં મંજૂરી અપાઈ હતી, જે બાદ જૂન-2019માં ગાંધીનગરમાં રોડ નં-5 સહિતના સ્થળોએ મેટ્રો પ્રોજેક્ટને લઈને સોઈલ ટેસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવી હતી.

સ્પીડ 90ની પણ દોડશે 80ની ઝડપે
મેટ્રો ટ્રેનની ડિઝાઈન પ્રમાણે તેની મેક્સિમમ સ્પીડ 90ની છે પરંતુ મેટ્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે. તેની એવરેજ સ્પીડ 33 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ સાથે દરેક સ્ટેશન પર ટ્રેન 30 સેકન્ડ માટે ઊભી રહેશે. એટલે 20 સ્ટેશન પર ઉભા રહેતા અંદાજે 10 મિનિટનો સમય અને મેક્સિમમ 80ની સ્પીડ ગણો તો પણ મોટેરાથી મહાત્મા મંદિર સુધીના 22.83 કિલોમીટર આવતા 15 મિનિટથી વધુ સમય લાગે તે નક્કી છે. એટલે કહીં શકાય કે મોટેરાથી મહાત્મા મંદિર સુધી આવતા 30 મિનિટનો સમય લાગે તેમ છે.

મેટ્રો ફેઝ-2માં રૂટ અને સ્ટેશનો
મોટેરાથી મહાત્મા મંદિર : કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10એ, સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર.

રોજના 99 હજાર પ્રવાસીનો અંદાજ
મેટ્રોના સમગ્ર પ્રોજેક્ટમાં ટ્રાફિક ફોરકાસ્ટને પણ ધ્યાને લેવાયું છે, જેમાં હાલના સમયે મોટેરાથી મહાત્મા મંદિરના રૂટ પર રોજના 99 હજાર જેટલા લોકોની અવરજ રહેતી હોવાનો અંદાજ છે. આ રૂટ પર 2031માં દૈનિક દોઢ લાખ, 2041માં દૈનિક સવા બે લાખ અને 2051માં દૈનિક પોણા ત્રણ લાખ લોકોની અવર-જવર રહેવાનો અંદાજ લગાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...