તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો તરખાટ:ભાટ અને શેરથામાં ચોરીના બનાવ, બંને મકાનમાંથી 19.62 લાખના મુદ્દામાલની ચોરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાટ વિસ્તારમાં બંગલામાંથી 40 કિલો વજનની તિજોરી પણ તસ્કરો ઉઠાવી ગયા

ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદમાં આવેલ ભાટ તેમજ શેરથામાં આવેલ બે મકાનોમાં ત્રાટકીને તસ્કરોએ હાહાકાર મચાવી દીધો હતો. ભાટના બંગલોમાં પરિવાર સૂતો રહ્યો હતો અને તસ્કરો સિફતપૂર્વક બેડરૂમમાંથી સોનાના દાગીના રાખેલ 40 કિલો વજનની આખેઆખી તિજોરી તેમજ 7 લાખ રોકડા ભરેલો થેલો પણ ઉઠાવી ગયા હતા. બન્ને મકાનમાંથી તસ્કરો કુલ. 19. 62 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બંગલોમાં પરિવાર હાજર હોવા છતા ચોરીનો બનાવ બન્યોગાંધીનગરનાં ભાટ ગામની સીમમાં આવેલ જર્મન વેનયા બંગલો નંબર 4 માં લક્ષ્મણભાઈ નેભનદાસ ટીડવાણી તેમનાં પત્ની કાંતાબેન તેમજ પુત્ર સંદીપ સાથે રહે છે. જેઓ અમદાવાદ સૈજપુર બોઘા ખાતે ગંજીના કપડા બનાવવાની ફેક્ટરી ધરાવે છે. ગત રાત્રિએ જમી-પરવારીને લક્ષ્મણભાઈ તેમના પત્ની સાથે બેડરૂમમાં સૂઈ ગયા હતા. જ્યારે તેમનો પુત્ર સંદીપ ઉપરના માળે આવેલ બેડરૂમમાં સૂઈ ગયો હતો.

ત્યારે ટીંડવાણી પરિવારની ગાઢ નિદ્રાનો લાભ ઉઠાવી તસ્કરો મકાનના આગળ આવેલ સ્લાઇડર બારીની ગ્રીલના લોખંડના સળિયા કાપીને અંદર પ્રવેશ્યા હતા. બાદમાં તસ્કરો સંદીપ સૂતો હતો તેની બાજુના બેડરૂમમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ બેડરૂમમાં રાખેલ લાકડાના કબાટમાં ફીટ કરેલી 40 કિલો વજનની આખેઆખી તિજોરી તેમજ ત્યાં પડેલ રેકઝીન પાકીટ નો થેલો ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ ગયા હતા.

આજે સવારે સંદીપ ઉઠયો તો બેડરૂમ નો દરવાજો તેમજ કબાટ ખુલ્લા જોઈ તેણે તેના માતાપિતાને બોલાવી લીધા હતા. બાદમાં ટીંડવાણી પરિવારે તપાસ કરતા તસ્કરો ઘરેણાં મુકેલી તિજોરી તેમજ 7 લાખ રોકડા ચોરી ગયાનું માલુમ પડયું હતું. 40 કિલો વજનની તિજોરીમાં સોનાના બિસ્કીટ સોનાનો દોરો, સોનાનું, બ્રેસલેટ, વીંટી તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. 18 લાખ 8 હજારથી વધુની મત્તા ચોરાયાં અંગે ફરિયાદ નોંધાતા ઇન્સ્પેકટર જે. એચ. સિંધવ સ્ટાફના માણસો સાથે દોડી ગયા હતા. જેમની તપાસમાં તસ્કરો બંગલો કમ્પાઉન્ડ વોલ માં લગાવેલી તાર ની જાળી કાપીને મકાનની બારીની ગ્રીલ ના લોખંડના સળિયા કાપી ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.

જ્યારે અન્ય એક ચોરીના બનાવમાં શેરથા કસ્તુરી નગર ઇકો ટાઉનશીપમાં રહેતા સુભાષચંદ્ર આત્મારામ ચંદર ઇકો કંપની માં ઇલેક્ટ્રિકલ મેનેજર તરીકે ફરજ બજાવે છે તારીખ 12મી જૂન ના રોજ હરિયાણા ગુડગાંવ માં રહેતા પુત્ર અંકુરને મળવા માટે તેઓ ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા.

બાદમાં તસ્કરોએ બેડ રૂમમાં મુકેલ પેટી પલંગના બંને બાજુના દરવાજા ખોલી ઘરનો તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને બેડરૂમમાંથી ડાયમંડનું પેન્ડલ વાળો સેટ 1 સોનાના કડા 3, કાંડા ઘડિયાળ 2,ચાંદીના સિક્કા 10 તેમજ રૂ. 15 હજાર રોકડા મળી કુલ. 1.53 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. આજે સવારે સુભાષચંદ્ર ઘરે આવ્યા ત્યારે મકાન નો મુખ્ય દરવાજો તેમજ લોક તૂટેલું જોઈ તેમને ઘરમાં ચોરી થયાનો અંદાજ આવી હતો. આ અંગે પણ અડાલજ પોલીસમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...