આત્મનિર્ભર ગ્રામ યાત્રા:ગાંધીનગર જિલ્લામાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરના હસ્તે અડાલજ ખાતેથી કરાયો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં રૂપિયા 10.71 કરોડના 6547 વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરાશે

આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આત્મનિર્ભર ગુજરાત હોવું જરૂરી છે. રાજ્ય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી આત્મનિર્ભર ગ્રામ યાત્રાના માધ્યમથી પહોંચાડવાનો આ પ્રયાસ છે. તેવું આજરોજ અડાલજ ખાતેથી ગાંધીનગર જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ કરાવતા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું.

આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજ્ય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને ગુજરાત આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાથી જનભાગીદારી દ્વારા સાકાર કરશે. તેવો ર્દઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ગામ થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવા આ ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં રૂપિયા 10.71 કરોડના 6547 વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ અને વિવિધ સાધન-સહાય પ્રજાજનોને હાથોહાથ સમર્પિત કરવામાં આવશે. આજથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાના બે રથ 150 જેટલા ગામોમાં ફરીને ગ્રામજનોને વિવિધ સરકારની ફેલગશીપ યોજનાઓની માહિતી આપશે.

આ કાર્યક્રમના આરંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દેવાંગી દેસાઇએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાના ત્રિદિવસીય કાર્યક્રમ થકી રૂપિયા 400 લાખથી વધુની રકમના 275 વિકાસ કામોનું ખાતમુહૂર્ત થશે. રૂપિયા 288 લાખથી વધુના રકમના 185 કામોનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ 6087 લાભાર્થીઓને વિવિધ વિભાગની યોજનાકીય લાભો આપીને રૂપિયા 383 લાખથી વધુ રકમની સાઘન- સહાય અર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં રાજય સરકારની વિવિધ વિભાગની સહાય યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સાધન- સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે આ યાત્રા દરમિયાન ગાંધીનગરની જિલ્લા પંચાયતની સીટ અનુસાર ફરનાર બે યાત્રા રથોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. તેમજ અડાલજ ગામ ખાતે ગ્રામજનો, શિક્ષકો, આંગણવાડી કાર્યક્રરો, આશા બહેનો, સખી મંડળ, યુવક મંડળ, નિગરાની સમિતિ, પાણી સમિતિ દ્વારા સ્વચ્છતા અંગે જન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. નાટકના માધ્યમથી સરકારની વિવિધ યોજના અંગે અને જન જાગૃતિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગાંધીનગર (દ) ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યો, વિવિધ સમિતિના ચેરમેનો, ગામના સરપંચો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...