તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન્ય પ્રાણી માટે ઓપન મેટ:ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં હવે વાઘ-સિંહને પાંજરામાં નહીં ખુલ્લા ફરતા જોઇ શકશો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • લગભગ 2 કરોડના ખર્ચે આ આવાસો તૈયાર કરવામાં આવ્યા

ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉધાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દિપડા માટે પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલા 'ઓપન મોટ' પ્રકારના આધુનિક આવાસોનું આજે વનમંત્રી ગણપત વસાવા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વર્ષ 1977 થી શરૂ થયેલુ ઉદ્યાન 400 હેક્ટરમાં વિકસાવ્યું છે
આ પ્રસંગે વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના વનવિભાગ અને મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ લગભગ 2 કરોડના ખર્ચે આ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઇન્દ્રોડા પાર્કની અંદર બે સફેદ વાઘ અને બે સિંહ અને છ જેટલા દીપડાના આવાસોનું લોકાર્પણ આજે કરાયું છે. જેનો લાભ પાટનગરમાં આવતા તમામ ગુજરાતીઓ અને શહેર વાસીઓ અને દેશવાસીઓને થશે. આ સંસ્થા 1977થી શરૂ કરવામાં આવી છે અને આજે 400 હેક્ટરમાં ડેવલપમેન્ટ થયું છે.

પ્રાણીઓના રિસર્ચ માટે 2 હજાર પ્રકૃતિ કેમ્પ યોજાઈ ગયા
ગુજરાતમાં સિંહોની સંખ્યા એક સમયે 20 જેટલી હતી. આજે એ સંખ્યા વનવિભાગ, સૌરાષ્ટ્રની જનતાના સપોર્ટથી 674 થઈ છે. પ્રાણીઓનો રિસર્ચ માટે 2000 પ્રકૃતિ કેમ્પ અત્યાર સુધી અત્રે થઈ ચૂક્યા છે. 5થી 6 લાખ જેટલા પ્રવાસીઓ અહીં વર્ષ દરમિયાન આવે છે. ઈન્દ્રોડા પાર્કમાં 27 સાબર, 68 ચિતલ 68 અને 96 જેટલા કાળિયાર, મગરો જેવા પ્રાણીઓ આવેલા છે. આ ઉપરાંત બે સફેદ વાઘ પણ આજથી લોકો જોઈ શકશે. જેમના માટે પણ આ આવાસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઓપન મોટ આવાસોની વિશેષતા
'ગીર' ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનના પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે ઓપન મોટ પ્રકારના આધુનિક આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. એટલુ જ નહિ મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ આપવામાં આવ્યો છે.

ઉદ્યાનમાં ડાયનાસોર-ફોસીલ પાર્ક, અર્થ સેક્શનના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેના ડાયનાસોર અને ફોસીલ પાર્ક, અર્થ સેક્શનના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના છોડ, ક્ષુપ, વેલા અને વનસ્પતિઓ ધરાવતો વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલો બોટનીકલ ગાર્ડન પણ છે. જેનું કેક્ટસ ગાર્ડન એક અનેરૂ આકર્ષણ ધરાવે છે.

સફેદ વાઘની જોડી ગૌતમ તથા સૃષ્ટિને મુલાકાતીઓ નિહાળી શકશે
નવનિર્મિત આવાસોમાં વન્યજીવોને ખોરાક, પાણી, સારવાર તથા તમામ ઋતુઓમાં રક્ષણ પ્રદાન કરવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રયત્નોના ભાગરૂપે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં બિડાલકુળના વન્યજીવ સફેદ વાઘની જોડી ગૌતમ તથા સૃષ્ટિ ને રાજ્યના વિવિધ ઝૂમાંથી ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે લાવવામાં આવ્યા છે. જેને પણ હવેથી મુલાકાતીઓ નિહાળી શકશે. ઉપરાંત પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલી સિંહની પ્રખ્યાત જોડ સૂત્રના અને તથા ગ્રીવાને પણ નવનિર્મિત આધુનિક ઓપન મોટ પ્રકારના આવાસમાં નિહાળવાનો અવસર પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...