તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગર્ભાઓને વેક્સિન:ત્રીજી લહેરને ધ્યાનમાં લઈ સગર્ભાઓને ચાલુ મહિનાના છેલ્લા સપ્તાહમાં વેક્સિન અપાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભાઓને વેક્સિન આપતાં શી તકેદારી રાખવી તેની આરોગ્ય કર્મીઓને તાલીમ અપાઈ

કોરોનાની સભંવિત ત્રીજી લહેર પહેલાં વેક્સિનેશન કામગીરી સઘન કરવાના ભાગરૂપે ચાલુ માસના છેલ્લા સપ્તાહમાં સગર્ભાઓને વેક્સિન આપવામાં આવશે. જેના માટે હાલમાં સગર્ભા મહિલાઓને વેક્સિન આપતા પહેલાં અને પછી શું શું તકેદારી રાખવી તેની તાલીમ આરોગ્યના કર્મચારીઓને આપવામાં આવી રહી છે.

કોરોનાની મહામારીને હરાવવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય રહ્યો છે. કેમ કે કોરોનાની બીજી લહેરમાં વેક્સિન લેનારને ઓછી અસર જોવા મળી હતી. આથી કોરોનાની સભંવિત ત્રીજી લહેર પહેલાં વધુને વધુ લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લે તે માટે સઘન વેક્સિનેશનની કામગીરી કરવા રાજ્ય સરકારે આદેશો જારી કર્યા છે.

જોકે કોરોનાની વધુ અસર ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડની, કેન્સર, ટીબી તેમજ સગર્ભા મહિલાઓને થવાની શક્યતા રહેલી છે. જોકે રાજ્યમાં અત્યાર સુધી સગર્ભા માતાઓને કોરોનાની રસી આપવામાં આવતી ન હતી. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા અભ્યાસ કર્યા બાદ સગર્ભા બહેનોને કોરોનાની વેક્સિન આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે હાલમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાકક્ષાના અધિકારીઓ, મેડિકલ અને પેરા મેડિકલ કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

વેક્સિન આપતાં પહેલાં સગર્ભા મહિલાનું કાઉન્સિલિંગ કરાશે
કોરોનાની વેક્સિન આપતા પહેલાં સગર્ભા મહિલાઓનું કાઉન્સિલીંગ કરવામાં આવશે. તેમાં વેક્સિન કેમ લેવી તેના ફાયદા શું, સગર્ભા અવસ્થા દરમિયાન કોઇપણ માસમાં લઇ શકાય. કોરોના થાય તો અધુરા માસે ડિલેવરી, કસુવાવડ સહિત શું શું થઇ શકે કેટલું જોખમ બાળક અને માતા ઉપર છે સહિતની જાણકારી આપવામાં આવશે.

હાઇરિસ્કવાળી સગર્ભા મહિલા માટે ડોક્ટરી સલાહ ફરજિયાત
જે સગર્ભા મહિલાને હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતની કોઇ બિમારી હોય તેવી મહિલાઓને રસી આપતા પહેલાં ગાયનેક તબિબ કે ફિઝીશ્યનની ફરજિયાત સલાહ લેવાની રહેશે. ઉપરાંત આવી મહિલાઓને હોસ્પિટલમાં જ વેક્સિન અપાશે.

વેક્સિન આપ્યા બાદ 20 દિવસ ફ્લોઅપ લેવાનું રહેશે
સગર્ભા મહિલાને વેક્સિન આપ્યા બાદ તેમને અન્ય કોઇ આડઅસર કે બિમારી તેમજ તકલીફ થાય છે કે નહી તેના માટે આરોગ્યના કર્મચારીઓએ સતત 20 દિવસ સુધી ફ્લોઅપ લેવાનું રહેશે. ઉપરાંત વેક્સિન લેનાર સગર્ભા મહિલાનું મમતા કાર્ડમાં નોંધણી કરવાની તેમજ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને તે દરમિયાન તેમને જો કોઈ આડ અસર કે બિમારી હોય તેની માહિતી લેવાશે.

જિલ્લામાં એક વર્ષમાં કુલ 26000 સગર્ભા બહેનો લક્ષ્યાંક
જિલ્લાના આરોગ્ય તંત્રના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ સગર્ભા માતાઓને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે એક વર્ષમાં જિલ્લામાં 26000 સગર્ભા મહિલાઓનો લક્ષાંક છે.

અન્ય સમાચારો પણ છે...