છેલ્લા કેટલાક સમયથી ઇશુદાન ગઢવી દ્વારકાથી ચૂટણી લડશે તેવી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. છેવટે આપ પાર્ટીએ ઇશુદાન ગઢવીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે. ઇશુદાન સોમવારે આપ પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાનની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરશે.
ખંભાળીયાથી ચૂંટણી લડવા ઉતરેલા ઇશુદાન સામે કોંગ્રેસમાંથી સતત બે ટર્મથી વિજેતા બનતા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને સતત આઠ ટર્મથી ચૂંટણી લડતા અ્ને ત્રણ ટર્મ ભાજપના મંત્રી રહેનાર તેમજ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણના પૂર્વ ચેરમેન મૂળૂ બેરા ભાજપના ઉમેદવાર છે.
આવા સંજોગોમાં ત્રણેય મજબૂત ઉમેદવાર વચ્ચે રસાકસીભર્યો ત્રિપાંખીયો જંગ જામશે. જો કે, સામે પક્ષે ઇશુદાનને આપ પાર્ટીમાં સૌરાષ્ટ્રના ઉમેદવારોને પણ જીતાડવાની જવાબદારી છે,આવા સંજોગોમાં તે પોતે તેમની બેઠક પર કેટલું ધ્યાન આપી શકશે તે પણ પ્રશ્ન છે. તેમના માટે જ ફાઇટ અતિસ્પર્ધાત્મક છે ત્યારે ઇશુદાન માટે ખંભાળીયા જીતવું પડકારજનક છે.
ઇશુદાનને દ્વારકાથી ખંભાળિયા કયાં ગણિતથી ફેરવ્યા
ખંભાળીયામાં 3.02 લાખ મતદાર છે. આ પૈકી 52 હજાર આહિર છે, 50 હજાર લઘુમતિ મતદારો, સથવારા 35 હજાર,રાજપુત 14 હજાર,દલિતો 18 હજાર છે. ઇશુદાનને દ્વારકાથી ખંભાળીયા ફેરવવાનું કારણ એ છે કે, દ્વારકામાં આમ આદમી પાર્ટીએ સથવારા સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે અને કોંગ્રેસ કે ભાજપે સથવારા સમાજને ટિકિટ આપી નથી એટલે ખંભાળીયામાં સથવારાના મત ઈસુદાનને મળે અને તેમની સામે ભાજપ-કોંગ્રેસમાંથી બન્ને ઉમેદવાર આહીર છે એટલે આહીરના મતનું વિભાજન થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.