બનાસકાંઠાના વાવ તાલુકાના એક ગામની કિશોરી ઉપર ત્રણ નરાધમો દ્વારા પાશવી બળાત્કાર કરવામાં આવ્યો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધાયા પછી પણ આરોપીઓ સુધી પોલીસના હાથ પહોંચી શકતા નથી અને એક આરોપી પોલીસથી ભાગતો ફરી રહ્યો છે. જેને લઇને સમગ્ર પ્રજાપતિ સમાજના આગેવાનો મંગળવારે નવા સચિવાલયમાં ઉમટી પડ્યા હતા. આરોપીઓ વગદાર હોવાથી તેમને સ્થાનિક તપાસ અધિકારીઓ દ્વારા છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે કેસની તપાસ સ્ટેટ સીઆઇડી ક્રાઇમને સોપવા માટે સીએમ અને ગૃહમંત્રીને રજૂઆત કરી હતી.
વાવ તાલુકાના એક ગામમાં રહેતા પ્રજાપતિ સમાજની કિશોરી ઉપર ત્રણ નરાધમો દ્વારા બળાત્કાર કરાયો હતો. જેમા કિરણ ભુરા પટેલ, દિનેશ રવજી પટેલ અને વિક્રમ મહાદેવ પટેલે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારપછી જો આ વાત કોઇને કહીશ તો તને અને તારા ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાયા પછી પણ એક આરોપી ફરાર છે. આરોપીઓ વગદાર હોવાથી તેમની સામે ઢીલી તપાસ કરવામાં આવી રહી હોવાનો પ્રજાપતિ સમાજ દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. કેસમા આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તે માટે સમગ્ર રાજ્યનો પ્રજાપતિ સમાજ લાલઘુમ થતા ગાંધીનગરમાં ઉમટી પડ્યો હતો.
પીડિતાના પરિવારજનો સહિત આગેવાનોએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરતા કહ્યુ હતુ કે, આરોપીઓના સગા વગદાર હોવાથી બચાવવાના પુરા પ્રયાસ કરાઇ રહ્યા છે. તે ઉપરાંત હજુ સુધી ડોક્ટરનો રીપોર્ટ આપવામાં આવ્યો નથી. જેને લઇને સીએમ અને ગૃહમંત્રી પાસે માંગ કરવામા આવી છે કે, આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ સીઆઇડી ક્રાઇમને સોપવામાં આવવી જોઇએ. જ્યારે તબીબી રીપોર્ટ 24 કલાકમાં આપવામાં આવવો જોઇએ. જો સરકાર પ્રજાપતિ સમાજની માંગ નહિ સ્વિકારે તો આગામી સમયમાં મોટુ નુકશાન વેઠવાનો વારો આવશે તેમા બે મત નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.