• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In The Vandemataram Settlement In Sector 29, Water Started Dripping From The Roof Within 3 Years Of Housing Construction, Raising Questions About The Quality Of Construction.

નવા આવાસમાં નવી સમસ્યા:સેકટર-29માં આવેલી વંદેમાતરમ્ વસાહતમાં આવાસ નિર્માણના 3 વર્ષમાં જ છતમાંથી પાણી ટપકવા લાગ્યા, બાંધકામની ગુણવત્તાને લઈ સવાલ ઉઠ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષમાં જ છત અને દીવાલોમાંથી પોપડ ખરવા લાગ્યા!
  • પંખામાંથી પાણીના ફુવારા શરૂ થવા લાગ્યા
  • 200 જેટલા પરિવારો પરેશાન બન્યા

ગાંધીનગરનાં સેકટર - 29 માં જર્જરિત આવાસો તોડીને અદ્યતન પ્રકારના બનાવવામાં આવેલા વંદે માતરમ્ વસાહતનાં મકાનો ટૂંકા ગાળામાં જ જર્જરીત થઈ ગયા છે. અહીંના ઘણા ખરા મકાનોની છતના પંખામાંથી રીતસર પાણીના ફુવારા નીકળી રહ્યા છે. છતની દિવાલો જર્જરીત થવાની સાથે લાઈટના બોર્ડ પણ હાથમાં આવી જતાં હોવાથી કર્મચારીઓમાં ભય વ્યાપી જવા પામ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ નહીં આવતાં સરકારી કર્મચારીઓ જીવના જોખમે અહીં રહેવા માટે મજબૂર બની ગયા છે.

ગાંધીનગરની રચના સમયે સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા મકાનો જર્જરિત થઈ જતાં રાજય માર્ગ મકાન વિભાગ દ્વારા સેક્ટરોમાં જર્જરિત મકાનો તોડી પાડીને વિવિધ કક્ષાના આવાસો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઘણા વર્ષો વીતી ગયા હોવાથી હવે આ સરકારી આવાસો જર્જરિત બની જવા પામ્યા છે. જેનાં પગલે સેક્ટરોમાં આવેલા વિવિધ કક્ષાના જર્જરિત આવાસો તોડી પાડીને આધુનિક સુવિધાઓ સાથેના આવાસો બાંધીને કર્મચારીઓને ફાળવી દેવામાં આવી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી વર્ષો જુના આવાસો ખંડેર હાલતમાં બની ગયા છે. ત્યારે સેકટર 29 માં પણ જુના ખંડેર આવાસો તોડી પાડીને નવા આવાસો ઉભા કરવા માટેની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી હતી . ત્યારે માર્ગ મકાન વિભાગમાં જર્જરિત આવાસોના કારણે સરકારી કર્મચારીઓને મકાન મળતા નથી. જેના કારણે આવાસો મેળવવા માટે વિભાગમાં પ્રતીક્ષા યાદી પણ લાંબી થતી જઈ રહી છે.

બીજી તરફ સેકટર - 29 માં આશરે ત્રણ વર્ષ અગાઉ નવ નિર્મિત વંદે માતરમ્ વસાહત સરકારી કર્મચારીઓને રહેવા માટે ફાળવી દેવામાં આવ્યા હતા. પરંતુ જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ અત્રેની વસાહતના મકાનો ખૂબ જ ટૂંકા ગાળામાં જર્જરિત થવા લાગ્યા છે.

અને મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો ઉઠી છે. વંદે માતરમ્ વસાહતનાં રહીશોએ જણાવ્યું હતું કે સાત માળની વસાહત જર્જરિત થવા લાગી છે. મકાનોનું વાયરીંગ એટલી હલકી ગુણવત્તાનું છે કે પંખામાંથી પાણીના ફુવારા થવા લાગ્યા છે. લોકોને છતની નીચે ડોલો મૂકવાનો વખત આવ્યો છે. દિવાલો જર્જરીત થઈ જતાં છતમાંથી મસ મોટા પોપડા ખરવા લાગ્યા છે. લિફ્ટ માં પણ પાણી પડી રહ્યું છે. હલકી ગુણવત્તાનું બાંધકામ હોવાથી દિવાલોમાંથી ભેજ આવવાની સાથે કલર પણ ઉખડી રહ્યો છે.

અત્રે 280 આવાસોમાં 200 જેટલા પરિવારો વસવાટ કરે છે. પરંતુ મોટા ભાગના આવાસો ત્રણ વર્ષમાં જ જર્જરિત થવા લાગ્યા છે. એટલે સુધી કે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે લગાવેલું ચાર્જર કાઢીએ તોપણ આખે આખું બોર્ડ હાથમાં આવી જાય છે.

આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં ફરિયાદનું નિવારણ લાવવામાં આવતું નથી. જેનાં કારણે સ્વખર્ચે સમારકામ કરાવવાની નોબત આવી છે. છતમાંથી સતત પાણીનાં ફુવારા નીકળતા હોવાથી ગમે ત્યારે શોર્ટસર્કિટ સાથે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિથી વસાહતીઓમાં ભય વ્યાપી ગયો છે. સરકારે વસાહત રહેવા માટે તો આપી દીધી છે પણ તેનું યોગ્ય મેન્ટેનન્સ પણ કરવામાં આવતું નથી. નાના બાળકો અને મહિલાઓ પોતાના ઘરમાં જ ભયના માહોલ વચ્ચે જીવવા મજબૂર બની ગયા છે. ત્યારે આ બાબતે સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી પણ વસાહતીઓ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...