સરકારી પગાર મેળવતા કર્મચારીઓ વ્યવસ્થિત રીતે ફરજ બજાવે છે કે નહીં તે ચકાસવા માટે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ ગુરુવારે ફિશરીઝ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. આશ્ચર્યની વચ્ચે મંત્રીએ નોંધ્યું કે, આ કચેરીના વડા અને આઈએએસ અધિકારી કમિશનર નીતિન સાંગવાન જ ફરજ પર હાજર નહોતા. સાંગવાન સિવાય આ કચેરીમાં કામ કરતા અન્ય કર્મચારીઓ પણ પોતાના ટેબલ પર હાજર ન જોઈને રાઘવજી ગુસ્સે થયા હતા.
ફરજના સમય દરમિયાન ગુલ્લી મારતા આવા અધિકારીને કર્મચારીઓને સખત સજા કરવા માટે રાઘવજી પટેલ હવે વિભાગના સચિવને હુકમ કરશે.રાઘવજી પટેલે કર્મચારીઓના ગેરહાજર રહેવાના કારણો જાણ્યા હતા. કચેરીમાં અરજદારોના પ્રશ્નોના નિકાલ માટેની વ્યવસ્થા, કચેરીની કામગીરીની પદ્ધતિ, સફાઇ સહિતની બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. આ કચેરીમાં ફાઇલો પેન્ડિંગ રહેતી હોવાની અને માછીમારોના પ્રશ્નોના ઉકેલ નહીં આવતા હોવાની ફરિયાદોના પગલે કચેરીમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.
રાઘવજી પટેલે કહ્યું કે, કચેરીમાં ઘણાં અધિકારી કર્મચારીઓ ગેરહાજર હતા. કમિશનરે પોતાની તબિયત સારી નહીં હોવાથી કચેરીમાં આવ્યા નહીં હોવાનું જણાવ્યું હતું. જોકે અમે હાલ દરેક કચેરીઓનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છીએ. ગેરહાજર રહેવાના કારણો પણ જાણી રહ્યા છીએ. જેથી હાલ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વિસ્તૃત તપાસ બાદ ખાતાના વડા સાથે બેઠક યોજીને આ મામલે સૂચનાઓ આપવામાં આવશે. સચિવાલયના ઘણાં કર્મચારીઓ સવારે કચેરીમાં આવી પછી શોપિંગના બહાને બહાર જાય છે.સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ અમદાવાદમાં આવેલી સહકાર વિભાગની વિવિધ કચેરીઓની મુલાકાત લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.