તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાંધીનગરના યુવકના આપઘાત પ્રકરણમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલી પ્રેમિકા ઝડપાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકટર-7 પોલીસે સેકટર-26માં તેની બહેનપણીના ઘરેથી રીન્કુને ઝડપી લીધી
  • પોલીસે તેના બેંક એકાઉન્ટ ડિટેઇલ કઢાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર ન્યુ વાવોલના યુવાનના આપઘાત પ્રકરણ પછી છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભમાં ઉતરી ગયેલી પ્રેમિકાને સેકટર-7 પોલીસે સેકટર-26માં તેની બહેનપણીના ઘરેથી ઝડપી લેવામાં આવી છે. જોકે, પ્રાથમિક પુછપરછમાં પ્રેમિકા તરફથી પૈસા બાબતે કોઈ ફળદાયી હકીકત જાણવા નહીં મળતા પોલીસે તેના બેંક એકાઉન્ટ ડિટેઇલ કઢાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જયારે પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને સેન્ટ્રલ જેલ મોકલી આપો છે.

ગાંધીનગરનાં ન્યુ વાવોલ 303 સંકલ રેસીડેન્સીમા રહેતા અને વાવ મુકામે બ્લુ બેલ એક્ઝોટિકા કોમ્પલેક્ષ શાકભાજીનો ધંધો કરતા 28 વર્ષીય વિપુલ ભોગીલાલ પટેલે છ દિવસ અગાઉ ખોરજ નર્મદા કેનાલમાં આપઘાત કરીને જીવનનો અંત આણી લીધો હતો. મૃતકનાં ભાઈ નવનીતે સેકટર-7 પોલીસ મથકમાં સેકટર-4 /સી પ્લોટ નંબર 667/1 માં ભાડાના રહેતી મૃતકની પ્રેમિકા રીન્કુ ઉર્ફે રીના રમેશભાઈ માલાણી વિરુદ્ધ દુષ્પ્રેરણ ની ફરિયાદ દાખલ કરાવી હતી.

આ સમગ્ર પ્રકરણમાં રીન્કુનાં પિતા રમેશ ઉર્ફે રામભાઈ માલાણી મૂળ ભાવનગરના વતની તેમજ હાલમાં વિદેશમાં રહેતા હોવાનું ખુલવા પામ્યું હતું. ઉપરાંત રમેશ માલાણી અને રણછોડપૂરા ગામના દિપક અંબાલાલ પટેલ બન્ને મિત્રો છે. જ્યારે મૃતક યુવાન વિપુલ પણ દિપકનો મિત્ર હતો. જેનાં પગલે દિપક પટેલ મારફત વિપુલની ઓળખાણ રીન્કુ ઉર્ફે રીના સાથે એક વર્ષ અગાઉ થઈ હતી. રીન્કુના ડાઇવોર્સ થઈ ચૂક્યા છે અને તેને એક દીકરી પણ છે. જે સેકટર-4માં ભાડાનાં મકાનમાં રહેતી હતી.

થોડા સમયના પરિચય પછી બન્ને ની આંખો મળી ગઈ હતી. ત્યારે રીન્કુએ વિપુલ પાસેથી એંન કેન પ્રકારે રૂપિયા લેવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે આ પ્રેમ સંબંધના થોડા વખતમાં જ બંને વચ્ચે કોઈ બાબતે અણબનાવ થતાં તેઓનું બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ વિપુલ રીન્કુના ગળાડૂબ પ્રેમમાં પડી ગયો હતો. બાદમાં દિપક પટેલની દરમિયાનગીરીથી બન્ને વચ્ચે સમાધાન થઇ ગયું હતું. ત્યારે પણ રીન્કુએ વિપુલ પાસેથી પૈસા પડાવવાનું ચાલુ રાખ્યું હતું. જેનાં કારણે વિપુલ તેના ભાગીદારો સહિતના મિત્ર વર્તુળો પાસેથી પૈસા લઈને રીન્કુ આપી દેતો હતો.

વિઝાનાં વ્યવસાય સાથે સંકળાયેલી રીન્કુએ વિપુલને વિદેશથી એક કરોડનું પાર્સલ આવવાનું હોવાનું જણાવ્યું હતું. જેમાં લિક્વિડ કેશ તેમજ ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ ભરેલી છે જેને દિલ્હી ખાતેથી છોડાવવા માટે કસ્ટમ ડયુટી ભરવાની હોવાનું કહી વિપુલ પાસેથી અત્યાર સુધી રૂ. 18 લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ પણ મૃતકના ભાઈ તેમજ મિત્ર વર્તુળો દ્વારા કરવામાં આવ્યો હતો.

છેલ્લે વિપુલ દ્વારા પરિવારની જાણ બહાર તેની માતાના ઘરેણાં પણ સરગાસણ વાળા કનુભાઇ પાસે આશરે પંદર દિવસ માટે ગીરવે મૂકીને પણ પૈસા રીન્કુને આપ્યા હતા. તેમ છતાં રીન્કુ પણ તેને પૈસા નહીં આપે તો સંબંધો કાપી નાખવાનું કહી બ્લેક મેઇલ કર્યા કરતી હતી.

આખરે કંટાળી ગયેલા વિપુલે કેનાલમાં આપઘાત કરવા જતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી અને જેમાં રીન્કુને વિપુલએ મેસેજ કર્યો હતો કે "મારે દસ મિનિટ માટે છેલ્લી વખત મળવું છે". ત્યારબાદ બપોરના વિપુલની લાશ ખોરજ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.

બીજી તરફ સેકટર-7 પોલીસ દ્વારા પણ છેલ્લા ઘણા દિવસથી રીન્કુની શોધખોળ કરવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેનાં પગલે પોલીસને માહિતી મળી હતી કે, રીન્કુ સેકટર-26 માં રહેતી તેની બહેનપણીના ઘરે છુપાઈ છે. જેથી પોલીસે રીન્કુની ધરપકડ કરી લીધી હતી.

આ અંગે સેકટર-7 પીએસઆઇ પરમારે જણાવ્યું હતું કે, યુવકના આપઘાતની ઘટના પછી રીન્કુ ગાંધીનગરના એક ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. જ્યાંથી તે તેની બહેનપણીના ઘરે રોકાઈ હતી. જેની પૂછતાંછ કરતાં પૈસા બાબતે કોઈ ફળદાયી હકીકત બહાર આવી નથી. જેના પગલે તેના બેંક એકાઉન્ટની માહિતી મંગાવવામાં આવી છે. રીન્કુના અગાઉ બે વખત લગ્ન થઈ ચૂક્યા છે. પહેલા લગ્ન તૂટી ગયા પછી તેને સેકટર-13ના દેસાઈ યુવક સાથે લગ્ન કર્યા હતા. જેનાં થકી રીન્કુને એક દીકરી પણ છે. પરંતુ આ લગ્ન જીવન પણ ટૂંકા ગાળામાં તૂટી ગયું હતું. બાદમાં તે વિપુલ ના સંપર્કમાં આવી હતી. બન્નેની સગાઈ થવાની હતી પણ બન્ને વચ્ચે કોઈ બાબતે બ્રેકઅપ થઈ ગયું હતું. રીન્કુ લગ્ન કરવા માંગતી ન હતી પણ વિપુલ તેના પ્રથમ પ્રેમમાં ગળાડૂબ થઈ ગયો હતો. રીન્કુને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સેન્ટ્રલ જેલ મોકલી આપી હતી. ત્યારે હવે તેના બેંક એકાઉન્ટની ડિટેઇલ બહાર આવે તે પછી પૈસાની લેવડદેવડની માહિતી બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...