ગાંધીનગરના અડાલજ ગામની સીમના નાળિયામાંથી દૂધના ટેન્કરમાંથી પૂર્વ બાતમીના આધારે પોલીસે રૂ. 6.68 લાખની કિંમતની 2 હજાર 16 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. બિનવારસી હાલતમાં મળેલી દૂધની ટ્રકમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના કલોલના અલૂવા ગામની સીમમાંથી બે દિવસ અગાઉ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ટ્રક-કારમાંથી 1396 નંગ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે અડાલજ પોલીસ દ્વારા પણ દૂધની ટ્રકમાંથી બે હજારથી વધુ દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અડાલજ પોલીસ મથકના પીઆઈ ડી બી વાળાની ટીમના પીએસઆઇ એન એસ ઝાબરે સહિતનો કાફલો પેટ્રોલીંગમાં હતો. એ દરમિયાન બાતમી મળી હતી કે ત્રિ-મંદિર તરફથી અડાલજ ગામની સીમનાં નાળિયાંમાં દૂધની હેરફેર માટે વપરાતી ટાટા 407 ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે. જેનાં પગલે પોલીસ ટીમે બાતમી વાળી જગ્યાએ પહોંચી જઈને તપાસ કરતા ચાવી સાથે ટ્રક બિનવારસી હાલતમાં પડી હતી અને તેનો દરવાજો પણ ખુલ્લો હતો, જ્યારે પાછળનો દરવાજો પણ ખુલ્લો હતો. આથી પોલીસે અંદર તપાસ કરતાં દૂધના ખાલી કેરેટ પડ્યા હતા.
જેને નીચે ઉતારીને જોતા અંદરથી 117 વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતા તેમાંથી 2016 નંગ દારૂની બોટલો કિંમત રૂપિયા 6.68 લાખનો દારૂ મળી આવ્યો હતો. બાદમાં પોલીસે ટ્રક, વિદેશી દારૂનો જથ્થો, 65 નંગ દૂધના કેરેટ મળીને કુલ રૂ. 10.68 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.