વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવસારી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં લોકોને લાવવા અને લઇ જવા સમગ્ર રાજ્યમાંથી 250 બસો દોડાવવામાં આવનાર છે. તેમાં નગરના ડેપોમાંથી 31 બસોને નવસારી ખાતે મોકલી આપી છે. આથી 150 રૂટ કેન્સલ કરવાથી ડેઇલી અપડાઉન કરતા કર્મચારીઓ સહિતના મુસાફરોને હાલાકી પડવાની શક્યતા છે.
રાજ્યની વિધાનસભા ચુંટણીને પગલે રાજકીય ચહલ પહલ તેજ બની રહી છે. જેને પરિણામે અત્યાર સુધી અટકી પડેલા લોકાર્પણ સહિતના કાર્યક્રમો ધડાધડ યોજવામાં આવી રહ્યા છે. લોકોર્પણ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના હસ્તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમોમાં લાભાર્થીઓ તેમજ લોકોને લાવવા અને લઇ જવા એસ ટી બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવસારી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર લોકાર્પણ કાર્યક્રમમાં અમદાવાદ ડિવીઝનની 250 બસોનો ઉપયોગ કરવામાં આવનાર છે.
તેમાંથી ગાંધીનગર ડેપોની 31 બસોને મોકલી આપવામાં આવી છે. આથી ડેપોના 150 રૂટો કેન્સલ કરવામાં આવ્યા છે. જેને પરિણામે નોકરીયાત, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિતને હાલાકી પડવાની શક્યતા રહેલી છે. જોકે હાલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવાથી બસ નહી મળવાથી મુસાફરોને ખાનગી વાહનમાં જવાની ફરજ પડશે.
જ્યારે ડેપોની 100 બસોમાંથી 31 બસો મોકલી આપવાથી બાકી રહેલી 69 બસોની મદદથી પોઇન્ટ તેમજ રેગ્યુલર રૂટની ઉપર બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડેપો મેનેજરના કિર્તન પટેલના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારની ઓછા પેન્સજરવાળા 150 રૂટો કેન્સલ કરવામાં આવ્યા છે. ઉપરાંત મુસાફરોને ધ્યાનમાં રાખીને જે વિસ્તારના મુસાફરો વધુ હશે ત્યાં વધારાની ટ્રીપોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તેમ એક યાદીમાં જણાવાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.